વિશ્વ તમાકુ નિષેધ દિવસ: ભારતમાં દર વર્ષે તમાકુથી 13 લાખ લોકોના મોત, નવી પેઢીને બચાવવા WHO એ લીધું મોટું પગલું
દર વર્ષે ૩૧ મેના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ (World No-Tobacco Day) મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને તમાકુ, બીડી, સિગારેટ અને ગુટખા જેવા જીવલેણ પદાર્થોના સેવનથી થતા શારીરિક, સામાજિક અને આર્થિક નુકસાન પ્રત્યે જાગૃત કરવાનો છે. આજે ધૂમ્રપાન અને તમાકુનું સેવન વૈશ્વિક સ્તરે અકાળ મૃત્યુનું એક સૌથી મોટું કારણ બની ગયું છે. તે માત્ર વ્યક્તિના ફેફસાં કે હૃદયને જ નષ્ટ નથી કરતું, પરંતુ આખા પરિવાર અને સમાજને પાયમાલ કરી મૂકે છે. આ દિવસના માધ્યમથી લોકોને આ ઘાતક વ્યસન છોડવા, તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા અને આપણી આવનારી પેઢીને આ ઝેરી લતથી બચાવવાનો મજબૂત સંદેશ આપવામાં આવે છે.
ભારત તમાકુનો બીજો સૌથી મોટો ગ્રાહક અને ઉત્પાદક દેશ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના અહેવાલ અનુસાર, તમાકુનું સેવન એ કેન્સર, ફેફસાના ગંભીર રોગો, હૃદયરોગ અને બ્રેઈન સ્ટ્રોક જેવી અનેક જીવલેણ બીમારીઓ માટેનું મુખ્ય જવાબદાર પરિબળ છે. ભારતમાં સ્વાસ્થ્ય સંકટ અને મૃત્યુ પાછળ તમાકુ એક મોટું કારણ છે. આંકડા ચોંકાવનારા છે કે, આપણા દેશમાં દર વર્ષે આશરે ૧૩ લાખ લોકો તમાકુના કારણે પોતાની જીવ ગુમાવે છે.
ચિંતાની વાત એ છે કે ભારત વિશ્વમાં તમાકુનો બીજો સૌથી મોટો ઉત્પાદક અને વપરાશકર્તા દેશ છે. ભારતીય બજારોમાં વિવિધ પ્રકારના તમાકુ ઉત્પાદનો ખૂબ જ ઓછી કિંમતે અને સરળતાથી મળી રહે છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગ તેનો ઝડપથી શિકાર બને છે.
ભારતમાં ૨૬.૭ કરોડ પુખ્ત વયના લોકો વ્યસની: ધુમાડા વિનાનું ઝેર વધુ પ્રચલિત
‘ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે ઇન્ડિયા’ ના આંકડા દર્શાવે છે કે ભારતમાં લગભગ ૨૬.૭ કરોડ પુખ્ત વયના લોકો કોઈને કોઈ સ્વરૂપે તમાકુનો ઉપયોગ કરે છે. ભારતમાં પશ્ચિમી દેશો કરતાં તમાકુના વપરાશની પેટર્ન થોડી અલગ છે. અહીં ધુમાડા વગરની તમાકુ (Smokeless Tobacco) એટલે કે ચાવવાની તમાકુનો ક્રેઝ ઘણો વધારે છે. જેમાં ખૈની, ગુટખા, તમાકુવાળો પાન મસાલો અને જર્દાનો સમાવેશ થાય છે. જ્યારે ધૂમ્રપાનના સ્વરૂપમાં ગ્રામીણ વિસ્તારોમાં બીડી અને હુક્કા તેમજ શહેરી વિસ્તારોમાં સિગારેટનો વપરાશ સૌથી વધુ જોવા મળે છે.
નવી પેઢી પર ઈ-સિગારેટ અને નિકોટીન પાઉચનું મોટું જોખમ
વૈશ્વિક સ્તરે તમાકુનું સેવન જાહેર સ્વાસ્થ્ય માટે સૌથી મોટો પડકાર બની ગયું છે. WHO ના મતે, વિશ્વભરમાં ૧૩ થી ૧૫ વર્ષની વયના અંદાજે ૪ કરોડથી વધુ બાળકો તમાકુ ઉત્પાદનોનું સેવન કરી રહ્યા છે. આજકાલના યુવાનોમાં ‘ઈ-સિગારેટ’ (E-Cigarettes), વેપિંગ (Vaping) અને ‘નિકોટીન પાઉચ’ જેવી આધુનિક અને ફેશનેબલ પ્રોડક્ટ્સનો વપરાશ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે, જેને કંપનીઓ સુરક્ષિત ગણાવીને વેચે છે પરંતુ તે પણ એટલી જ હાનિકારક છે.
