લલિત મોદી અને સંજીવ ગોએન્કા વચ્ચે ટ્વિટર વોર: IPL ના શ્રેય મુદ્દે પૂર્વ ચેરમેન લાલચોળ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના સ્થાપક અને પ્રથમ ચેરમેન લલિત મોદી ફરી એકવાર સોશિયલ મીડિયા પર આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. હાલમાં જ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ના માલિક સંજીવ ગોએન્કાએ IPL ની આસમાને પહોંચેલી બ્રાન્ડ વેલ્યુ અને સફળ મોડલનો શ્રેય વર્તમાન વહીવટદારોને આપ્યો હતો, જે વાત લલિત મોદીને જરાય પસંદ આવી નથી. મોદીએ ગોએન્કાની સમજ પર સવાલ ઉઠાવતા તેમને “જોકર” કહીને સંબોધ્યા છે.
વિવાદનું મૂળ: ફ્રેન્ચાઇઝીના સોદા અને જે શાહના વખાણ
તાજેતરમાં IPL ની બે મોટી ટીમો, રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના હિસ્સાઓના વેચાણમાં જંગી ઉછાળો જોવા મળ્યો છે. RCB ની વેલ્યુ અંદાજે $1.78 અબજ (₹16,600 કરોડથી વધુ) અને રાજસ્થાન રોયલ્સની કિંમત $1.63 અબજ (₹15,290 કરોડ) આંકવામાં આવી છે.
આ સફળતા પર પ્રતિક્રિયા આપતા સંજીવ ગોએન્કાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું કે, ૨૦૦૮માં કરોડોમાં ખરીદેલી ટીમો આજે અબજોની કિંમત ધરાવે છે. તેમણે આ સફળતાનો તમામ શ્રેય IPL ના માળખા અને ખાસ કરીને જય શાહના વિઝનને આપ્યો હતો. ગોએન્કાએ પોતાની પોસ્ટમાં ક્યાંય પણ લલિત મોદીના નામનો ઉલ્લેખ કર્યો ન હતો, જે આ વિવાદનું મુખ્ય કારણ બન્યું છે.
“તેને ઝીરો જાણકારી છે”: લલિત મોદીનો પલટવાર
સંજીવ ગોએન્કાની પોસ્ટ જોઈને લલિત મોદી ભડકી ઉઠ્યા હતા. તેમણે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ માણસની યાદશક્તિ જતી રહી છે. મોદીએ લખ્યું, “ખરેખર, આ માણસને યાદ નથી કે આ મોડલની કલ્પના કોણે કરી હતી? કોઈ વાંધો નહીં, તે પોતાની જ દુનિયામાં જીવે છે. આપણે બધા જાણીએ છીએ કે સંજીવ ગોએન્કા એક જોકર છે.”
લલિત મોદીએ વધુમાં ઉમેર્યું કે ગોએન્કા એવું વિચારે છે કે માત્ર એક ટ્વિટ કરવાથી ઇતિહાસ બદલાઈ જશે, પરંતુ આ તેમની અજ્ઞાનતા અને અહંકાર દર્શાવે છે. મોદીએ ગોએન્કાના ભાઈ હર્ષ ગોએન્કાના વખાણ કરતા કહ્યું કે, જો તેઓ ફ્રેન્ચાઇઝીના માલિક હોત તો વધુ સારું હોત કારણ કે તેઓ ક્રિકેટના સાચા ચાહક છે.
Seriously this guy really has a memory loss of who conceived the model. Thats ok. He just lives in his own world. We all know that 🤣🤣🤣 @DrSanjivGoenka is a 🤡
wish it was his brother @hvgoenka who owned the ipl franchise. He is a true cricket fan. Not this clown – who thinks… https://t.co/m8eBdAOHHX
— Lalit Kumar Modi (@LalitKModi) March 26, 2026
૨૮ માર્ચથી IPL ૨૦૨૬નો પ્રારંભ
એક તરફ આ સોશિયલ મીડિયા વોર ચાલી રહી છે, તો બીજી તરફ ક્રિકેટ પ્રેમીઓ આગામી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. IPL ૨૦૨૬ ની શરૂઆત ૨૮ માર્ચ થી થવા જઈ રહી છે. ઉદઘાટન મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટક્કર થશે. હાલમાં માત્ર પ્રથમ તબક્કાનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે, બાકીનું શિડ્યુલ આગામી ચૂંટણીઓની તારીખોને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવશે.
