બિહારમાં સરકારી કેલેન્ડર પર મોટો વિવાદ: મંત્રીએ પરિવાર સાથે ફોટો છપાવતા RJD લાલઘૂમ, સરકારી નાણાંના દુરુપયોગનો આરોપ
બિહારના લોક સ્વાસ્થ્ય ઇજનેરી વિભાગ (PHED) ના મંત્રી સંજય સિંહ અત્યારે ચર્ચાના કેન્દ્રમાં છે. સામાન્ય રીતે સરકારી કેલેન્ડરમાં મુખ્યમંત્રી કે રાજ્યપાલના ફોટા હોય છે, પરંતુ મંત્રી સંજય સિંહે પોતાના વિભાગના કેલેન્ડરમાં પોતાના પરિવાર અને બાળકો સાથેના ફોટા છપાવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ મામલે મુખ્ય વિપક્ષી પાર્ટી RJD એ નીતીશ સરકારને ઘેરી છે.
આરજેડીએ સોશિયલ મીડિયા પર કેલેન્ડરના ફોટા શેર કરતા કટાક્ષ કર્યો છે કે, “આ બિહાર સરકારના મંત્રાલયનું કેલેન્ડર છે કે મંત્રીજીની ખાનગી ફેક્ટરીનું?”
શું સાબિત કરવા માંગે છે મંત્રી? : RJD ના આકરા સવાલ
આરજેડીએ પોતાના સત્તાવાર ‘X’ (અગાઉ ટ્વિટર) હેન્ડલ પર લખ્યું છે કે, સરકારી નાણાંનો દુરુપયોગ કેવી રીતે થાય છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. પાર્ટીએ વધુમાં ઉમેર્યું કે, “પોતાના વખાણ કરવામાં તો મંત્રીએ વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી નીતીશ કુમારને પણ પાછળ છોડી દીધા છે. જ્યારે કોઈ પાર્ટી જમીની કાર્યકરોને છોડીને મોટા ગજાના લોકો (ધન્ના સેઠો) ને મંત્રી પદ વહેંચશે ત્યારે આવું જ થશે.”
વિપક્ષનો આરોપ છે કે મંત્રીએ સરકારી મશીનરીનો ઉપયોગ પોતાના અંગત પ્રચાર અને પારિવારિક પ્રસિદ્ધિ માટે કર્યો છે, જે લોકશાહીની મર્યાદાની વિરુદ્ધ છે.
કોણ છે મંત્રી સંજય સિંહ?
સંજય સિંહ ચિરાગ પાસવાનની પાર્ટી ‘લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)’ ના નેતા છે અને એલજેપી ક્વોટામાંથી બિહાર સરકારમાં મંત્રી બન્યા છે. ગયા વર્ષે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેમણે વૈશાલી જિલ્લાની મહુઆ બેઠક પરથી જીત મેળવી હતી. તેમણે આરજેડીના મુકેશ કુમાર રૌશનને હરાવીને આ બેઠક અંકે કરી હતી.
सरकारी पैसे का कैसे दुरुपयोग होता है इसका नमूना देख लीजिए!
बिहार सरकार के PHED मंत्री संजय सिंह अपने विभाग के कैलेंडर में अपने परिवार और बच्चों की फ़ोटो लगवाकर क्या साबित करना चाहते हैं?
ये बिहार सरकार के मंत्रालय का कैलेंडर है या मंत्री जी की निजी फैक्टरी का कैलेंडर?… pic.twitter.com/ZBFw8NuImV
— Rashtriya Janata Dal (@RJDforIndia) March 25, 2026
અગાઉ પણ વિવાદોમાં રહ્યા છે સંજય સિંહ
આ પહેલીવાર નથી જ્યારે મંત્રી સંજય સિંહ વિપક્ષના નિશાના પર આવ્યા હોય. અગાઉ પણ એક વાયરલ વીડિયોને લઈને આરજેડીએ તેમના પર પ્રહારો કર્યા હતા. તે વીડિયોમાં મંત્રી પર પૈસા લઈને ફ્લેટ ન આપવાના આક્ષેપો થઈ રહ્યા હતા. આરજેડીએ ત્યારે પણ કટાક્ષ કર્યો હતો કે નીતીશ સરકારમાં જેમના પર જેટલા વધુ આરોપો છે, તેમને એટલા જ ઊંચા પદ આપવામાં આવ્યા છે.
અત્યારે આ કેલેન્ડર વિવાદે બિહારના રાજકારણમાં નવો વળાંક આપ્યો છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ મામલે મંત્રી સામે કોઈ પગલાં લે છે કે કેમ, અથવા મંત્રી પોતે આ બાબતે શું સ્પષ્ટતા કરે છે.
