ભારતીય નૌસેનાની તાકાતમાં બમણો વધારો: ટૂંક સમયમાં નૌકાદળના કાફલામાં સામેલ થશે ત્રણ સ્વદેશી યુદ્ધપોત ‘દૂનાગિરી’, ‘અગ્રય’ અને ‘સંશોધક’
હિંદ મહાસાગર ક્ષેત્ર (Indian Ocean Region) માં પોતાની વ્યૂહાત્મક પકડ અને ઓપરેશનલ ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે ભારતીય નૌસેના એક મોટી સિદ્ધિ હાસલ કરવા જઈ રહી છે. એક વિશેષ સૈન્ય યોજના હેઠળ, ભારતીય નૌસેના ટૂંક સમયમાં ત્રણ શક્તિશાળી સ્વદેશી જહાજોને પોતાના કાફલામાં સામેલ કરશે. આ ત્રણ જહાજોમાં એક અત્યાધુનિક સ્ટેલ્થ ફ્રિગેટ (છૂપાઈને હુમલો કરતું યુદ્ધપોત), એક સબમરીન-વિરોધી યુદ્ધપોત અને એક વિશાળ સર્વેક્ષણ જહાજનો સમાવેશ થાય છે.
સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ જણાવ્યું છે કે, તાજેતરના વર્ષોમાં હિંદ મહાસાગરમાં ચીનની નૌસેનાએ પોતાની હાજરી અને જાસૂસી પ્રવૃત્તિઓ સતત વધારી છે. આ સ્થિતિમાં ભારતના આ ત્રણ નવા જહાજો ચીનની હિલચાલ પર કડક નજર રાખવા અને તેના કોઈપણ દુસાહસનો જડબાતોડ જવાબ આપવા માટે ગેમ-ચેન્જર સાબિત થશે. આ ત્રણેય જહાજોનું નિર્માણ કોલકાતા સ્થિત સરકારી સંસ્થા ‘ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ’ (GRSE) દ્વારા કરવામાં આવ્યું છે અને તાજેતરમાં જ તેને નૌસેનાને સોંપવામાં આવ્યા છે.
પ્રોજેક્ટ 17A હેઠળ ‘દૂનાગિરી’ એક મહિનામાં થશે સક્રિય
નૌસેનાના અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ભારતના આશરે ₹૪૫,૦૦૦ કરોડના મહત્વાકાંક્ષી ‘પ્રોજેક્ટ 17A’ (Project 17A) હેઠળ તૈયાર કરાયેલું પાંચમું સ્ટેલ્થ ફ્રિગેટ ‘દૂનાગિરી’ (Dunagiri) આગામી એક મહિનાની અંદર સત્તાવાર રીતે નૌસેનાના કાફલાનો હિસ્સો બની જશે. આ જહાજની સાથે જ સબમરીનનો શિકાર કરનારું એન્ટી-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ (ASW-SWC) ‘અગ્રય’ (Agray) અને દરિયાના પેટાળની તપાસ કરતું મોટું સર્વેક્ષણ જહાજ ‘સંશોધક’ (Sanshodhak) પણ એકસાથે સેવામાં જોડાશે.
પ્રોજેક્ટ 17A હેઠળ બાકી રહેલા અન્ય બે ફ્રિગેટ્સ પણ આગામી છ મહિનાની અંદર નૌસેનામાં સામેલ થઈ જશે તેવી આશા છે. આ શ્રેણીના અન્ય જહાજો જેવા કે નીલગિરી, ઉદયગિરી, હિમગિરી અને તારાગિરી પહેલાથી જ દેશની સેવામાં તૈનાત છે, જ્યારે ‘મહેન્દ્રગિરી’ અને ‘વિંધ્યગિરી’ પણ આ વર્ષના અંત સુધીમાં દૂનાગિરી બાદ નૌસેનાના કાફલામાં જોડાઈ જશે.
