ભારતીય હોકીમાં વિવાદનો વંટોળ: પીઆર શ્રીજેશના ગંભીર આરોપો અને હોકી ઇન્ડિયાનો ખુલાસો
ભારતીય હોકીના ઈતિહાસમાં ‘ધ વોલ’ તરીકે ઓળખાતા દિગ્ગજ ગોલકીપર પીઆર શ્રીજેશ હાલમાં રમત કરતાં મેદાનની બહારના વિવાદને કારણે ચર્ચામાં છે. ભારતને ઓલિમ્પિકમાં મેડલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર આ ખેલાડીએ નિવૃત્તિ બાદ કોચિંગમાં ડગ માંડ્યા હતા, પરંતુ ટૂંકા ગાળામાં જ તેમને પદ પરથી હટાવવામાં આવતા હોકી જગતમાં ખળભળાટ મચી ગયો છે. શ્રીજેશે હોકી ઇન્ડિયા પર જે આરોપો લગાવ્યા છે, તેણે ભારતીય કોચિંગ પ્રતિભાઓની અવગણના અને ‘ફોરેન કલ્ચર’ પર નિર્ભરતા અંગેના જૂના પ્રશ્નોને ફરી જીવંત કર્યા છે.
શું છે સમગ્ર મામલો?
પીઆર શ્રીજેશે પેરિસ ઓલિમ્પિક પછી આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ લીધી હતી. તેમની પ્રતિભા અને અનુભવને જોતા હોકી ઇન્ડિયાએ તેમને ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ તરીકેની જવાબદારી સોંપી હતી. શ્રીજેશના માર્ગદર્શન હેઠળ ટીમે નોંધપાત્ર પ્રદર્શન પણ કર્યું. જોકે, તાજેતરમાં જ તેમને આ પદ પરથી મુક્ત કરવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા.
આ ઘટનાથી દુઃખી થયેલા શ્રીજેશે 13 મેના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાની વેદના ઠાલવી હતી. તેમણે લખ્યું હતું કે, “એવું લાગે છે કે મારી કોચિંગ કારકિર્દી ફક્ત દોઢ વર્ષમાં જ પૂરી થઈ ગઈ. સામાન્ય રીતે નબળા પ્રદર્શનને કારણે કોચને હટાવવામાં આવતા હોય છે, પરંતુ અહીં પાંચ ટુર્નામેન્ટમાં પાંચ પોડિયમ ફિનિશ કર્યા હોવા છતાં મને વિદેશી કોચની પસંદગી કરવા માટે હટાવવામાં આવ્યો છે.”
શ્રીજેશના ગંભીર આરોપો: “શું ભારતીય કોચ સક્ષમ નથી?”
શ્રીજેશની મુખ્ય નારાજગી વિદેશી કોચ પ્રત્યેના હોકી ઇન્ડિયાના પક્ષપાત સામે છે. તેમણે દાવો કર્યો કે હોકી ઇન્ડિયાના પ્રમુખે તેમને જણાવ્યું હતું કે સિનિયર ટીમના મુખ્ય કોચ (જે પોતે વિદેશી છે) ઇચ્છે છે કે જુનિયર સ્તરે પણ વિદેશી કોચ જ હોવા જોઈએ, જેથી જુનિયરથી સિનિયર સુધીના ખેલાડીઓ એક જ પ્રકારની તાલીમ પદ્ધતિ (સિસ્ટમ) માં તૈયાર થાય.
શ્રીજેશે પ્રશ્ન ઉઠાવ્યો કે શું ભારતીય કોચ ભારતીય હોકીનો વિકાસ કરવા માટે સક્ષમ નથી? તેમણે કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા સાથેની મુલાકાતને પણ ટાંકી હતી, જેમાં મંત્રીએ 2036 ઓલિમ્પિક માટે શ્રીજેશ જેવા કોચની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શ્રીજેશનું માનવું છે કે હોકી ઇન્ડિયા પાયાના સ્તરથી જ વિદેશી કોચ પર નિર્ભર રહીને સ્થાનિક પ્રતિભાઓને દબાવી રહ્યું છે.
હોકી ઇન્ડિયાનો પક્ષ: “પ્રોટોકોલ અને નવા કરારની પ્રક્રિયા”
શ્રીજેશના આરોપો બાદ હોકી ઇન્ડિયાએ પણ મૌન તોડ્યું છે અને સત્તાવાર નિવેદન જારી કરીને સ્થિતિ સ્પષ્ટ કરી છે. હોકી ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, શ્રીજેશનો કોચિંગ કાર્યકાળ ડિસેમ્બર 2025 માં પૂર્ણ થઈ ગયો હતો. નિયમ મુજબ, જ્યારે કોઈ કરાર પૂરો થાય, ત્યારે સંસ્થાએ તે પદ માટે ફરીથી અરજીઓ મંગાવવી પડે છે.
It’s seems like My coaching career comes to an end after 1.5 years, during which we played 5 tournaments and secured 5 podium finishes, including a Junior World Cup bronze medal.
I have heard about coaches getting fired after bad performances.
But this is the first time I am…
— sreejesh p r (@16Sreejesh) May 13, 2026
સંસ્થાએ સ્પષ્ટતા કરી છે કે:
- પારદર્શક પ્રક્રિયા: સત્તાવાર પ્રોટોકોલ મુજબ આ પદ માટે નવી જાહેરાત આપવામાં આવી હતી, જેમાં શ્રીજેશે પણ ફરીથી અરજી કરી હતી. હવે યોગ્યતાના આધારે નવી પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે.
- બરતરફી નહીં પણ નવી ઓફર: હોકી ઇન્ડિયાએ દાવો કર્યો છે કે તેમણે શ્રીજેશને કોઈ પણ રીતે ‘ફાયર’ કર્યા નથી. ઉલટું, તેમને ‘ડેવલપમેન્ટ ટીમ’ ના કોચ બનવાની ઓફર કરવામાં આવી હતી. આ ટીમ લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક માટે બેકઅપ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
- નિયુક્તિનો ઈનકાર: નિવેદન મુજબ, શ્રીજેશને આ પદ સ્વીકારવા માટે વારંવાર વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તેમણે આ નવી ભૂમિકા સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો.
વિદેશી કોચનો વિવાદ અને વાસ્તવિકતા
શ્રીજેશના તે આરોપ પર કે “સિનિયર કોચ વિદેશી હોવાને કારણે જુનિયર ટીમમાં પણ વિદેશી કોચ જ જોઈએ છે”, હોકી ઇન્ડિયાએ કહ્યું કે આવી કોઈ વાત શ્રીજેશને ક્યારેય કહેવામાં આવી નથી. સંસ્થાનું કહેવું છે કે ભારત સરકારના ‘વિઝન 2036’ હેઠળ તેઓ ભારતીય કોચિંગ ટેલેન્ટને વિકસાવવા માંગે છે અને તેના માટે જ શ્રીજેશને વધુ અનુભવ મળે તેવા પદની ઓફર કરવામાં આવી હતી.
