મારુતિ Fronx ને ટક્કર આપવા આવી રહી છે હ્યુન્ડાઈની નવી ક્રોસઓવર; સાથે જ 7-સીટર કારની પણ તૈયારી
ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં હ્યુન્ડાઈ (Hyundai) પોતાની પકડ વધુ મજબૂત કરવા માટે કમર કસી રહી છે. કંપની તેના પોર્ટફોલિયોનો આક્રમક રીતે વિસ્તાર કરવાની યોજના ધરાવે છે. હ્યુન્ડાઈ હવે માત્ર SUV સુધી મર્યાદિત રહેવા માંગતી નથી, પરંતુ તે નવી ઓફ-રોડ SUV, 7-સીટર MPV અને સબ-4 મીટર ક્રોસઓવર સેગમેન્ટમાં પણ ઝંપલાવવા જઈ રહી છે. ખાસ કરીને મારુતિ ફ્રોન્ક્સની લોકપ્રિયતાને જોતા હ્યુન્ડાઈની આગામી ક્રોસઓવર કાર પર સૌની નજર ટકેલી છે.
સેફ્ટીમાં અવ્વલ અને નવા મોડલ્સની તૈયારી
તાજેતરમાં હ્યુન્ડાઈની લોકપ્રિય કોમ્પેક્ટ SUV ‘વેન્યુ’ (Venue) ને ભારત NCAP માં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે, જે દર્શાવે છે કે કંપની ગ્રાહકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી રહી છે. હવે કંપની એક ડગલું આગળ વધીને નવી ઓફ-રોડ એસયુવી અને 7-સીટર એમપીવી રજૂ કરવાની પુષ્ટિ કરી ચૂકી છે. આ સિવાય, આવતા વર્ષ સુધીમાં નેક્સ્ટ-જનરેશન ક્રેટા અને લક્ઝરી 7-સીટર હાઇબ્રિડ એસયુવી ‘Palisade’ પણ ભારતીય રસ્તાઓ પર જોવા મળી શકે છે.
ટાટા નેક્સન EV ને ટક્કર આપશે નવી ઇલેક્ટ્રિક કાર
રિપોર્ટ્સ અનુસાર, હ્યુન્ડાઈ એક નવી કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક એસયુવી પર પણ કામ કરી રહી છે, જેનું હાલમાં ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ મોડલ સીધી રીતે ટાટા નેક્સન EV ને ટક્કર આપશે તેવું મનાય છે. જોકે ઓફ-રોડ એસયુવી વિશે વધુ સત્તાવાર વિગતો બહાર આવી નથી, પરંતુ ઓટો એક્સપર્ટ્સનું માનવું છે કે કંપની ‘Stargazer’ એમપીવી અને એક મજબૂત ઓફ-રોડ એસયુવી ટૂંક સમયમાં લોન્ચ કરી શકે છે.
નવી Bayon ક્રોસઓવર અને પાવરફુલ એન્જિન
હ્યુન્ડાઈની ‘Bayon’ ક્રોસઓવર હાલમાં ટેસ્ટિંગ ફેઝમાં છે, જે સબ-4 મીટર સેગમેન્ટમાં ઉતારવામાં આવશે. આ કારમાં આધુનિક ઇન્ટિરિયર, મોટી ટચસ્ક્રીન અને ટર્બો પેટ્રોલ એન્જિન જેવા વિકલ્પો મળવાની સંભાવના છે. બીજી તરફ, કંપનીની આગામી ઓફ-રોડ એસયુવીનો ડિઝાઇન બોક્સી અને મજબૂત હશે, જેમાં ઓલ-વ્હીલ ડ્રાઇવ (AWD) સિસ્ટમ અને શક્તિશાળી પ્લેટફોર્મ મળી શકે છે.

