મુખ્યમંત્રી બનતા જ વિજયનો મોટો નિર્ણય: તૃષાની ફિલ્મ ‘કરપ્પુ’ માટે આપી ખાસ મંજૂરી, ચાહકોમાં ખુશીનો માહોલ
તમિલનાડુના નવનિયુક્ત મુખ્યમંત્રી જોસેફ વિજયે સત્તા સંભાળતાની સાથે જ ફિલ્મ ઉદ્યોગ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. સૂર્યા અને તૃષા કૃષ્ણન અભિનીત ફિલ્મ ‘કરપ્પુ’ આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે, જે 14 મે, 2026 ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મની રિલીઝ પહેલા જ મુખ્યમંત્રી વિજયે ફિલ્મના સ્પેશિયલ શો માટે ખાસ પરવાનગી આપી છે.
ફિલ્મ નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી વિજયનો આભાર માનતા એક પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું કે, રાજ્યમાં સવારના 9 વાગ્યાના શો આયોજિત કરવાની વિશેષ મંજૂરી આપવા બદલ માનનીય મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ આભાર. સામાન્ય રીતે તમિલનાડુમાં શોના સમયને લઈને કડક નિયમો હોય છે, પરંતુ આ ખાસ કિસ્સામાં વિજયે આપેલી છૂટછાટ ચર્ચાનો વિષય બની છે.
તૃષાના જન્મદિવસ સાથે ખાસ જોડાણ
નોંધનીય છે કે વિજય અને તૃષા છેલ્લા કેટલાક સમયથી તેમના અંગત સંબંધોની અફવાઓને કારણે સતત મીડિયામાં છવાયેલા છે. 10 મે ના રોજ જ્યારે વિજયે મુખ્યમંત્રી પદના શપથ લીધા ત્યારે તૃષા પણ ત્યાં હાજર હતી. યોગાનુયોગ એવો છે કે, 4 મે ના રોજ જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા અને વિજયની જીત થઈ, તે જ દિવસે તૃષાનો જન્મદિવસ પણ હતો. આથી ફેન્સ આ નિર્ણયને તૃષા માટે વિજયની ‘ખાસ ભેટ’ તરીકે જોઈ રહ્યા છે.
ફેન્સનો ઉત્સાહ અને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા
આ સમાચાર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ચાહકોની પ્રતિક્રિયાઓનો પૂર આવ્યો છે.
એક યુઝરે લખ્યું, “તમારી ફિલ્મના સ્પેશિયલ શો માટે સરકાર પાસે વિનંતી કરવાથી લઈને, આજે પોતે મુખ્યમંત્રી બનીને પરવાનગી આપવા સુધીની તમારી સફર ખરેખર શાનદાર છે!”
અન્ય એક યુઝરે રમૂજમાં લખ્યું કે, “આપણે સવારના 4 કે 6 વાગ્યાના શો પણ માંગી શક્યા હોત!”
તમિલનાડુના સિનેમા ઇતિહાસમાં પહેલીવાર કોઈ ફિલ્મ માટે આ રીતે સવારના 9 વાગ્યાના શોની સત્તાવાર મંજૂરી આપવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
Special thanks to our honorable Chief Minister Thiru. Joseph Vijay for granting the special permission for the 9AM shows of #Karuppu.#Karuppu – FDFS begins at 9AM, from May 14th🔥
A @SaiAbhyankkar Musical 🎵@Suriya_offl @trishtrashers @RJ_Balaji @dop_gkvishnu @prabhu_sr… pic.twitter.com/6sLumAcAFr
— DreamWarriorPictures (@DreamWarriorpic) May 12, 2026
ફિલ્મ ‘કરપ્પુ’ અને સૂર્યા માટે પડકાર
થોડા દિવસો પહેલા રિલીઝ થયેલા ‘કરપ્પુ’ ના ટ્રેલરને પ્રેક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. સૂર્યા અને તૃષાની જોડીને લાંબા સમય પછી મોટા પડદા પર જોવા માટે ફેન્સ આતુર છે. ખાસ કરીને સૂર્યા માટે આ ફિલ્મ સફળ થવી ખૂબ જ જરૂરી છે, કારણ કે તેની છેલ્લી કેટલીક ફિલ્મો જેમ કે ‘રેટ્રો’ અને ‘કંગુવા’ બોક્સ ઓફિસ પર ધારી સફળતા મેળવી શકી નહોતી.
હવે જોવાનું એ રહેશે કે મુખ્યમંત્રી વિજયના આ સહકાર અને ફેન્સના ભારે ઉત્સાહ વચ્ચે ‘કરપ્પુ’ બોક્સ ઓફિસ પર કેટલા નવા રેકોર્ડ બનાવે છે. 14 મે થી તમિલનાડુના થિયેટરોમાં સૂર્યા અને તૃષાનો જાદુ જોવા મળશે.
