શ્રીલંકન બોલરે ઉસ્માન તારિકના એક્શનની નકલ કરી; અમ્પાયરે તરત જ ‘ડેડ બોલ’ જાહેર કર્યો જાણો વિગત
ક્રિકેટના મેદાન પર અવારનવાર અનોખી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ હાલમાં જ શ્રીલંકાની એક સ્થાનિક મેચમાં જે બન્યું તેણે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. એક શ્રીલંકન બોલરે પાકિસ્તાની સ્પિનર ઉસ્માન તારિકના વિવાદિત અને અનોખા બોલિંગ એક્શનની નકલ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અમ્પાયરે બોલરની આ હરકતને સ્વીકારવાને બદલે તેને તરત જ ‘ડેડ બોલ’ જાહેર કરી દીધો હતો.
ઉસ્માન તારિકનું એક્શન અને વિવાદ
ઉસ્માન તારિક હાલમાં યુવા ક્રિકેટરોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. તેનું બોલિંગ એક્શન એટલું અજીબ છે કે તે બોલ ફેંકતા પહેલા થોડી ક્ષણો માટે સાવ અટકી જાય છે. આ એક્શનને કારણે કેમરૂન ગ્રીન જેવા દિગ્ગજ ખેલાડીઓએ તેના પર ‘ચકિગ’ (બોલ ફેંકવો) ના આક્ષેપો પણ કર્યા છે. તારિકના આ એક્શનમાં બોલ રિલીઝ કરતા પહેલા જે વિરામ (pause) આવે છે, તે તેની કુદરતી શૈલીનો ભાગ ગણાય છે, તેથી તેને નિયમ મુજબ માન્ય રાખવામાં આવે છે.
શ્રીલંકન મેચમાં શું બની ઘટના?
આ ઘટના શ્રીલંકાની બે જાણીતી કોલેજો – રિચમન્ડ અને મહિન્દા વચ્ચે રમાયેલી ‘લવર્સ ક્વારલ’મેચ દરમિયાન બની હતી. રિચમન્ડ કોલેજ તરફથી રમી રહેલા ડાબોડી સ્પિનર નેથુજા બાસિથાએ ઉસ્માન તારિકની નકલ કરવાનો પ્રયાસ કર્યો. બાસિથાએ રન-અપ દરમિયાન વારંવાર ઉછળકૂદ કરી અને બોલ ફેંકતા પહેલા અટકીને ફૂલ ટોસ બોલ ફેંક્યો. બોલ હાથમાંથી છૂટતાની સાથે જ અમ્પાયરે તેને ‘ડેડ બોલ’ જાહેર કર્યો હતો.
શા માટે આ બોલને ‘ડેડ બોલ’ જાહેર કરાયો?
મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) ના નિયમ 41.1 મુજબ, જો અમ્પાયરને લાગે કે બોલર જાણીજોઈને બેટ્સમેનનું ધ્યાન ભટકાવવા કે તેને છેતરવા માટે કોઈ હરકત કરી રહ્યો છે, તો તે બોલને ‘ડેડ બોલ’ જાહેર કરી શકે છે. બાસિથાના કિસ્સામાં, આ એક્શન તેની કાયમી શૈલી નહોતી પણ માત્ર બેટ્સમેનને ગૂંચવવા માટે કરાયેલો પ્રયાસ હતો. જ્યારે ઉસ્માન તારિકના કિસ્સામાં તે તેની સ્થાપિત બોલિંગ એક્શન છે, જે તેને બાસિથાથી અલગ પાડે છે.
A fan of Usman Tariq was spotted during the match between Richmond College and Mahinda College in Galle, Sri Lanka. pic.twitter.com/h7DOQpIFr1
— Cricketopia (@CricketopiaCom) March 21, 2026
ઉસ્માન તારિકનું પ્રદર્શન અને આગામી પડકાર
T20 વર્લ્ડ કપ દરમિયાન ઉસ્માન તારિકની ઘણી ચર્ચા થઈ હતી. તેણે નામિબિયા સામે 16 રનમાં 4 વિકેટ અને ઇંગ્લેન્ડ સામે 31 રનમાં 2 વિકેટ ઝડપીને પ્રભાવ પાડ્યો હતો. જોકે, શ્રીલંકા સામેની મહત્વની મેચમાં તેણે 43 રન ખર્ચ્યા હતા અને કોઈ વિકેટ ઝડપી શક્યો નહોતો, જેના કારણે પાકિસ્તાન સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું હતું. હાલમાં તે પાકિસ્તાન સુપર લીગ (PSL) ની તૈયારી કરી રહ્યો છે, જ્યાં તે ક્વેટા ગ્લેડીયેટર્સ ટીમ તરફથી રમતો જોવા મળશે.
