મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળા: હૂતી વિદ્રોહીઓની એન્ટ્રીથી વિશ્વના દરિયાઈ વેપાર પર તોળાતું સંકટ
ઇઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે માત્ર સરહદો પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ તે વૈશ્વિક આર્થિક સંકટ તરફ ઈશારો કરી રહ્યો છે. તાજેતરમાં યમનથી ઇઝરાયેલ પર છોડવામાં આવેલી મિસાઈલ બાદ આ યુદ્ધનું ફલક ઘણું મોટું થઈ ગયું છે. યમનના હૂતી લડાયકોએ આ જંગમાં ઝંપલાવતા હવે વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગો પૈકીના એક એવા ‘બાબ અલ-મંદેબ’ (Bab el-Mandeb) બંધ થવાની આશંકા સેવાઈ રહી છે. જો આવું થશે, તો વિશ્વભરમાં મોંઘવારી અને ચીજવસ્તુઓની અછતનું મોટું સંકટ ઊભું થઈ શકે છે.
યમનથી ઇઝરાયેલ પર પ્રથમવાર મિસાઈલ હુમલો
ઇઝરાયેલી સેનાના અહેવાલ મુજબ, યુદ્ધ શરૂ થયા પછી પ્રથમ વખત યમન તરફથી સીધો મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ અગાઉ જ ચેતવણી આપી હતી કે જો ગાઝા અને પેલેસ્ટાઈન પર હુમલા ચાલુ રહેશે, તો તેઓ ‘એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ’ ના ભાગ રૂપે કોઈપણ હદે જઈ શકે છે. અહેવાલો મુજબ, આ મિસાઈલ ઇઝરાયેલના પરમાણુ મથક ગણાતા ડિમોનાને નિશાન બનાવીને છોડવામાં આવી હતી. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે હૂતી લડાયકો હવે માત્ર લાલ સમુદ્રમાં જહાજો રોકવા પૂરતા સીમિત નથી, પરંતુ તેઓ દૂરના લક્ષ્યો પર ત્રાટકવાની ક્ષમતા પણ ધરાવે છે.
બાબ અલ-મંદેબ: વિશ્વના વેપારની જીવાદોરી
હૂતીઓના આ પગલાથી સૌથી મોટો ખતરો ‘બાબ અલ-મંદેબ’ સ્ટ્રેટ પર તોળાઈ રહ્યો છે. આ દરિયાઈ માર્ગ યમન અને આફ્રિકાના દેશો જીબુટી અને ઇરિટ્રિયાની વચ્ચે આવેલો છે. તે લાલ સમુદ્રને અરબ સાગર અને હિંદ મહાસાગર સાથે જોડે છે. સ્વેઝ નહેર (Suez Canal) સુધી પહોંચવા માટેનો આ એકમાત્ર રસ્તો છે.
દુનિયાનો લગભગ 10 થી 15 ટકા દરિયાઈ વેપાર આ માર્ગ દ્વારા થાય છે. જો હૂતી વિદ્રોહીઓ આ રસ્તો બંધ કરી દે અથવા ત્યાંથી પસાર થતા જહાજો પર હુમલા તેજ કરે, તો યુરોપ અને એશિયા વચ્ચેનો વેપાર ઠપ્પ થઈ શકે છે. અગાઉ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર પ્રતિબંધોની વાત કરી હતી, અને હવે જો બાબ અલ-મંદેબ પણ જોખમમાં મુકાશે, તો તેલ અને અન્ય જીવનજરૂરી ચીજોના ભાવ આસમાને પહોંચી શકે છે.
પ્રાદેશિક સંઘર્ષ હવે વૈશ્વિક આર્થિક યુદ્ધ તરફ
લેબનાન અને ઇરાકમાં સક્રિય ઈરાન સમર્થિત સંગઠનો પહેલેથી જ આ જંગમાં કૂદી પડ્યા છે. હવે હૂતીઓના જોડાવાથી આખો વિસ્તાર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ રહ્યો છે. હૂતીઓ પાસે એવા શસ્ત્રો અને ડ્રોન છે જે દરિયાઈ જહાજોને નિશાન બનાવી શકે છે, જેની સીધી અસર આંતરરાષ્ટ્રીય શિપિંગ લાઈન્સ પર પડશે. જો જહાજોએ આફ્રિકાનો લાંબો ફેરો ફરીને આવવું પડે, તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને સમય અનેકગણો વધી જશે.