આ ભયજનક સ્થિતિને જોતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને દુનિયાભરની સરકારોને અપીલ કરી છે કે તેઓ કડક કાયદા બનાવીને નવી પેઢીને નિકોટીનની આ જીવલેણ લતમાંથી મુક્ત કરાવે. સમગ્ર વિશ્વમાં દર વર્ષે તમાકુના લીધે ૭૦ લાખથી વધુ લોકોના મોત થાય છે, જે દર્શાવે છે કે આ એક રોકી શકાય તેવું માનવસર્જિત સંકટ છે. આથી જ ૩૧ મેના રોજ WHO વિશ્વના ૧ અબજથી વધુ તમાકુ વપરાશકર્તાઓને આ વ્યસન મુક્તિ તરફ પોતાનું પહેલું કદમ ઉઠાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે.
તમાકુના કારણે અર્થતંત્રને પડતો મોટો ફટકો
ઘણા લોકો દલીલ કરે છે કે તમાકુ ઉદ્યોગ સરકારને મોટો ટેક્સ (એક્સાઇઝ ડ્યુટી) અને રોજગારી આપે છે, પરંતુ વાસ્તવિકતા સાવ અલગ છે. એક સંશોધન અનુસાર, તમાકુના સેવનથી થતી બીમારીઓના ઈલાજનો આર્થિક ખર્ચ ભારતના કુલ જીડીપી (GDP) ના આશરે ૧.૦૪ ટકા જેટલો છે. વર્ષ ૨૦૧૭-૧૮ ના આંકડા મુજબ, ૩૫ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં તમાકુ જન્ય રોગોના કારણે દેશને ૧,૭૭,૩૪૧ કરોડ રૂપિયા ($૨૭.૫ અબજ અમેરિકી ડોલર) નું આર્થિક નુકસાન થયું હતું.
તેની સામે સરકારને તમાકુ પરથી મળતી એક્સાઇઝ ડ્યુટીની આવક આ નુકસાનના માત્ર ૧૨.૨ ટકા જ હતી. દેશના કુલ આરોગ્ય ખર્ચના ૫.૩ ટકા નાણાં માત્ર તમાકુથી થતી બીમારીઓની સારવારમાં વપરાય છે. આ મોટો ખર્ચ દેશની હેલ્થકેર સિસ્ટમ પર ભારે દબાણ લાવે છે અને અર્થતંત્રને પાછળ ધકેલે છે. તેથી ભારતમાં તમાકુ નિયંત્રણના પ્રયાસો મોટા પાયે વધારવા અનિવાર્ય છે.
લત જે શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે
તમાકુ કે ધૂમ્રપાન એ માત્ર એક સામાન્ય ખરાબ આદત નથી, પરંતુ એક ગંભીર નશો છે. તમાકુમાં રહેલું ‘નિકોટીન’ (Nicotine) નામનું તત્વ મગજને તેની આદત પાડી દે છે, જેના લીધે ઈચ્છા હોવા છતાં માણસ તેને છોડી શકતો નથી. સિગારેટ કે બીડીના ધુમાડામાં હજારો હાનિકારક કેમિકલ્સ અને કેન્સર પેદા કરતા તત્વો (Carcinogens) હોય છે, જે શ્વાસ વાટે ફેફસાં, હૃદય અને મગજ સુધી પહોંચીને અંગોને અંદરથી ઓગાળી નાખે છે.
વધુમાં, આ વ્યસન પરિવારોને આર્થિક રીતે ગરીબ બનાવે છે. ઘરની કમાતી વ્યક્તિ જ્યારે બીમાર પડે છે ત્યારે હોસ્પિટલના ખર્ચના કારણે આખો પરિવાર દેવામાં ડૂબી જાય છે. આ પરિબળો સંયુક્ત રાષ્ટ્રના ‘સતત વિકાસ લક્ષ્યો’ (SDGs) ને પ્રાપ્ત કરવાના વૈશ્વિક પ્રયાસોને પણ નુકસાન પહોંચાડે છે, જેનો ઉદ્દેશ્ય એક સ્વસ્થ અને સમાન સમાજનું નિર્માણ કરવાનો છે.

