IPL ની ટિકિટ ખરીદતા પહેલા આ વાંચી લેજો, નહીં તો સ્ટેડિયમને બદલે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડશે
ભારતમાં આઈપીએલ (IPL) માત્ર એક ક્રિકેટ ટુર્નામેન્ટ નથી, પણ એક ઉત્સવ છે. રાતભર ચાલતી ગ્રુપ ચેટ્સ, છેલ્લી ઘડીએ મનગમતી ટીમની જર્સી ખરીદવાની દોડધામ અને ગણતરીની સેકન્ડોમાં વેચાઈ જતી ટિકિટો પાછળની દીવાનગી એ આઈપીએલની ઓળખ છે. પરંતુ, તમારી આ જ ઉતાવળ અને ક્રિકેટ પ્રત્યેના જનૂનનો ફાયદો હવે સાયબર ઠગ ટોળકીઓ ઉઠાવી રહી છે. સાયબર સુરક્ષા ફર્મ ક્લાઉડસેક (CloudSEK) ના તાજેતરના રિપોર્ટ ‘હિટ વિકેટ’ (Hit Wicket) એ ચાહકો માટે લાલબત્તી સમાન કિસ્સાઓ જાહેર કર્યા છે.
ફજી ટિકિટોનું માયાજાળ: ઓરિજિનલ જેવી જ દેખાતી નકલી સાઇટ્સ
ક્લાઉડસેકના રિપોર્ટ અનુસાર, આ સીઝનમાં 600 થી વધુ નકલી ટિકિટ ડોમેન્સ અને 400 થી વધુ માલવેર ધરાવતી સ્ટ્રીમિંગ સાઇટ્સ સક્રિય થઈ છે. છેતરપિંડી કરનારાઓ બુકમાયશો (BookMyShow) અને ડિસ્ટ્રિક્ટ (District) જેવા જાણીતા પ્લેટફોર્મની આબેહૂબ નકલ કરે છે. ગ્રાહકોને છેતરવા માટે આ સાઇટ્સ પર ‘કાઉન્ટડાઉન ટાઈમર’ અને ‘લિમિટેડ સીટ્સ’ જેવા બેનરો લગાવાય છે જેથી ગ્રાહક ઉતાવળમાં વિચાર્યા વગર પેમેન્ટ કરી દે.
આ ઠગ ટોળકીઓ ઇન્સ્ટાગ્રામ રીલ્સ, ફેસબુક પોસ્ટ અને ગૂગલ સર્ચ દ્વારા આક્રમક રીતે પ્રચાર કરે છે. જેવો કોઈ યુઝર યુપીઆઈ (UPI) કે કાર્ડથી પેમેન્ટ કરે છે, તેને સીટ નંબર અને ક્યુઆર (QR) કોડવાળી પ્રોફેશનલ પીડીએફ ટિકિટ ઈમેલ પર મળી જાય છે. પરંતુ અસલી ખેલ ત્યારે સમજાય છે જ્યારે તમે સ્ટેડિયમના ગેટ પર પહોંચો અને તમારો ક્યુઆર કોડ સ્કેન જ ન થાય. આ ટોળકીઓ ગ્રાહકોના ફોન નંબર અને ઈમેલ જેવો કિંમતી ડેટા પણ ચોરી લે છે.
ફ્રી સ્ટ્રીમિંગના નામે ડિવાઇસ હેક કરવાનો ખેલ
મોંઘા સબ્સ્ક્રિપ્શનથી બચવા માટે જે લોકો ‘ફ્રી આઈપીએલ લાઈવ સ્ટ્રીમ’ શોધે છે, તેઓ સૌથી મોટા જોખમમાં છે. ટેલિગ્રામ અને રેડિટ (Reddit) પર શેર કરવામાં આવતી આવી લિંક્સ પર ક્લિક કરતા જ મેચની જગ્યાએ એક જોખમી માલવેર તમારા મોબાઈલ કે લેપટોપમાં પ્રવેશી જાય છે.
સંશોધકોએ શોધી કાઢ્યું છે કે મેકઓસ (macOS) યુઝર્સને ફેક સિક્યોરિટી અપડેટના નામે ‘શબ સ્ટીલર’ (SHub Stealer) નામના માલવેરનો શિકાર બનાવવામાં આવી રહ્યા છે. આ સોફ્ટવેર તમારા બ્રાઉઝરના પાસવર્ડ, બેન્કિંગ વિગતો, કુકીઝ અને ક્રિપ્ટોકરન્સી વોલેટ સુધીની તમામ માહિતી ખાલી કરી શકે છે. આ માત્ર પાઈરસી નથી, પણ તમારા આખા ડિવાઈસનો કંટ્રોલ હેકર્સના હાથમાં સોંપવાની પેરવી છે.
સાયબર ગુનેગારો માટે આઈપીએલ કેમ છે મોટું બજાર?
આઈપીએલ ભારતની સૌથી મોટી ડિજિટલ ઇવેન્ટ્સમાંની એક છે. કરોડોની વ્યુઅરશિપ અને સેકન્ડોમાં થતા ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને કારણે ઠગ લોકો માટે આ એક આદર્શ તક છે. ખાસ કરીને પ્લે-ઓફ કે હાઈ-વોલ્ટેજ મેચો વખતે દર્શકો ભાવનાત્મક રીતે એટલા જોડાયેલા હોય છે કે તેઓ ટિકિટ માટે ગમે તેવું જોખમ લેવા તૈયાર થઈ જાય છે. આ આખું નેટવર્ક ટુર્નામેન્ટ શરૂ થતા પહેલા જ તૈયાર થઈ જાય છે અને જેવી ડિમાન્ડ વધે તે પ્રમાણે પોતાની વ્યૂહરચના બદલતા રહે છે.
સાયબર છેતરપિંડીથી કેવી રીતે બચવું?
આ આધુનિક ડિજિટલ યુગમાં સાવચેતી જ એકમાત્ર ઉપાય છે:
-
સત્તાવાર સ્ત્રોત: ટિકિટ હંમેશા અધિકૃત અને વેરીફાઈડ પ્લેટફોર્મ પરથી જ ખરીદવી.
-
શંકાસ્પદ લિંક્સ: સોશિયલ મીડિયા કે વોટ્સએપ પર મળતી ભારે ડિસ્કાઉન્ટ વાળી લિંક્સ પર ક્યારેય ક્લિક ન કરવું.
-
ફ્રી સ્ટ્રીમિંગથી બચો: મફત મેચ જોવા માટે કોઈ અજાણી એપ કે સાઈટનો ઉપયોગ ન કરો.
-
ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA): તમારા ઈમેલ અને બેન્કિંગ એપ્સ પર 2FA ચોક્કસથી ઓન રાખો.
-
પરમિશન તપાસો: કોઈ પણ અજાણી એપને તમારા ફોનના કોન્ટેક્ટ કે ગેલેરીની પરમિશન ન આપો.

