પાકિસ્તાન દેવાળિયું થવાને આરે? તિજોરી ખાલી છે અને UAE એ માંગી લીધા 2 અબજ ડોલર.
કહેવાય છે કે જ્યારે મુસીબત આવે છે ત્યારે ચારે બાજુથી આવે છે. પાકિસ્તાન અત્યારે બરાબર આ જ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. પહેલેથી જ આર્થિક પાયમાલી અને મોંઘવારીના ખપ્પરમાં હોમાયેલા પાકિસ્તાન માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ પાકિસ્તાનને આપેલી 2 અબજ ડોલર (આશરે 16,500 કરોડ રૂપિયા) ની લોન તાત્કાલિક પરત માંગી લીધી છે. મધ્ય પૂર્વમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવ વચ્ચે UAE નો આ નિર્ણય પાકિસ્તાની અર્થતંત્રની કમર તોડી નાખનારો સાબિત થઈ શકે છે.
સેફ ડિપોઝિટનો આશરો હવે છીનવાયો
પાકિસ્તાનની સેન્ટ્રલ બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP) માં UAE એ આ રકમ ‘સેફ ડિપોઝિટ’ તરીકે રાખી હતી. આ રકમ રાખવાનો મુખ્ય હેતુ પાકિસ્તાનના ઘટતા જતા વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserves) ને ટેકો આપવાનો હતો. અત્યાર સુધી પાકિસ્તાન માટે રાહતની વાત એ હતી કે UAE દર વર્ષે આ લોનની મુદત વધારી દેતું હતું, જેના કારણે પાકિસ્તાને તરત જ રકમ ચૂકવવી પડતી નહોતી. પરંતુ આ વખતે સ્થિતિ બદલાઈ છે. ખાડી દેશોમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ અને બદલાતા ભૌગોલિક-રાજકીય સમીકરણોને કારણે UAE એ આ મહિનાના અંત સુધીમાં પોતાના પૈસા પાછા માંગી લીધા છે.
વ્યાજનો ભારે બોજ અને પાકિસ્તાનની મજબૂરી
આશ્ચર્યની વાત એ છે કે પાકિસ્તાન આ રકમ મફતમાં વાપરી રહ્યું નહોતું. પાકિસ્તાન આ જમા રાશિ પર લગભગ 6 ટકા જેટલું માતબર વ્યાજ ચૂકવી રહ્યું હતું. આ લોનની મૂળ મુદત ડિસેમ્બર 2025 માં પૂરી થઈ ગઈ હતી. ત્યારબાદ તેને પહેલા એક મહિનો અને પછી બે મહિના વધારીને 17 એપ્રિલ સુધી લંબાવવામાં આવી હતી. હવે જ્યારે 17 એપ્રિલ નજીક છે, ત્યારે UAE એ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ હવે વધુ મુદત વધારવા માંગતા નથી.
પાકિસ્તાન માટે આ આંચકો એટલે પણ મોટો છે કારણ કે ચાલુ નાણાકીય વર્ષમાં તેને કુલ 12 અબજ ડોલરના વિદેશી દેવાનું ‘રોલ-ઓવર’ (મુદત વધારવી) કરાવવાની જરૂર હતી. જેમાં સાઉદી અરેબિયાના 5 અબજ અને ચીનના 4 અબજ ડોલરનો પણ સમાવેશ થાય છે. જો UAE પૈસા પાછા ખેંચે છે, તો બીજા દેશો પણ આવું જ વલણ અપનાવી શકે છે તેવી ફાળ પાકિસ્તાનને પડી છે.
શું પાકિસ્તાન કંગાળ થઈ જશે?
વર્તમાન આંકડાઓ જોઈએ તો પાકિસ્તાન પાસે હાલમાં લગભગ 21 અબજ ડોલરનો વિદેશી મુદ્રા ભંડાર છે. ટેકનિકલી જોતા પાકિસ્તાન પાસે 2 અબજ ડોલર ચૂકવવાની ક્ષમતા તો છે, પરંતુ જો આટલી મોટી રકમ એકસાથે તિજોરીમાંથી બહાર જશે, તો પાકિસ્તાનનું અર્થતંત્ર ફરી એકવાર વેન્ટિલેટર પર આવી જશે. જો ભંડાર ખાલી થશે તો પાકિસ્તાન માટે તેની આયાત (ક્રૂડ ઓઈલ, દવાઓ વગેરે) માટે ચૂકવણી કરવી મુશ્કેલ બનશે. આવી સ્થિતિમાં પાકિસ્તાને ફરી એકવાર IMF (આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ) સામે હાથ ફેલાવવા પડશે અથવા નવા આકરા પ્રતિબંધો અને શરતો સ્વીકારવી પડશે.
ચીન અને સાઉદી અરેબિયા પર વધતું દબાણ
નિષ્ણાતોનું માનવું છે કે UAE ના આ પગલાથી ‘ડોમિનો ઇફેક્ટ’ સર્જાઈ શકે છે. પાકિસ્તાનના અન્ય મોટા લેણદારો જેવા કે સાઉદી અરેબિયા અને ચીન પણ જો પોતાની રકમ પાછી માંગવાનું શરૂ કરે, તો પાકિસ્તાન પાસે નાદારી (Bankruptcy) જાહેર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચશે નહીં. ચીન અત્યાર સુધી પાકિસ્તાનને સતત ટેકો આપતું આવ્યું છે, પરંતુ વૈશ્વિક આર્થિક મંદી અને પાકિસ્તાનની અસ્થિર રાજકીય સ્થિતિને જોતા ચીન પણ હવે લાંબો સમય જોખમ લેવા તૈયાર નથી.
સામાન્ય જનતા પર શું અસર થશે?
પાકિસ્તાની જનતા પહેલેથી જ લોટ, દાળ અને વીજળીના ભાવમાં થયેલા અસહ્ય વધારાથી પરેશાન છે. જો સરકાર 2 અબજ ડોલરની લોન પરત કરશે, તો દેશમાં ડોલરની અછત સર્જાશે અને પાકિસ્તાની રૂપિયો વધુ ગગડશે. રૂપિયો નબળો પડવાનો સીધો અર્થ એ છે કે મોંઘવારી આસમાને પહોંચશે. મધ્યમ અને ગરીબ વર્ગ માટે જીવવું દુષ્કર બની જશે.
શહેબાઝ શરીફ સરકાર માટે કસોટીની ઘડી
પાકિસ્તાનની વર્તમાન શહેબાઝ શરીફ સરકાર અત્યારે કાતરની બે ધાર વચ્ચે ફસાઈ છે. એક તરફ જનતાનો આક્રોશ છે અને બીજી તરફ આંતરરાષ્ટ્રીય દેવું ચૂકવવાનું દબાણ. સરકાર અત્યારે UAE ના સત્તાવાળાઓ સાથે મનામણાં કરી રહી હોવાના અહેવાલો છે, જેથી આ મુદત થોડી વધુ લંબાવી શકાય. જો કે, જે રીતે ખાડી દેશો પોતાની અર્થવ્યવસ્થાને સુરક્ષિત કરવા માંગે છે તે જોતા પાકિસ્તાનને કોઈ મોટી રાહત મળે તેવી શક્યતા ઓછી જણાય છે.

