‘તને મળવા તો હું ગમે ત્યાં આવી શકું છું’: રોહિત શર્માની વાત સાંભળી આયુષ મ્હાત્રે દંગ રહી ગયો, હિતેન્દ્રની સલાહ ખરેખર કામ લાગી
ક્રિકેટ ભલે મેદાન પર આંકડાઓની રમત ગણાતી હોય, પરંતુ કેટલીક ક્ષણો એવી હોય છે જે આ આંકડાઓથી ઘણી ઉપર હોય છે. પોતાના આદર્શ ખેલાડીને મળવું એ કોઈપણ યુવા ખેલાડી માટે સપનું સાચું થવા જેવું હોય છે. મહારાષ્ટ્રના ઉભરતા બેટ્સમેન આયુષ મ્હાત્રે માટે પણ કંઈક આવું જ થયું. મુંબઈના સ્ટાર ક્રિકેટર રોહિત શર્માને જોઈને મોટા થયેલા આયુષે તાજેતરમાં જ રોહિત સાથેની તેની ખાસ મુલાકાત વિશેના સંભારણા તાજા કર્યા હતા.
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની યુટ્યુબ ચેનલ પર આપેલા એક ઇન્ટરવ્યુમાં, અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય આયુષ મ્હાત્રેએ જણાવ્યું કે કેવી રીતે ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા રોહિત શર્માએ તેને માર્ગદર્શન આપ્યું અને ભેટમાં એક બેટ પણ આપ્યું. આયુષે વર્ષ 2025માં મુંબઈ ઈન્ડિયન્સ સામે જ પોતાનું IPL ડેબ્યૂ કર્યું હતું, જ્યાં તેણે માત્ર 15 બોલમાં 32 રન ફટકારીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
એક સાદા મેસેજથી થઈ શરૂઆત
આયુષ જણાવે છે કે ઇંગ્લેન્ડ પ્રવાસ પર જતા પહેલા તે રોહિત શર્મા પાસેથી થોડું માર્ગદર્શન મેળવવા માંગતો હતો. તેણે રોહિતને એક મેસેજ કર્યો, પરંતુ સામેથી જે પ્રતિસાદ મળ્યો તેની તેણે કલ્પના પણ કરી નહોતી. આયુષે કહ્યું, “મેં તેને મેસેજ કર્યો કે મારે તમને મળવું છે. થોડી જ વારમાં રોહિત ભાઈનો સામેથી ફોન આવ્યો. તેમણે મને પૂછ્યું કે તું ક્યાં રહે છે? જ્યારે મેં કહ્યું કે હું વિરાર રહું છું, ત્યારે તેમણે નવાઈ સાથે પૂછ્યું કે શું તું મને મળવા માટે વિરારથી આટલે દૂર આવીશ?”
આયુષે રોહિતને ખૂબ જ ભાવુક જવાબ આપતા કહ્યું, “મેં તેમને કહ્યું કે હું તમને મળવા માટે ગમે ત્યાં આવી શકું છું, મારે બસ તમને રૂબરૂ મળવું છે.” રોહિતે વિડિયો કોલનો વિકલ્પ પણ આપ્યો હતો, પરંતુ આયુષ પોતાના આદર્શને રૂબરૂ મળીને તેમની પાસેથી શીખવા માંગતો હતો.
બે કલાકની એ યાદગાર મુલાકાત
બીજા જ દિવસે આયુષ રોહિત શર્માના ઘરે પહોંચ્યો. એક યુવા ખેલાડી માટે તેના આદર્શના ઘરે જવું અને તેમની સાથે સમય વિતાવવો એ કોઈ જાદુથી ઓછું નહોતું. આયુષે યાદ કરતા કહ્યું, “અમે લગભગ બે કલાક સુધી વાતો કરી. મને વિશ્વાસ નહોતો આવતો કે રોહિત ભાઈએ મને આટલો સમય આપ્યો. તે મારા માટે કોઈ સપના જેવો દિવસ હતો. બે કલાક ક્યાં વીતી ગયા તેની ખબર જ ન પડી.”
રોહિત શર્માની આ સલાહ અને વિશ્વાસ આયુષ માટે બૂસ્ટર ડોઝ સમાન સાબિત થયા. આ મુલાકાત બાદ આયુષે ઇંગ્લેન્ડના પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે યુથ ODI સિરીઝમાં ભારતને 3-2થી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એટલું જ નહીં, યુથ ટેસ્ટ સિરીઝની 4 ઇનિંગ્સમાં તેણે 340 રન બનાવીને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો

