રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ સમજાવી ખેડૂતોને આપ્યું માર્ગદર્શન અને પ્રોત્સાહન
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમના વડોદ ગામના પ્રવાસ દરમિયાન સ્થાનિક ખેડૂત વજેસંગ ડાભીના પ્રાકૃતિક ફાર્મની વિશેષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ ખેતરમાં વાવેલા વિવિધ પાકોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને પ્રાકૃતિક પદ્ધતિથી લેવામાં આવતા ઉત્પાદન વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી. રાસાયણિક ખાતરો મુક્ત અને ગાય આધારિત ખેતી જોઈને રાજ્યપાલશ્રી અત્યંત પ્રભાવિત થયા હતા અને ખેડૂતની મહેનતને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા.
ખાટલા પર બેસીને ખેડૂતો સાથે સહજ સંવાદ અને માર્ગદર્શન
ખેતરના પ્રાકૃતિક વાતાવરણમાં રાજ્યપાલશ્રીએ અત્યંત સાદગીપૂર્ણ રીતે ખાટલા પર બેસીને આશરે ૧૫૦ જેટલા ખેડૂત ભાઈ-બહેનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આયામો વિશે સમજણ આપી હતી અને આ પદ્ધતિ કેવી રીતે અપનાવી શકાય તેનું જીવંત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રાજ્યપાલશ્રીએ ભાર પૂર્વક જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી માત્ર જમીન સુધારણા માટે જ નહીં, પરંતુ દેશના ઉજ્જવળ ભવિષ્ય અને નાગરિકોના સારા સ્વાસ્થ્ય માટે પણ અનિવાર્ય છે.
પ્રાકૃતિક ઉત્પાદનોના વેચાણ માટે સ્થાનિક સ્તરે બજાર વ્યવસ્થા ઊભી કરાશે
સંવાદ દરમિયાન રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પડતી મુશ્કેલીઓ વિશે પણ ચર્ચા કરી હતી. તેમણે આશ્વાસન આપ્યું હતું કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાનો માલ સરળતાથી અને વ્યાજબી ભાવે વેચી શકે તે માટે સ્થાનિક સ્તરે વિશેષ વેચાણ કેન્દ્રો ખોલવાની પ્રક્રિયા ગતિમાં છે. તેમણે પોતાના અંગત અનુભવો વહેંચતા કહ્યું હતું કે આ ખેતી ખર્ચ ઘટાડીને ખેડૂતોની આવક બમણી કરવામાં સક્ષમ છે. આ પદ્ધતિથી પકવેલો પાક ઝેરમુક્ત હોવાથી તેની બજારમાં માંગ પણ સતત વધી રહી છે.
સાફલ્ય ગાથાનું વર્ણન અને વહીવટી તંત્રની ગરિમામય ઉપસ્થિતિ
આ પ્રસંગે ઉપસ્થિત અન્ય ખેડૂતોએ પણ પોતે પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ મળેલા સફળ પરિણામો અને પોતાની સાફલ્ય ગાથાઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે સહિત ખેતીવાડી વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. રાજ્યપાલશ્રીની આત્મીય મુલાકાતથી ખેડૂતોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. ખેડૂતોએ આ મુલાકાતને હર્ષભેર વધાવી લીધી હતી અને વધુમાં વધુ લોકો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

