ભાવનગર જિલ્લામાં ‘વિશ્વ ક્ષય દિવસ’ નિમિત્તે જનજાગૃતિ અને સન્માન સમારોહ
ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ક્ષય કેન્દ્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ‘વિશ્વ ક્ષય દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલ અને જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીએ ૧૦૦ દિવસીય ‘ટીબી મુક્ત ભારત’ અભિયાન ૨.૦નો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લાની જે ગ્રામ પંચાયતો સંપૂર્ણપણે ટીબી મુક્ત જાહેર થઈ છે, તે પૈકી પ્રતિકાત્મક રીતે ૬ પંચાયતોના સરપંચોને ગોલ્ડન કલરની મહાત્મા ગાંધીજીની પ્રતિમા અને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પહેલનો મુખ્ય હેતુ ગ્રામીણ સ્તરે આરોગ્ય જાગૃતિ વધારવાનો અને અન્ય ગામોને પણ પ્રેરણા આપવાનો છે.
૧૦૦ દિવસીય ટીબી કેમ્પેઈન ૨.૦ દ્વારા મૃત્યુદર ઘટાડવાનો મક્કમ નિર્ધાર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “ટીબી હારેગા, દેશ જીતેગા” ના સૂત્રને સાકાર કરવા માટે ૨૪ માર્ચ ૨૦૨૬થી વિશેષ ૧૦૦ દિવસીય અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ ટીબીના કેસોની વહેલી ઓળખ કરવી, દર્દીઓને સમયસર સચોટ સારવાર પૂરી પાડવી અને રોગના સંક્રમણની કડી તોડવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા એવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે કે સક્રિય સર્વેલન્સ અને ઝડપી નિદાન દ્વારા ટીબીના કારણે થતા મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો લાવી શકાય, જે ભાવનગર જિલ્લાને આરોગ્ય ક્ષેત્રે નવી ઊંચાઈ પર લઈ જશે.
હાઈ રિસ્ક જૂથોમાં સક્રિય સર્વેલન્સ અને નિદાનની કામગીરી
આ અભિયાન દરમિયાન માત્ર સામાન્ય જનતા જ નહીં, પરંતુ હાઈ રિસ્ક ગણાતા વર્ગોમાં પણ સઘન તપાસ હાથ ધરાશે. જેમાં છેલ્લા બે વર્ષમાં ટીબીની સારવાર લેનાર દર્દીઓના પરિવારજનો, ૬૦ વર્ષથી વધુ વયના વૃદ્ધો, ડાયાબિટીસના દર્દીઓ અને કુપોષિત વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્લમ વિસ્તારોમાં વસતા નાગરિકો તેમજ વ્યસન ધરાવતા લોકોમાં પણ સક્રિય સર્વેલન્સ કરવામાં આવશે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓ માટે ગળફાની તપાસ (સ્પુટમ ટેસ્ટ) અને એક્સ-રે જેવી સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે, જેથી રોગનું વહેલી તકે નિદાન થઈ શકે.
સેવાભાવી સંસ્થાઓનું સન્માન અને સામૂહિક જનભાગીદારીની અપીલ
કાર્યક્રમના અંતિમ ચરણમાં ટીબીના દર્દીઓને મદદરૂપ થતા ‘નિક્ષય મિત્રો’ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના યોગદાનને મોમેન્ટો આપી બિરદાવવામાં આવ્યું હતું. કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સમાજના તમામ વર્ગોને અપીલ કરી હતી કે તેઓ ભવિષ્યમાં પણ ટીબીના દર્દીઓને પોષણ કીટ અને નિદાનમાં સહયોગ આપી ‘નિક્ષય મિત્ર’ બને. આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર એન.ડી. ગોવાણી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌના સહિયારા પ્રયાસોથી જ ભાવનગર જિલ્લો અને સમગ્ર દેશ ટીબી મુક્ત બની શકશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

