ઈરાનની આર્થિક કમર તોડવા ટ્રમ્પનો માસ્ટરપ્લાન; શું જિનપિંગ સાથે મળીને બદલશે મધ્ય પૂર્વનો ઇતિહાસ?
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના આક્રમક અંદાજમાં ઈરાનને ગંભીર ચેતવણી આપી છે. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ ઈરાન સાથેના વર્તમાન યુદ્ધવિરામ (Ceasefire) ને આગળ વધારવાના મૂડમાં નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો રાજદ્વારી વાટાઘાટો નિષ્ફળ જશે, તો સૈન્ય કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવી શકે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સમગ્ર વિશ્વની નજર મધ્ય પૂર્વની અસ્થિરતા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ટકેલી છે.
ન્યૂઝનેશનના સંવાદદાતા કેલી મેયર સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પનું વલણ ઘણું કડક જોવા મળ્યું હતું. તેમણે કહ્યું કે જો સ્થિતિ બગડશે તો તેમને કદાચ “ફરીથી બોમ્બ ફેંકવાનું શરૂ કરવું પડી શકે છે.” જોકે, પોતાના સ્વભાવ મુજબ, તેમણે આ સૈન્ય ધમકીની સાથે સાથે સંભવિત સમજૂતી અંગે સાવચેતીભરી આશા પણ વ્યક્ત કરી હતી.
“ઈરાન પાસે ક્યારેય પરમાણુ હથિયાર નહીં હોય”
ટ્રમ્પે પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું, “હું માત્ર એ જ કહી રહ્યો છું જે સત્ય છે, ઈરાન પાસે ક્યારેય પરમાણુ હથિયાર નહીં હોય.” તેમણે વધુમાં ઉમેર્યું કે યુદ્ધવિરામની વ્યવસ્થા અંગે તેમને લાગે છે કે “તે થઈને રહેશે,” પરંતુ તે માટે ઈરાને અમેરિકાની શરતો માનવી પડશે.
ટ્રમ્પનું આ નિવેદન તેમની જૂની વિદેશ નીતિની યાદ અપાવે છે, જ્યાં તેઓ ‘મેક્સિમમ પ્રેશર’ (મહત્તમ દબાણ) ની વ્યૂહરચનાનો ઉપયોગ કરતા આવ્યા છે. તેમનું માનવું છે કે જ્યાં સુધી ઈરાન પર સૈન્ય અને આર્થિક દબાણ નહીં બનાવાય, ત્યાં સુધી તે કોઈ સાર્થક સમજૂતી માટે તૈયાર નહીં થાય.
એરફોર્સ વન પરથી ‘સારા સમાચાર’નું રહસ્ય
રસપ્રદ વાત એ છે કે એક તરફ બોમ્બમારાની ધમકી આપનાર ટ્રમ્પ બીજી તરફ રાજદ્વારી જીતનો દાવો પણ કરી રહ્યા છે. એરફોર્સ વન વિમાન પર પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કોઈ ચોક્કસ માહિતી આપ્યા વિના એક રહસ્યમય સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું, “20 મિનિટ પહેલા અમારી પાસે કેટલાક સારા સમાચાર આવ્યા છે. ઈરાન સાથે મધ્ય પૂર્વમાં બાબતો ઘણી સારી ચાલી રહી છે.”
જ્યારે પત્રકારોએ તેમને આ ‘સારા સમાચાર’ વિશે વિગતવાર પૂછ્યું, ત્યારે તેમણે રહસ્ય જાળવી રાખતા કહ્યું, “તમને તેના વિશે ટૂંક સમયમાં સાંભળવા મળશે. મને લાગે છે કે આ કંઈક એવું છે જે થવું જ જોઈએ અને મને લાગે છે કે તેમ થશે.”
ઈરાન અને અમેરિકા વચ્ચે દાવાઓનો ટકરાવ
ટ્રમ્પે આ પહેલા દાવો કર્યો હતો કે ઈરાન “દરેક વાત પર સહમત થઈ ગયું છે.” તેમણે એવો સંકેત પણ આપ્યો હતો કે ઈરાન પોતાના સંવર્ધિત યુરેનિયમને હટાવવામાં સહયોગ કરવા પણ તૈયાર છે. જોકે, ઈરાન તરફથી સ્થિતિ તેનાથી બિલકુલ વિપરીત દેખાય છે. ઈરાની અધિકારીઓએ જાહેરમાં ટ્રમ્પના આ દાવાઓને ફગાવી દીધા છે અને તેને અમેરિકી પ્રોપેગેન્ડા ગણાવ્યો છે.
નૌકાબંધી અને હોર્મુઝની સામુદ્રધુનીનું સમીકરણ
તણાવ વચ્ચે અમેરિકાએ ઈરાની બંદરો પર પોતાની નૌકાબંધી (Naval Blockade) જાળવી રાખી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે આ નાકાબંધી ત્યાં સુધી ચાલુ રહેશે “જ્યાં સુધી અમે અમારું લક્ષ્ય પ્રાપ્ત ન કરી લઈએ.” બીજી તરફ, ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે જિનપિંગ હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ફરીથી ખુલવાના સમાચારથી “ખૂબ ખુશ” છે.