75% સ્વદેશી સામગ્રી: આત્મનિર્ભર ભારતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
પ્રોજેક્ટ 17A (અથવા નીલગિરી-ક્લાસ) પ્લેટફોર્મ ભારતની સ્વદેશી યુદ્ધપોત નિર્માણ ક્ષમતામાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે. આ યુદ્ધપોતોની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના નિર્માણમાં આશરે 75% જેટલી સામગ્રી અને ટેકનોલોજી સંપૂર્ણપણે ભારતીય એટલે કે સ્વદેશી છે. આ જહાજો આધુનિક હથિયારો, સેન્સર્સ અને અત્યાધુનિક સર્વેલન્સ (નિરીક્ષણ) પ્રણાલીથી સજ્જ છે.
તકનીકી રીતે જોઈએ તો, P-17A એ અગાઉના શિવાલિક-ક્લાસ સ્ટેલ્થ ફ્રિગેટ્સ (P-17) નું આગામી અને વધુ અપગ્રેડેડ વર્ઝન છે. આ શ્રેણીના અન્ય જહાજો નીલગિરી, ઉદયગિરી અને તારાગિરીનું નિર્માણ મુંબઈના મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) માં કરવામાં આવ્યું હતું.
બ્રહ્મોસ મિસાઈલ અને ઘાતક હથિયારોથી સજ્જ
આ નવા સ્ટેલ્થ ફ્રિગેટ્સ દુશ્મન માટે યમરાજ સમાન છે. આ જહાજો ભારતની સૌથી ઘાતક સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ ‘બ્રહ્મોસ’ (Brahmos), હવામાં આવતા દુશ્મન વિમાન કે મિસાઈલને તોડી પાડનારી ‘બરાક-8’ (Barak-8) સરફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમ અને લાંબા અંતર સુધી નજર રાખવા માટે અદ્યતન MF-STAR સર્વેલન્સ રડારથી સજ્જ છે. આ ઉપરાંત, તેમાં પાણીની અંદર છુપાયેલી દુશ્મનની સબમરીનનો નાશ કરવાની ક્ષમતા (Anti-Submarine Warfare) પણ છે.
બીજી તરફ, ‘અગ્રય’ જહાજ એ GRSE દ્વારા બનાવવામાં આવી રહેલા આઠ વિશેષ સબમરીન-વિરોધી જહાજોમાંનું ચોથું જહાજ છે. તેને ખાસ કરીને ભારતના દરિયાકાંઠાના વિસ્તારો અને ઓછા ઊંડા પાણીવાળા દરિયાઈ ઝોનમાં ઓપરેશન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ૭૭ મીટર લાંબું જહાજ પાણીની અંદર દુશ્મનની સબમરીન પર નજર રાખવા, શોધવા અને તેનો શિકાર કરવાના મિશનમાં સક્ષમ છે, અને તે નૌસેનાના લડાકુ વિમાનો સાથે મળીને સંયુક્ત ઓપરેશન પણ કરી શકે છે.
દરિયાના પેટાળનો નકશો તૈયાર કરશે ‘સંશોધક’
આ કાફલાનું ત્રીજું મહત્વનું જહાજ ‘સંશોધક’ છે, જે GRSE દ્વારા બનાવવામાં આવી રહેલા ચાર મોટા સર્વેક્ષણ જહાજો (Survey Vessels Large) માંનું છેલ્લું જહાજ છે. આ જહાજ સેવામાં આવવાથી ભારતની હાઇડ્રોગ્રાફિક અને દરિયાઈ સર્વેક્ષણ ક્ષમતા બમણી થઈ જશે.
આ ૧૧૦ મીટર લાંબું વિશાળ જહાજ દરિયાકાંઠાના અને ઊંડા પાણીના વિસ્તારોમાં હાઇડ્રોગ્રાફિક સર્વે કરવા માટે બનાવવામાં આવ્યું છે. તે સમુદ્રની અંદર રહેલા પહાડો, ખીણો, બંદરોના પ્રવેશમાર્ગો અને નેવિગેશન ચેનલોનો સચોટ નકશો તૈયાર કરશે, જેથી યુદ્ધના સમયે ભારતીય સબમરીન અને જહાજો સુરક્ષિત રીતે ગતિ કરી શકે.

