ઈરાનમાં સત્તા પલટાવવા માંગતા હતા નેતન્યાહુ! જાણો વ્હાઇટ હાઉસની એ ગુપ્ત મિટિંગોનું સત્ય જે અત્યાર સુધી દુનિયાથી છુપાયેલું હતું.
અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી જ્હોન કેરીએ એક એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે જેણે હાલમાં મધ્ય પૂર્વ (Middle East) માં ચાલી રહેલા સંઘર્ષ અને ઈરાન-ઈઝરાયેલ વચ્ચેના તણાવમાં નવો ફણગો ફોડ્યો છે. કેરીના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરવા માટે એક પછી એક અનેક અમેરિકન રાષ્ટ્રપતિઓને વિનંતી કરી હતી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ સિવાય કોઈએ આ પ્રસ્તાવને મંજૂરી આપી નહોતી.
ત્રણ રાષ્ટ્રપતિઓએ નેતન્યાહુને ‘ના’ પાડી હતી
એક ટેલિવિઝન ઇન્ટરવ્યુ દરમિયાન જ્હોન કેરીએ દાવો કર્યો હતો કે નેતન્યાહુએ ઈરાન પર હુમલો કરવાની સમાન યોજનાઓ અગાઉના વહીવટીતંત્રો સમક્ષ રજૂ કરી હતી, પરંતુ ત્રણ અલગ-અલગ રાષ્ટ્રપતિઓ પાસેથી તેમને મંજૂરી મળી શકી નહોતી. કેરીએ વ્હાઇટ હાઉસમાં થયેલી ગુપ્ત વાતચીતોનો હવાલો આપતા કહ્યું, “ઓબામાએ ના પાડી હતી, બુશે પણ ના પાડી હતી અને રાષ્ટ્રપતિ બાઈડને પણ ના પાડી હતી. હું પોતે તે ચર્ચાઓનો ભાગ રહ્યો છું.”
કેરીના મતે, અગાઉના રાષ્ટ્રપતિઓએ હુમલાને ટેકો આપવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તેઓ માનતા હતા કે હજુ સુધી મુત્સદ્દીગીરીના તમામ રસ્તાઓ (Diplomatic channels) બંધ થયા નથી. તેઓ ઈચ્છતા હતા કે જ્યાં સુધી શાંતિપૂર્ણ રીતે વિવાદ ઉકેલવાના તમામ વિકલ્પો અજમાવી ન લેવાય ત્યાં સુધી સૈન્ય કાર્યવાહીનો વિચાર પણ ન કરવો જોઈએ.
યુદ્ધના કડવા અનુભવો અને જ્હોન કેરીની ચેતવણી
જ્હોન કેરીએ પોતાના અંગત અનુભવોને ટાંકીને ચેતવણી પણ આપી હતી. વિયેતનામ યુદ્ધના અનુભવી સૈનિક તરીકે તેમણે કહ્યું કે ભૂતકાળમાં અમેરિકાએ યુદ્ધના કારણો વિશે જૂઠું બોલીને અનેક સૈનિકોના જીવ ગુમાવ્યા છે. તેમણે કહ્યું, “વિયેતનામ અને ઈરાક યુદ્ધનો બોધપાઠ એ છે કે અમેરિકન જનતા સાથે ક્યારેય જૂઠું ન બોલવું જોઈએ અને પછી તેમના સંતાનોને યુદ્ધમાં લડવા ન મોકલવા જોઈએ.”
તેમણે નેતન્યાહુના એવા અનુમાનો પર પણ સવાલ ઉઠાવ્યા હતા કે ઈરાન પર હુમલો કરવાથી ત્યાં સત્તા પરિવર્તન (Regime change) થશે અને લોકો વિદ્રોહ કરશે. કેરીના જણાવ્યા અનુસાર, ભૂતકાળમાં પણ આવા અનુમાનો ખોટા સાબિત થયા છે.
માત્ર ટ્રમ્પે જ નેતન્યાહુના પ્રસ્તાવને ટેકો આપ્યો?
રિપોર્ટ્સ મુજબ, નેતન્યાહુએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની બેઠકોમાં દલીલ કરી હતી કે ઈરાન હાલમાં સત્તા પરિવર્તન માટે સંવેદનશીલ છે અને જો અમેરિકા અને ઇઝરાયેલ સંયુક્ત સૈન્ય ઓપરેશન કરે તો તેહરાનનું નેતૃત્વ નબળું પડી શકે છે. કેરીએ જણાવ્યું કે ટ્રમ્પે આ પ્રસ્તાવ પર હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો અને સંકલિત કાર્યવાહી માટે સમર્થનનો સંકેત આપ્યો હતો.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વિશ્વમાં ઈરાન સાથેના વધતા જતા સંઘર્ષને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેરીની ટિપ્પણીઓએ એ સવાલ ઉભો કર્યો છે કે શું હાલના સૈન્ય વિકાસ એ વ્યાપક વ્યૂહાત્મક ફેરફારનો ભાગ છે કે જેને અગાઉના અમેરિકન રાષ્ટ્રપતિઓ વર્ષોથી જાણીજોઈને ટાળી રહ્યા હતા.

