વૈશ્વિક રાજનીતિમાં ગરમાવો: ઈરાને અમેરિકા સાથેની સીધી વાતચીતનો કર્યો સ્પષ્ટ ઈનકાર
વૈશ્વિક સ્તરે અત્યારે સૌથી વધુ ચર્ચા ઈરાન અને અમેરિકા વચ્ચેના વણસતા સંબંધોની થઈ રહી છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિઆને તાજેતરમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથેની ટેલિફોનિક વાતચીત દરમિયાન સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ઈરાન પર લશ્કરી અને આર્થિક નાકાબંધી ચાલુ રહેશે, ત્યાં સુધી અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની સીધી વાતચીત શક્ય નથી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે હોર્મુઝ સ્ટ્રેટમાં નૌકાદળની હિલચાલને કારણે આંતરરાષ્ટ્રીય તેલ બજાર અને સુરક્ષા જોખમમાં છે.
નાકાબંધી હેઠળ વાટાઘાટો નહીં: ઈરાનનો કડક વલણ
રાષ્ટ્રપતિ પેઝેશ્કિઆને શનિવારે પાકિસ્તાની વડાપ્રધાન સાથેની મંત્રણામાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાન એક સાર્વભૌમ રાષ્ટ્ર છે અને તેને દબાણ, ધમકીઓ કે આર્થિક નાકાબંધી દ્વારા કોઈ પણ કરાર કરવા માટે મજબૂર કરી શકાય નહીં. તેમણે અમેરિકાના વર્તમાન વલણને ‘પ્રતિકૂળ’ ગણાવતા કહ્યું કે, “શાંતિમાં મુખ્ય અવરોધ સંવાદની ઉણપ નથી, પરંતુ વોશિંગ્ટન દ્વારા લેવામાં આવેલા એકતરફી પ્રતિકૂળ પગલાં છે.”
ઈરાની રાષ્ટ્રપતિના મતે, અમેરિકાએ પહેલા તેની ગંભીરતા સાબિત કરવી પડશે. તેમણે માંગણી કરી છે કે અમેરિકાએ પશ્ચિમ એશિયામાં તેની લશ્કરી હાજરી ઘટાડવી જોઈએ અને ખાસ કરીને નૌકાદળ દ્વારા કરવામાં આવેલી નાકાબંધી દૂર કરવી જોઈએ. જ્યાં સુધી આ અવરોધો હટાવવામાં નહીં આવે, ત્યાં સુધી કોઈ પણ ડિપ્લોમેટિક ચેનલ સફળ થઈ શકે તેમ નથી.
ડોનાલ્ડ ટ્રમ્પનો વળતો પ્રહાર અને પાકિસ્તાન યાત્રા રદ
બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે તેમના વરિષ્ઠ સલાહકાર જેરેડ કુશનર અને ખાસ દૂત સ્ટીવ વિટકોફની પાકિસ્તાન યાત્રા રદ કરી દીધી છે. આ યાત્રા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરવા માટેના પ્રયાસરૂપે જોવામાં આવતી હતી. ટ્રમ્પે આ નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે, “અજાણ્યા અધિકારીઓ સાથેની મુલાકાતો માટે આટલી લાંબી અને ખર્ચાળ યાત્રા કરવી યોગ્ય નથી.”
ટ્રમ્પના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા અત્યારે ઈરાની નેતૃત્વ સાથેની સીધી અને ઉચ્ચ સ્તરીય બેઠકની ગેરહાજરીમાં કોઈ પણ મધ્યસ્થી પ્રયાસોમાં નાણાં કે સમય બગાડવા માંગતું નથી. ટ્રમ્પે એમ પણ ઉમેર્યું હતું કે જે બેઠકોનું આયોજન થયું હતું તેમાં ઈરાની પક્ષના મુખ્ય નિર્ણય લેનારા નેતાઓની હાજરીની ખાતરી નહોતી.
પાકિસ્તાનની મધ્યસ્થીની ભૂમિકા અને નિષ્ફળતાના સંકેત
પાકિસ્તાન લાંબા સમયથી ઈરાન અને અમેરિકા વચ્ચે સેતુ બનવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જોકે, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીના તાજેતરના નિવેદનો દર્શાવે છે કે સ્થિતિ વધુ જટિલ બની છે. અરાઘચીએ ઈસ્લામાબાદમાં પાકિસ્તાની નેતૃત્વ સાથે સંઘર્ષ સમાપ્ત કરવા માટે એક ‘કાર્યક્ષમ માળખું’ શેર કર્યું હતું, પરંતુ ઈરાની પ્રતિનિધિમંડળે જે માંગણીઓની સત્તાવાર યાદી સબમિટ કરી છે, તે અમેરિકા માટે સ્વીકારવી મુશ્કેલ જણાય છે.
પરિણામે, ઈરાની પ્રતિનિધિમંડળ કોઈ મોટા ઉકેલ વિના જ પાકિસ્તાનથી પરત ફર્યું છે. આ ઘટનાક્રમ બાદ પશ્ચિમ એશિયામાં લશ્કરી તણાવ વધવાની શક્યતા વધુ પ્રબળ બની છે.
હોર્મુઝ નાકાબંધીની વૈશ્વિક અસર
ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં આપવામાં આવેલી ધમકીઓ અને અમેરિકાની નૌકાદળની નાકાબંધીથી વિશ્વના ઉર્જા પુરવઠા પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. જો આ વિસ્તારમાં સંઘર્ષ વધે છે, તો ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી શકે છે, જેની અસર ભારત સહિતના તમામ દેશોના અર્થતંત્ર પર પડશે. પેઝેશ્કિઆને સ્પષ્ટ કર્યું છે કે અમેરિકાએ પહેલા આ નૌકાદળના અવરોધો હટાવવા પડશે, તો જ ‘ટેબલ ટોક’ શક્ય છે.
ઈરાનના રાષ્ટ્રપતિનો સંદેશ સ્પષ્ટ છે: ‘પહેલા સન્માન અને સ્વીકૃતિ, પછી વાટાઘાટો.’ અમેરિકાના આર્થિક પ્રતિબંધો અને લશ્કરી દબાણ ઈરાનને ઝૂકાવવાને બદલે વધુ આક્રમક બનાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાન કે અન્ય કોઈ દેશ આ મડાગાંઠ ઉકેલવામાં સફળ થાય છે કે પછી આ તણાવ કોઈ મોટા યુદ્ધમાં પરિણમે છે.

