બંગાળમાં ચૂંટણી બાદ વિવાદ: “EVM બદલી નાખવામાં આવ્યા, કાઉન્ટિંગમાં થઈ મોટી લૂંટ”, અભિષેક બેનર્જીના ગંભીર આક્ષેપો

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
4 Min Read

“અમે હાર્યા નથી, લૂંટાયા છીએ”: બંગાળમાં પરાજય બાદ અભિષેક બેનર્જીનો વિસ્ફોટક આરોપ, EVM બદલ્યા હોવાનો દાવો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોએ માત્ર બંગાળ જ નહીં પણ આખા દેશના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની હાર બાદ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જીએ મૌન તોડતા સીધા પ્રહારો કર્યા છે. તેમણે અત્યંત આક્રમક રીતે ‘વોટ ચોરી’ અને ‘કાઉન્ટિંગમાં લૂંટ’ ના આરોપ લગાવતા કહ્યું છે કે લોકશાહીના નામે જનતાના જનાદેશને બદલી નાખવામાં આવ્યો છે.

EVM બદલવાનો અને સીરીયલ નંબરમાં ગરબડનો આરોપ

અભિષેક બેનર્જીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, “હું વારંવાર કહું છું કે કદાચ EVM હેક ન કરી શકાય, પરંતુ તેને બદલી તો શકાય જ છે.” તેમણે દાવો કર્યો હતો કે ઘણી બેઠકો પર EVM ના સીરીયલ નંબર ફોર્મ 17C સાથે મેચ થતા નહોતા.

- Advertisement -

bjp5.jpg

તેમણે કલ્યાણી અને મેમારી જેવી બેઠકોનું ઉદાહરણ આપતા કહ્યું કે, “આવી 10 થી વધુ EVM મળી આવી હતી જેના નંબરોમાં વિસંગતતા હતી. અમે આ અંગે રિટર્નિંગ ઓફિસરને લેખિતમાં જાણ કરી હતી, છતાં કોઈ પગલાં લેવાયા નહીં. લગભગ 100 જેટલી વિધાનસભા બેઠકો એવી છે જ્યાં બપોરે 2 વાગ્યા પછી અમારા કાઉન્ટિંગ એજન્ટોને બળજબરીથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા.”

- Advertisement -

કાઉન્ટિંગની ધીમી ગતિ પાછળનું ગણિત?

અભિષેક બેનર્જીએ મતગણતરીની પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, સામાન્ય રીતે બપોરે 2 વાગ્યા સુધીમાં 80-90% મતગણતરી પૂરી થઈ જતી હોય છે. પરંતુ આ વખતે બપોરે 2:30 વાગ્યા સુધી માત્ર 3-4 રાઉન્ડનું જ કાઉન્ટિંગ થયું હતું.

તેમણે આરોપ લગાવ્યો કે, “આ જાણીજોઈને કરવામાં આવ્યું હતું જેથી એવું વાતાવરણ ઉભું કરી શકાય કે ભાજપ જીતી રહ્યું છે. કાઉન્ટિંગ ઓબ્ઝર્વરથી લઈને માઈક્રો ઓબ્ઝર્વર સુધીના તમામ લોકો કેન્દ્રના માણસો હતા. જ્યારે પેરામિલિટરી ફોર્સ પહેરો આપી રહી હોય અને તેમ છતાં આવી ગરબડ થાય, તો તેનો સ્પષ્ટ અર્થ છે કે આ એક પદ્ધતિસરની લૂંટ છે.”

દિલ્હીમાં રચાયેલું ‘ષડયંત્ર’

TMC તરફથી જારી કરાયેલા નિવેદનમાં આ ચૂંટણીને ‘અન્યાયી’ ગણાવવામાં આવી છે. અભિષેકે કહ્યું કે આ દિલ્હીમાં બેઠેલા આકાઓ દ્વારા રચાયેલું એક મોટું ષડયંત્ર હતું, જેને ચૂંટણી પંચે અંજામ આપ્યો છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ નિષ્પક્ષ રહેવાને બદલે પક્ષપાતી બન્યું હતું.

- Advertisement -

“દરેક સંસ્થાનો દુરુપયોગ કરવામાં આવ્યો, દરેક નિયમો તોડવામાં આવ્યા અને તમામ સુરક્ષા વ્યવસ્થાને નેવે મૂકી દેવામાં આવી. છતાં અમે ડર્યા વગર લડ્યા છીએ. જો આ લડાઈમાં કોઈ નૈતિક રીતે વિજેતા હોય, તો તે અમે છીએ,” તેમ અભિષેકે ઉમેર્યું હતું.

મમતા દીદીનો હુંકાર: રસ્તા પર ઉતરીને લડશે

અભિષેક બેનર્જીએ સ્પષ્ટ કર્યું કે મમતા બેનર્જી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાના નથી. તેમણે કહ્યું કે દીદી તે રસ્તાઓ પર પાછા ફરશે જ્યાંથી તેમનો રાજકીય જન્મ થયો હતો. તેઓ પોતાની ‘મા, માટી અને માનુષ’ માટે ફરીથી સંઘર્ષ કરશે.

તેમણે વિરોધીઓને ચેતવણી આપતા કહ્યું કે, “તમે અમને હરાવીને ચૂપ કરી શકશો નહીં, ઉલટાનું તમે અમને લડવા માટે વધુ એક મજબૂત કારણ આપ્યું છે. જનતાનો વિશ્વાસ જે રીતે લૂંટાયો છે, તેની સામેનો અમારો વિરોધ હવે વધુ ઉગ્ર બનશે.”

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.