5 રાજ્યોની ચૂંટણીમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે: વડાપ્રધાન મોદીનો બંગાળના મતદાન વચ્ચે હુંકાર
ભારતીય રાજકારણ અત્યારે ગરમાયેલું છે. એક તરફ પશ્ચિમ બંગાળમાં લોકશાહીનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ ઉત્તર પ્રદેશની ધરતી પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી પરિણામોને લઈને એક મોટો દાવો કર્યો છે. હરદોઈમાં આયોજિત એક વિશાળ જનસભામાં વડાપ્રધાને આત્મવિશ્વાસ સાથે જાહેર કર્યું કે, ભારતીય જનતા પાર્ટી (BJP) પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં વિજયની ‘હેટ્રિક’ નોંધાવવા જઈ રહી છે.
ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન અને રાજકીય લલકાર
બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના મલ્લાવાં ખાતે ગંગા એક્સપ્રેસવેના મહત્વના તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ વિકાસ કાર્યોના લોકાર્પણ બાદ તેમણે જનમેદનીને સંબોધતા રાજકીય ગરમાવો વધારી દીધો હતો. તેમણે પોતાના ભાષણમાં ભૂતકાળની જીતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, જે રીતે બિહારમાં જનતાએ ભાજપ અને NDA ગઠબંધન પર ભરોસો મૂકીને પ્રચંડ બહુમતી આપી હતી, તેવો જ ઈતિહાસ આ પાંચ રાજ્યોમાં પણ દોહરાવવામાં આવશે.
વડાપ્રધાનનો આ દાવો માત્ર હવામાં નથી, પણ તેમણે ગુજરાતમાં તાજેતરમાં આવેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોને તેનો પાયો ગણાવ્યો હતો.
ગુજરાતના વિજય ઉત્સાહનો ઉત્તર પ્રદેશમાં પડઘો
વડાપ્રધાને હરદોઈની જનતાને સંબોધતા કહ્યું કે, “ગઈકાલે જ ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. મને જણાવતા આનંદ થાય છે કે રાજ્યની ૮૦ થી ૮૫ ટકા નગરપાલિકાઓ અને પંચાયતોમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે.” તેમણે ઉમેર્યું કે ગુજરાતની જનતાએ જે રીતે ભાજપના શાસન અને નીતિઓ પર મહોર લગાવી છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે દેશનો મૂડ કઈ દિશામાં છે. આ જીતનો જુવાળ હવે ચૂંટણીવાળા રાજ્યોમાં પણ જોવા મળશે.
૦૪ મે: વિકસિત ભારતના સંકલ્પનો નિર્ણાયક દિવસ
વડાપ્રધાન મોદીએ ૦૪ મેના રોજ આવનારા ચૂંટણી પરિણામોને દેશના ભાવિ સાથે જોડતા કહ્યું કે, આ પરિણામો માત્ર હાર-જીતના આંકડા નથી, પરંતુ ‘વિકસિત ભારત’ના સંકલ્પને મજબૂત કરનારા હશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, દેશની જનતા હવે નકારાત્મકતા છોડીને વિકાસ અને સ્થિરતાની તરફેણમાં મતદાન કરી રહી છે. ૦૪ મેના રોજ આવનારા પરિણામો દેશના વિકાસની ગતિને એક નવી ઉર્જા આપશે અને ભારતને વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થા બનાવવા તરફ આગળ વધારશે.
બંગાળમાં ભયમુક્ત મતદાન: લોકશાહીની નવી જીત
પશ્ચિમ બંગાળમાં ૧૪૨ બેઠકો પર બીજા અને અંતિમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે વડાપ્રધાને ત્યાંની જનતાના જુસ્સાના વખાણ કર્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર દેખાઈ રહેલી લાંબી કતારોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, બંગાળમાં આ વખતે અભૂતપૂર્વ ઉત્સાહ છે.
સૌથી મહત્વની વાત જે વડાપ્રધાને નોંધી તે હતી ‘ભયમુક્ત વાતાવરણ’. તેમણે કહ્યું, “છેલ્લા છ-સાત દાયકામાં બંગાળમાં જે વાતાવરણ આપણે જોયું છે, તેની સરખામણીએ આ વખતે લોકો કોઈપણ ડર વગર બહાર નીકળી રહ્યા છે. આ નિર્ભીક મતદાન ભારતીય બંધારણ અને મજબૂત થઈ રહેલી લોકશાહીનો વિજય છે.” તેમણે બંગાળની જનતાનો આભાર માનતા તેમને વધુને વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ પણ કરી હતી.
વિકાસ વિરુદ્ધ વંશવાદ: મોદીનું આક્રમક વલણ
પોતાના સંબોધનમાં વડાપ્રધાને વિપક્ષી દળો પર આડકતરી રીતે નિશાન સાધતા કહ્યું કે, જનતાએ હવે વંશવાદ અને ભ્રષ્ટાચારના રાજકારણને તિલાંજલિ આપી દીધી છે. લોકો હવે જાતિ-પાતિના સમીકરણોથી ઉપર ઉઠીને માત્ર ‘વિકાસ’ને જ પ્રાથમિકતા આપી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં થઈ રહેલા રસ્તાઓ, એક્સપ્રેસવે અને કનેક્ટિવિટીના કાર્યોને તેમણે ડબલ એન્જિન સરકારની સફળતા ગણાવી હતી.

