UPI નો દબદબો યથાવત: એક વર્ષમાં 300 લાખ કરોડથી વધુના વ્યવહાર; ડિજિટલ ઇન્ડિયાની તાકાતનો નવો રેકોર્ડ
યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે UPI એ નાણાકીય વર્ષ 2026 (FY26) માં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. સમગ્ર વર્ષ દરમિયાન UPI દ્વારા કરવામાં આવેલા કુલ વ્યવહારોનો આંકડો 308 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે, જે તેની સતત વધતી જતી લોકપ્રિયતા અને વિશ્વસનીયતાનો પુરાવો છે. માત્ર માર્ચ 2026 ના મહિનામાં જ ટ્રાન્ઝેક્શન વેલ્યુ 30 લાખ કરોડ રૂપિયાની નજીક પહોંચી ગઈ હતી. આનો સીધો અર્થ એ છે કે ભારતમાં દરરોજ સરેરાશ 1 લાખ કરોડ રૂપિયાની લેવડ-દેવડ માત્ર UPI દ્વારા થઈ રહી છે.
માર્ચ મહિનામાં સર્જાયો નવો ઇતિહાસ
માર્ચ 2026 માં UPI એ 29.53 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો નોંધાવ્યા છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો માસિક આંકડો છે. આ સમયગાળા દરમિયાન કુલ 22.6 અબજ ટ્રાન્ઝેક્શન થયા, જે એક નવો રેકોર્ડ છે. જો આખા નાણાકીય વર્ષ 2026 ની વાત કરીએ તો, કુલ વ્યવહારોની સંખ્યા 241.6 અબજ સુધી પહોંચી ગઈ છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) ના ડેટા મુજબ, આખા વર્ષ દરમિયાન દરરોજ સરેરાશ 84,500 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે, જે દર્શાવે છે કે રોકડ વ્યવહારના સ્થાને હવે ડિજિટલ પેમેન્ટ લોકોની જીવનશૈલીનો ભાગ બની ગયું છે.
વૃદ્ધિ દરમાં સ્થિરતા પણ વિસ્તાર સતત
UPI ની સફર હજુ પણ તેજ ગતિએ ચાલુ છે, જોકે તેની વૃદ્ધિની રફ્તારમાં થોડી સ્થિરતા જોવા મળી છે. નાણાકીય વર્ષ 2026 માં ટ્રાન્ઝેક્શન વેલ્યુમાં 18.5 ટકાનો વધારો થયો છે, જે અગાઉના વર્ષના 30 ટકા અને તેનાથી આગળના વર્ષના 40 ટકાની સરખામણીએ ઓછો છે. નિષ્ણાતોના મતે, જેમ જેમ UPI નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચી રહ્યું છે, તેમ તેમ તેનો ગ્રોથ રેટ હવે સામાન્ય (સ્ટેબલ) થઈ રહ્યો છે. આમ છતાં, વ્યવહારોની કુલ સંખ્યા અને મૂલ્યમાં સતત વધારો થઈ રહ્યો છે.
નાના વેપારીઓ બન્યા આ ક્રાંતિનો આધાર
UPI ના આટલા મોટા સ્તરના વિસ્તારમાં નાના વેપારીઓ અને દુકાનદારોએ પાયાની ભૂમિકા ભજવી છે. કુલ વ્યવહારોમાં અંદાજે 62 ટકા હિસ્સો ‘મર્ચન્ટ પેમેન્ટ’ (વેપારીઓને કરવામાં આવતી ચુકવણી) નો છે. જોકે, મોટા મૂલ્યના વ્યવહારોમાં હજુ પણ ‘પર્સન ટુ પર્સન’ (P2P) ટ્રાન્ઝેક્શન મોખરે છે. મર્ચન્ટ પેમેન્ટમાં મોટો હિસ્સો 500 રૂપિયાથી ઓછી રકમના વ્યવહારોનો છે, જે દર્શાવે છે કે ચાની લારીથી લઈને કરિયાણાની દુકાન સુધી દરેક જગ્યાએ હવે ડિજિટલ ક્રાંતિ પહોંચી છે.
નાના શહેરો અને ગામડાઓમાં જે રીતે લોકોએ UPI ને અપનાવ્યું છે, તે જોતા કહી શકાય કે ભારત વિશ્વમાં ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે લીડર બની રહ્યું છે. આગામી સમયમાં જ્યારે આ સિસ્ટમ વધુ દેશોમાં સ્વીકારાશે, ત્યારે આ આંકડાઓ હજુ વધુ ઊંચાઈએ પહોંચશે તેવી પૂરી શક્યતા છે.

