માંગરોળ તાલુકામાં ખેતી વિભાગની તપાસમાં બિન-રજિસ્ટર્ડ જંતુનાશક દવાનો સંગ્રહ પકડાયો, માલિકો સામે ફરિયાદ નોંધાઈ
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામની સીમમાં ખેતીવાડી વિભાગની સંયુક્ત સ્કોડ ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ખેતી અધિકારી રાકેશકુમાર વસાવા, નાયબ ખેતી નિયામક ડો. એ.આર. ગજેરા અને ખેતી અધિકારી વી.આર. મેતાલીયાની ટીમે હાઇબોન્ડ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે આવેલા સેન્ડોઝ એગ્રી ઇન્ડિયાના પ્લોટ પર દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન લાયસન્સિંગ ઓથોરિટીની જાણ બહાર જંતુનાશક દવાઓનો સંગ્રહ અને ઉત્પાદન થતું હોવાનું બહાર આવ્યું હતું, જે ખેતીવાડીના નિયમોનો ગંભીર ભંગ સૂચવે છે.
સી.આઈ.બી. રજીસ્ટ્રેશન વગર દવાઓનું ઉત્પાદન અને સ્ટોક રજીસ્ટરમાં ગેરરીતિ
તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે જવાબદાર વ્યક્તિઓ દ્વારા નિર્ધારિત સ્થળ સિવાય અન્ય જગ્યાએ દવાઓનો સંગ્રહ કરવામાં આવતો હતો. આ ઉપરાંત, જંતુનાશક દવાઓના ખરીદ-વેચાણ અને આયાત અંગેના સ્ટોક રજીસ્ટરો અધૂરા રાખવામાં આવ્યા હતા અને વેચાણ બિલોમાં પણ પૂરતી વિગતો દર્શાવવામાં આવી નહોતી. સૌથી ગંભીર બાબત એ હતી કે સેન્ટ્રલ ઇન્સેક્ટીસાઇડ બોર્ડ (CIB) ના રજીસ્ટ્રેશન વગર જ જંતુનાશક દવાઓનું ઉત્પાદન અને સંગ્રહ કરીને કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું.
લાખોની કિંમતની બિનઅધિકૃત હર્બીસાઈડ દવાઓ અને ખાલી બોક્સ જપ્ત
દરોડા દરમિયાન રજીસ્ટ્રેશન વગરની ‘ડિલાઈટ’ બ્રાન્ડની ટોપરામીઝોન (સીલેક્ટીવ હર્બીસાઈડ) દવાના 650 નંગ બોક્સ મળી આવ્યા હતા. આ સાથે જ આવી ગેરકાયદેસર દવા ભરી શકાય તેવા 1850 નંગ ખાલી બોક્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે. જંતુનાશક દવાના નિયમો-1971 ના ભંગ બદલ વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ અનાધિકૃત દવાના નમૂના સીલ કરીને વધુ પૃથ્થકરણ માટે ફરીદાબાદ સ્થિત સેન્ટ્રલ ઇન્સેક્ટીસાઇડ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
પાલોદ પોલીસ સ્ટેશનમાં બે ભાગીદારો વિરૂદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ
આ સમગ્ર કૌભાંડ મામલે ખેતી અધિકારી રાકેશ વસાવાએ પાલોદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. સેન્ડોઝ એગ્રી ઇન્ડિયાના માલિક અને ભાગીદાર કિશોરભાઈ ઢોલરીયા તથા જીવણભાઈ ધામેલીયા વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખેતીવાડી વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતોના હિત સાથે ચેડાં કરનાર અને બિનઅધિકૃત જંતુનાશક દવાઓ વેચનાર તત્વો સામે આગામી સમયમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે, જેથી ખેડૂતોને ગુણવત્તાયુક્ત કૃષિ સામગ્રી મળી રહે.

