IPL 2026: ‘આ તો સાવ બકવાસ છે’, કેમરૂન ગ્રીનની બોલિંગ પર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રતિબંધથી અંબાતી રાયડુ લાલચોળ
આઈપીએલ 2026ની શરૂઆતની સાથે જ વિવાદોની પણ શરૂઆત થઈ ગઈ છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ હરાજીમાં જે ખેલાડી પર 25.20 કરોડ રૂપિયાનો જંગી દાવ લગાવ્યો હતો, તે કેમરૂન ગ્રીન અત્યારે માત્ર એક બેટ્સમેન તરીકે રમી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં ગ્રીને બોલિંગ ન કરતા ફેન્સ અને ક્રિકેટ વિશ્લેષકો ચોંકી ઉઠ્યા હતા. આ મામલે હવે ભારતના પૂર્વ બેટ્સમેન અંબાતી રાયડુએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) પર આકરા પ્રહારો કર્યા છે અને આ આખી ઘટનાને ‘બિલકુલ બકવાસ’ ગણાવી છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો દખલગીરીનો વિવાદ: શું છે અસલી મામલો?
કેમરૂન ગ્રીન તેની પીઠની સર્જરી બાદ મેદાન પર પરત ફર્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અત્યારે આગામી વ્યસ્ત ટેસ્ટ સીઝનને ધ્યાનમાં રાખીને તેના મુખ્ય ખેલાડીઓના વર્કલોડ પર કડક નજર રાખી રહ્યું છે. આ જ કારણ છે કે તેમણે KKR ને સૂચના આપી છે કે ગ્રીન ટૂર્નામેન્ટના શરૂઆતના 10-12 દિવસ સુધી બોલિંગ કરી શકશે નહીં. મુંબઈ સામેની હાર બાદ KKR ના કેપ્ટન અજિંક્ય રહાણેએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ વિશે ફ્રેન્ચાઈઝીને પૂછવાને બદલે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને સવાલ કરવો જોઈએ.
અંબાતી રાયડુનો રોષ: ‘પ્લેયરને પોતાની મરજી મુજબ રમવા દો’
અંબાતી રાયડુએ એક સ્પોર્ટ્સ ચેનલ પર વાત કરતા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની આ નીતિની આકરી ટીકા કરી હતી. રાયડુએ કહ્યું કે, “જ્યારે કોઈ ખેલાડી પ્રોફેશનલ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા આવે છે, ત્યારે બોર્ડ તેને શું કરવું અને શું ન કરવું તેના આદેશ ન આપી શકે. શું હવે બોર્ડ એવું પણ કહેશે કે તે કવર ડ્રાઈવ રમી શકે કે નહીં? કદાચ તેનાથી તેની કોણીમાં ઈજા થાય! આ બધું સાવ બેતુકું છે.”
રાયડુએ વધુમાં ઉમેર્યું કે, પ્રોફેશનલ માહોલમાં ખેલાડી પોતે જ પોતાનો શ્રેષ્ઠ જજ હોય છે. જો તે મેદાન પર રમવા માટે ફિટ છે, તો તેને તે બધું જ કરવાની આઝાદી હોવી જોઈએ જે તે કરી શકે છે. બોર્ડ દ્વારા ફ્રેન્ચાઈઝીને આવા નિર્દેશો આપવા એ રમતની ભાવના વિરુદ્ધ છે.
રાયડુએ આપ્યું પોતાની માતાનું ઉદાહરણ
પોતાની વાત પર ભાર મૂકતા રાયડુએ એક રમુજી પણ સચોટ ઉદાહરણ આપ્યું હતું. તેણે કહ્યું કે, “મારી માતા હંમેશા ઈચ્છતી હતી કે હું હેલ્મેટ પહેરીને રમું, પણ મને તે ક્યારેય પસંદ નહોતું. એનો અર્થ એ નથી કે મારી માતા કોન્ટ્રાક્ટ પર સહી કરીને મને બહાર મોકલે અને કહે કે મારો દીકરો નહીં રમે કારણ કે તેને ઈજા થઈ શકે છે.” રાયડુનો કહેવાનો તાત્પર્ય એ હતો કે ખેલાડીએ પોતે નક્કી કરવું જોઈએ કે તે કેટલું જોખમ લઈ શકે છે, અન્ય કોઈએ નહીં.
KKR માટે મુશ્કેલ સમય
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્પષ્ટતા કરી છે કે KKR ને આ પ્રતિબંધ વિશે પહેલેથી જ જાણ કરવામાં આવી હતી. જોકે, KKR માટે આ મોટો ફટકો છે કારણ કે તેઓ ગ્રીન પાસેથી આન્દ્રે રસેલ જેવી ઓલરાઉન્ડર ભૂમિકાની અપેક્ષા રાખતા હતા. હવે જોવાનું એ રહેશે કે 10-12 દિવસ પછી જ્યારે ગ્રીન બોલિંગ શરૂ કરશે, ત્યારે તે ટીમ માટે કેટલો પ્રભાવશાળી સાબિત થાય છે. હાલમાં તો મુંબઈ સામેની હાર બાદ KKR ની રણનીતિ પર સવાલો ઉઠી રહ્યા છે.

