IPL 2026: 25 કરોડના કેમરૂન ગ્રીન પાસે બોલિંગ કરાવવાની મનાઈ, અજિંક્ય રહાણેનો પિત્તો ગયો; ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તોડ્યું મૌન
આઈપીએલ 2026ની શરૂઆત સાથે જ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ છે. હરાજીમાં ₹25.20 કરોડની માતબર રકમ ખર્ચીને ખરીદેલા ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન અત્યારે માત્ર બેટ્સમેન તરીકે રમી રહ્યો છે. વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે મળેલી હાર બાદ KKR ના કેપ્ટન અજિંક્ય રહાણેએ પોતાની નારાજગી ખુલ્લેઆમ વ્યક્ત કરી છે. રહાણેએ ગ્રીન પાસે બોલિંગ ન કરાવવા પાછળનું કારણ જણાવતા સીધું જ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) તરફ આંગળી ચીંધી છે, જેનાથી ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જાગી છે.
અજિંક્ય રહાણેનો આક્રોશ: ‘ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને પૂછો’
મુંબઈ સામેની મેચમાં જ્યારે KKR ના બોલરો રન રોકવામાં નિષ્ફળ રહ્યા, ત્યારે ગ્રીન જેવા ઓલરાઉન્ડરની ખોટ વર્તાઈ હતી. મેચ પછી જ્યારે રહાણેને પૂછવામાં આવ્યું કે ગ્રીને બોલિંગ કેમ ન કરી, ત્યારે તેણે સહેજ પણ ખચકાયા વગર કહ્યું, “આ સવાલ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને પૂછો.” રહાણેના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ફ્રેન્ચાઈઝી અને ઓસ્ટ્રેલિયન બોર્ડ વચ્ચે કંઈક અંશે તણાવ છે. રહાણેએ ઉમેર્યું કે ગ્રીન બોલિંગ શરૂ કરશે ત્યારે ટીમનું કોમ્બિનેશન અલગ હશે, પરંતુ અત્યારે અમારે ગ્રીન વગર જ સંતુલન શોધવું પડશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની સ્પષ્ટતા: પીઠની ઈજા બની વિલન
આ વિવાદ વધતા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપી છે. CA ના પ્રવક્તાએ જણાવ્યું કે કેમરૂન ગ્રીન છેલ્લા કેટલાક સમયથી એટલે કે T20 વર્લ્ડ કપથી જ પીઠના નીચેના ભાગની ઈજા થી ઝઝૂમી રહ્યો છે. તેના વર્કલોડને મેનેજ કરવા માટે તેને આગામી 10-12 દિવસ સુધી બોલિંગથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. બોર્ડે એમ પણ કહ્યું કે KKR ને આ વિશે અગાઉથી જ જાણ કરી દેવામાં આવી હતી. ગ્રીન અત્યારે ભારતમા જ પોતાની બોલિંગની પ્રેક્ટિસ ધીમે-ધીમે શરૂ કરી રહ્યો છે, જેથી તે જલ્દી વાપસી કરી શકે.
ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ અને ઈજાઓનું લિસ્ટ
માત્ર કેમરૂન ગ્રીન જ નહીં, પણ અન્ય બે દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરો – મિશેલ સ્ટાર્ક (દિલ્હી કેપિટલ્સ) અને જોશ હેઝલવુડ (RCB) પણ અત્યારે પોતાની ઈજાઓમાંથી ઉતરી રહ્યા છે. તેમને પણ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બોલિંગ ન કરવા અથવા શરૂઆતની મેચો ન રમવાની સૂચના આપી છે. હેઝલવુડ તો હૈદરાબાદ સામેની મેચમાં પણ રમ્યો નહોતો. ઓસ્ટ્રેલિયન બોર્ડ માટે 2026-27 માં ભારત સામેની પાંચ ટેસ્ટ મેચોની મહત્વની શ્રેણી પ્રાથમિકતા છે, તેથી તેઓ પોતાના મુખ્ય ખેલાડીઓની સુરક્ષા માટે આ પગલાં ભરી રહ્યા છે.
KKR માટે ડબલ ફટકો
KKR માટે ચિંતાની વાત એ છે કે કેમરૂન ગ્રીન બેટિંગમાં પણ કમાલ કરી શક્યો નથી. મુંબઈ સામેની સપાટ પિચ પર તે માત્ર 18 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જો ગ્રીન બેટિંગમાં મોટી ઈનિંગ રમી હોત તો કદાચ તેની બોલિંગની ગેરહાજરી એટલી ન સાલી હોત. હવે KKR ના ફેન્સ આશા રાખી રહ્યા છે કે આ કરોડોનો ખેલાડી જલ્દી ફિટ થાય અને બોલ તેમજ બેટ બંનેથી પોતાનું કૌશલ્ય બતાવે, જેથી ટીમ ફરી વિજયના માર્ગે પરત ફરી શકે.

