પુતિન વિરુદ્ધ આંતરિક બળવાની તૈયારી? એક વર્ષમાં બદલાઈ શકે છે રશિયાની સત્તા, પૂર્વ સમર્થકે કર્યો ચોંકાવનારો દાવો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે આવનારો સમય ખૂબ જ પડકારજનક સાબિત થઈ શકે છે. તેમના ભૂતપૂર્વ સમર્થક ઇલ્યા રેમેસ્લોએ પત્રકાર ક્સેનિયા સોબચકને આપેલા ઇન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે, પુતિનની નજીકના ગણાતા લોકો જ હવે તેમની અંદરખાને નફરત કરવા લાગ્યા છે. રેમેસ્લોના મતે, રશિયાની તમામ વર્તમાન સમસ્યાઓ માટે સીધા પુતિન જ જવાબદાર છે.
કેવી રીતે થશે સત્તા પલટો?
રેમેસ્લોએ રશિયાની સિસ્ટમમાં કામ કરતા લોકોને અપીલ કરી છે કે તેઓ ડરે નહીં, કારણ કે પરિવર્તનનો સમય નજીક છે.
શાંતિપૂર્ણ પરિવર્તન: તેમનું કહેવું છે કે ૨૦૨૬ના અંત કે ૨૦૨૭ની શરૂઆત સુધીમાં રશિયામાં મોટું પરિવર્તન આવશે. આ પરિવર્તન હિંસક નહીં હોય, પરંતુ ૧૯૫૩માં સ્ટાલિનના અવસાન બાદ જે રીતે શાંતિપૂર્ણ રીતે સત્તા બદલાઈ હતી, તેવું જ કંઈક રશિયામાં જોવા મળી શકે છે.
નેતાઓમાં અસંતોષ: રશિયાના અનેક મોટા નેતાઓ હવે પુતિનથી નારાજ છે, કારણ કે યુદ્ધ અને પ્રતિબંધોને લીધે તેઓ અગાઉ જેવી સત્તા અને સુવિધાઓ ભોગવી શકતા નથી.
પુતિનના ત્રણ સંભવિત ઉત્તરાધિકારીઓ
ઇલ્યા રેમેસ્લોએ એવા ત્રણ મોટા નામો પણ આપ્યા છે જે પુતિન બાદ દેશની કમાન સંભાળી શકે છે:
મિખાઈલ મિશુસ્ટિન: રશિયાના વર્તમાન વડાપ્રધાન.
મેક્સિમ રેશતનિકોવ: આર્થિક વિકાસ મંત્રી.
એલેક્સી ડ્યુમિન: પુતિનના ભૂતપૂર્વ બોડીગાર્ડ, જેમને લાંબા સમયથી પુતિનના વારસદાર તરીકે જોવામાં આવે છે.
ઇલ્યા રેમેસ્લો: સમર્થકથી વિરોધી સુધીની સફર
રેમેસ્લો અગાઉ પુતિનના કટ્ટર સમર્થક હતા, પરંતુ માર્ચ મહિનામાં તેમણે પુતિનને ‘યુદ્ધ ગુનેગાર’ અને ‘જૂઠા’ કહીને છેડો ફાડી નાખ્યો હતો. આ નિવેદન બાદ તેમને માનસિક હોસ્પિટલમાં પણ રાખવામાં આવ્યા હતા, જેને ઘણા લોકો પુતિન સરકાર દ્વારા અવાજ દબાવવાની કોશિશ માને છે. જોકે, હવે તેઓ ફરીથી સક્રિય થયા છે અને સિસ્ટમને અંદરથી બદલવાની વાત કરી રહ્યા છે.
રશિયાની ડગમગતી અર્થવ્યવસ્થા અને જનતાની હાલાકી
યુક્રેન સાથેના લાંબા યુદ્ધની અસર હવે રશિયાના સામાન્ય નાગરિકો પર દેખાઈ રહી છે:
મોંઘવારીનો માર: છેલ્લા બે વર્ષમાં ખાવા-પીવાની ચીજોના ભાવમાં 18.6% નો તોતિંગ વધારો થયો છે.
સૈન્ય નુકસાન: અહેવાલો મુજબ, યુદ્ધમાં અત્યાર સુધીમાં આશરે 12 લાખ રશિયન સૈનિકો કાં તો માર્યા ગયા છે, ઘાયલ થયા છે અથવા ગુમ છે.
ટેકનોલોજી પર કાપ: ઇન્ટરનેટ અને ફોન નેટવર્ક પરની સખ્તાઈને કારણે અનેક વિસ્તારોમાં લોકો વોકી-ટોકી અને કાગળના નકશા વાપરવા મજબૂર બન્યા છે.

