શાંતિ મધ્યસ્થીમાં પાકિસ્તાન નિષ્ફળ, હવે જિનપિંગ મેદાનમાં: ચીને રજૂ કર્યા સમાધાનના ‘૪ ફોર્મ્યુલા’
મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિમાં હવે વિશ્વની બીજી મોટી મહાસત્તા ચીને સીધી એન્ટ્રી કરી છે. અત્યાર સુધી પાકિસ્તાન અને તુર્કી જેવા દેશો આ મામલે મધ્યસ્થી કરી સીઝફાયર કરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેઓ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયા છે. આ નિષ્ફળતા બાદ હવે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પ્રથમ વખત આ વિવાદ પર મૌન તોડ્યું છે અને શાંતિ સ્થાપવા માટે ૪ મુદ્દાઓનો એક ખાસ ફોર્મ્યુલા દુનિયા સામે રાખ્યો છે.
જિનપિંગનું નિવેદન અને યુએઈ સાથેની મુલાકાત
સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે યુએઈ (UAE) ના ક્રાઉન પ્રિન્સ સાથેની મુલાકાત દરમિયાન આ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. જિનપિંગે સ્પષ્ટ કર્યું છે કે મધ્ય પૂર્વમાં કાયમી શાંતિ સ્થાપવા માટે ચીન રચનાત્મક ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે માત્ર વાતચીત અને સંવાદ દ્વારા જ આ ગંભીર સંકટનો ઉકેલ લાવી શકાય છે.
શી જિનપિંગના સમાધાનના ૪ મુખ્ય ફોર્મ્યુલા
જિનપિંગે માને છે કે જો નીચેના ચાર મુદ્દાઓ પર અમલ કરવામાં આવે, તો જ ખાડી દેશોમાં શાંતિ પાછી ફરી શકે છે:
૧. ‘જંગલરાજ’ નો અંત અને સંયમ:
પોતાના સંબોધનમાં જિનપિંગે ચેતવણી આપી હતી કે દુનિયા ફરીથી ‘જંગલરાજ’ તરફ પાછી ન વળવી જોઈએ, જ્યાં માત્ર તાકાતવરનું જ શાસન ચાલતું હોય. તેમણે શક્તિશાળી દેશોને અપીલ કરી છે કે તેઓ સંયમ જાળવે અને કોઈપણ પ્રકારના હુમલાઓ તાત્કાલિક ધોરણે રોકી દે.
૨. ઈરાન સરકારની માન્યતા અને સ્વીકાર:
જિનપિંગનો સૌથી મહત્વનો મુદ્દો ઈરાનની સાર્વભૌમત્વને લઈને હતો. તેમણે કહ્યું કે જ્યાં સુધી દુનિયા અને ખાસ કરીને અમેરિકા ઈરાનની સરકાર અને તેના શાસનને સ્વીકારશે નહીં, ત્યાં સુધી કોઈ ઉકેલ શક્ય નથી. ઈરાનના અસ્તિત્વ અને તેની શાસન પદ્ધતિને માન્યતા આપવી એ વાતચીતની પહેલી શરત હોવી જોઈએ.
૩. એકબીજા પર હુમલા કે કાવતરાની રોક:
શાંતિ ફોર્મ્યુલા હેઠળ ચીને માંગ કરી છે કે ખાડીના તમામ દેશોએ શપથ લેવા જોઈએ કે તેઓ એકબીજાની ધરતી પર હુમલો નહીં કરે અને કોઈ પણ દેશ વિરુદ્ધ થતા સૈન્ય કાવતરામાં ભાગીદાર નહીં બને. આવી નકારાત્મક પ્રવૃત્તિઓ બંધ થવાથી જ વિશ્વાસનું વાતાવરણ ઉભું થશે.
૪. દબાણ નહીં, પણ સંવાદ:
જિનપિંગે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈપણ દેશ પર લશ્કરી કે આર્થિક દબાણ લાવીને કાયમી શાંતિ સ્થાપી શકાતી નથી. તેના બદલે રાજદ્વારી સ્તરે સંવાદ વધારવાની જરૂર છે. સમસ્યાઓ જટિલ હોઈ શકે છે, પણ તેનો ઉકેલ ગોળીબારને બદલે ટેબલ પર બેસીને લાવવો જોઈએ.
ચીનની પહેલ અત્યારે શા માટે મહત્વની છે?
ઈરાન અને અમેરિકા વચ્ચેના જંગમાં ચીનનું આ નિવેદન અત્યંત સૂચક છે. આના મુખ્ય કારણો નીચે મુજબ છે:
ઈરાન સાથે ગાઢ સંબંધો: ચીન ઈરાનનો સૌથી મોટો વ્યાપારી ભાગીદાર છે. અમેરિકાના અનેક પ્રતિબંધો છતાં ચીન ઈરાન પાસેથી મોટા પાયે તેલ ખરીદે છે, જે ઈરાનની અર્થવ્યવસ્થા માટે જીવનરેખા સમાન છે.
ડોનાલ્ડ ટ્રમ્પની ચીન મુલાકાત: મે મહિનાના મધ્યમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની મુલાકાતે જવાના છે. તે પહેલા જિનપિંગે આ નિવેદન આપીને ઈરાન મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.
પાકિસ્તાનની નિષ્ફળતા: અગાઉ ચીનના ઈશારે ઈરાન વાતચીત માટે તૈયાર થયું હતું અને ઈસ્લામાબાદમાં બેઠક પણ યોજાઈ હતી. પરંતુ પાકિસ્તાન આ ગઠબંધનને સીઝફાયર સુધી લઈ જવામાં નિષ્ફળ રહ્યું, જેના કારણે હવે ચીને પોતે સુકાન સંભાળ્યું છે.

