અનિરુદ્ધાચાર્યે ફરી એકવાર કર્યું વિવાદિત નિવેદન, કહ્યું – “વેશ્યા છે તો પણ ખુદને દેવી કહેડાવવા માંગે છે”
લિવ-ઇન રિલેશનશીપને લઈને દેશમાં ચાલી રહેલા ચર્ચા-વિવાદ વચ્ચે કથાકાર અનિરુદ્ધાચાર્યે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેને લઈને સોશિયલ મિડિયા પર ઘમાસાન મચી ગયું છે. એક ધાર્મિક કથા દરમિયાન, અનિરુદ્ધાચાર્યે લિવ-ઇન રિલેશનશીપમાં રહેનાર મહિલાઓ પર ટકોર કરતાં કહ્યું કે, “તેઓ વેશ્યા છે, પણ તે ખુદને સતી સાવિત્રી કહેડાવવા માંગે છે.”
અનિરુદ્ધાચાર્યે કહ્યું કે આજના કળિયુગમાં તમે સાચું બોલો તો લોકો તમારો વિરોધ કરે છે.
તેમણે જણાવ્યું કે જો કોઈ પુરુષ કે સ્ત્રી લિવ-ઇન રિલેશનશીપમાં રહે છે અને ખોટું વર્તન કરે છે, તો એ અંગે વાત કરવાથી લોકો તમને જૂઠું કહીને સામે પડી જાય છે. તેમના મતે, આજના યુગમાં લોકો સત્ય સાંભળવા માટે તૈયાર નથી.
કથાકારે કહ્યું કે, “જે સ્ત્રી પોતે અર્ધનગ્ન કપડાં પહેરીને ફરે છે, તે પણ ઈચ્છે છે કે તેને દેવી કહેવાય. જો સ્ત્રી દેવી જેવું વર્તન કરશે તો તેને દેવી કહેવાય એમાં શંકા નથી. આપણી સંસ્કૃતિ સ્ત્રીઓને દેવી તરીકે જ ઓળખે છે, પણ એ સ્ત્રી જ્યાં શુદ્ધતા, આવરણીયતા અને ચારિત્ર્ય ધરાવતી હોય.”
તેમણે સીતા, દ્રૌપદી જેવી પવિત્ર સ્ત્રીઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “જ્યારે આવા શ્રદ્ધાળુ સ્ત્રીપાત્રોનું સ્થાન પૂજનીય છે, ત્યારે શૂર્પણખા જેવી સ્ત્રીનું સ્થાન શું? શું આપણે એવી સ્ત્રીઓની પણ પૂજા કરીશું કે જે ખોટા સંબંધોમાં સંકળાયેલી હોય?”
તેમના મતે સ્ત્રીઓ વચ્ચે તફાવત સમજવો જરૂરી છે.
“સતી અને શ્રદ્ધાળુ સ્ત્રી અને જે લિવ-ઇન રિલેશનશીપમાં રહી રહી છે તે સ્ત્રી – શું બંને સમાન હોઈ શકે?”
અનિરુદ્ધાચાર્યના આ નિવેદન પર સોશિયલ મિડિયા પર મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. ઘણાં લોકોએ તેને દુ:ખદ અને અપમાનજનક ગણાવ્યું છે, તો કેટલાક લોકો તેમના ધર્મ પર આધારિત દૃષ્ટિકોણને યોગ્ય માનતા, તેમની સાથે સહમતિ પણ દર્શાવી છે.
તેમનું કહેવું છે કે – “સત્ય કડવું હોય છે અને કળિયુગમાં કડવું સત્ય બોલવું ગુનો બની જાય છે.”

