યોગરાજ સિંહનો અશ્વિન પર પ્રહાર, અર્જુન તેંડુલકરને શ્રેષ્ઠ ખેલાડી બનાવવાનો પડકાર ફેંક્યો: ‘તે બકવાસ કરી રહ્યો છે, તું કોણ છે?’
પૂર્વ ભારતીય ક્રિકેટર યોગરાજ સિંહ ફરી એકવાર પોતાના આક્રમક નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમના નિશાન પર ભારતના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન છે. અશ્વિને આઈપીએલ 2026માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ની પ્લેઈંગ ઈલેવનમાં અર્જુન તેંડુલકરના સ્થાન અંગે શંકા વ્યક્ત કરી હતી, જેના પર યોગરાજ સિંહ લાલઘૂમ થઈ ગયા છે.
અશ્વિનની ટિપ્પણી અને ટીમમાં હરીફાઈ
અર્જુન તેંડુલકર અગાઉ મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો, પરંતુ આ સીઝન પહેલા તે ટ્રેડ દ્વારા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો છે. અશ્વિને એક નિવેદનમાં કહ્યું હતું કે લખનૌ પાસે મોહમ્મદ શમી, મયંક યાદવ, મોહસીન ખાન અને આવેશ ખાન જેવા દિગ્ગજ ભારતીય ફાસ્ટ બોલરો છે, તેથી અર્જુન માટે અંતિમ 11માં જગ્યા બનાવવી ખૂબ મુશ્કેલ હશે. અશ્વિનના આ તર્કથી યોગરાજ સિંહ અત્યંત નારાજ થયા છે.
યોગરાજ સિંહનો આકરો વળતો પ્રહાર
યોગરાજ સિંહે અશ્વિનની આકરી ટીકા કરતા ‘InsideSport’ પર કહ્યું, “આ માણસ અશ્વિન જે કોઈ પણ હોય, તે બકવાસ કરી રહ્યો છે. તેને ખબર હોવી જોઈએ કે કોના વિશે શું વાત કરવી. કોઈ ટેલિવિઝન પર બેસીને એમ કહી દે કે ‘ઓહ, તે આ નથી કરી શકતો, તે પેલું નથી કરી શકતો’… તું કોણ છે? તારું અસ્તિત્વ શું છે?” યોગરાજ સિંહે સ્પષ્ટ કર્યું કે કોઈ ખેલાડીની ક્ષમતા પર સવાલ ઉઠાવવાનો અશ્વિનને કોઈ અધિકાર નથી.
તેમણે વધુમાં ઉમેર્યું કે અર્જુન તેંડુલકર સચિનનો પુત્ર છે એ અલગ વાત છે, પરંતુ તેની બોલિંગમાં કેટલીક ટેકનિકલ સમસ્યાઓ હતી જેના પર મેં અગાઉ પણ ધ્યાન દોર્યું હતું. યોગરાજે કહ્યું કે જ્યારે અર્જુન ગોવાની ટીમ સાથે હતો, ત્યારે પણ મેં તેના કોચ અને યુવરાજ સાથે આ અંગે ચર્ચા કરી હતી.
છ મહિનાનો પડકાર અને મોટી જાહેરાત
પોતાના નિવેદનના અંતે યોગરાજ સિંહે દુનિયાભરના ટીકાકારોને એક ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે અર્જુન તેંડુલકર પર પૂરો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું, “જો તમે તેને તૈયાર ન કરી શકતા હોવ, તો તેને મારી પાસે મોકલી દો. હું આખી દુનિયાને પડકાર આપું છું કે જો અર્જુન તેંડુલકર મારી સાથે છ મહિના વિતાવે, તો તે વિશ્વના તમામ બેટ્સમેનોને પાછળ છોડી દેશે. જો આવું ન થાય, તો હું મારી દાઢી કાપીને ફેંકી દઈશ.”

