રૂપિયા ડૂબશે કે વધશે? સ્વાન ડિફેન્સના શેરમાં આકાશી તેજી છતાં એક્સપર્ટ્સે કેમ આપી મોટી ચેતવણી?
ભારતીય શેરબજારમાં અવારનવાર એવા સ્મોલકેપ કે પેની સ્ટોક્સ જોવા મળે છે, જે ટૂંકા ગાળામાં રોકાણકારોને આશ્ચર્યજનક વળતર આપીને ચોંકાવી દે છે. આવો જ એક ચમત્કાર ડિફેન્સ સેક્ટરની કંપની ‘સ્વાન ડિફેન્સ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ’ ના શેરમાં જોવા મળ્યો છે. કોઈ સમયે શેરબજારમાં માત્ર ₹૨ ની આસપાસ ટ્રેડ થતો આ શેર આજે રોકેટ ગતિએ વધીને ₹૧,૯૦૦ ની સપાટીને વટાવી ગયો છે.
આ કંપનીએ છેલ્લા કેટલાક વર્ષોમાં એવું વળતર આપ્યું છે કે જેણે રોકાણકારોના નસીબ બદલી નાખ્યા છે. માત્ર ત્રણ વર્ષના ગાળામાં આ સ્ટોકમાં કરાયેલું ₹૧ લાખનું રોકાણ આજે ₹૯ કરોડથી વધુ બની ગયું છે. પરંતુ, સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ કંપનીના શાનદાર વળતર પાછળ તેનું મજબૂત વ્યાપારી પ્રદર્શન છે, કે પછી પડદા પાછળની વાર્તા કંઈક જુદી જ છે? લાંબા ગાળે મલ્ટિબેગર વળતર આપનારી આ કંપનીના આર્થિક પાયા (Fundamentals) અત્યંત નબળા દેખાઈ રહ્યા છે, જે ચિંતાનો વિષય છે.
શેરના ભાવની સ્થિતિ અને વળતરના આશ્ચર્યજનક આંકડા
સ્વાન ડિફેન્સ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝના શેરે લાંબા ગાળાના રોકાણકારોને અકલ્પનીય કમાણી કરાવી આપી છે. બુધવારે શેરબજાર બંધ થયું ત્યારે આ કંપનીનો શેર ₹૧,૯૧૨.૬૫ ના સ્તરે પહોંચી ગયો હતો. જો તેના અલગ-અલગ સમયગાળાના રિટર્ન પર નજર કરીએ તો આંકડા આંખો પહોળી કરી દે તેવા છે:
-
૧ વર્ષનું વળતર: ૧,૦૧૯ ટકાથી વધુ
-
૩ વર્ષનું વળતર: ૯0,૯૭૮ ટકાથી વધુ
-
૫ વર્ષનું વળતર: ૬૫,૮૫૩ ટકાથી વધુ
₹૧ લાખનું ગણિત:
જો કોઈ રોકાણકારે આજથી બરાબર ત્રણ વર્ષ પહેલાં, જ્યારે આ સ્ટોકનો ભાવ માત્ર ₹૨ ની આસપાસ હતો, ત્યારે તેમાં ₹૧ લાખનું રોકાણ કરીને શેર ખરીદ્યા હોત અને તેને સાચવી રાખ્યા હોત, તો આજે તે શેરની બજાર કિંમત વધીને ₹૯,૦૯,૭૮,૫૭૦ (₹૯ કરોડથી વધુ) થઈ ગઈ હોત. જો કે, અહીં એક મહત્વનો વળાંક એ છે કે કંપનીનો આશરે ૯૦ ટકા હિસ્સો હજુ પણ તેના પ્રમોટર્સ (માલિકો) પાસે જ છે. આનો સીધો અર્થ એ થાય કે આ આખી તેજી અને નફાનો સિંહફાળો કંપનીના મૂળ માલિકોના ખાતામાં જ ગયો છે, સામાન્ય રોકાણકારોને આનો બહુ ઓછો લાભ મળ્યો છે.
કંપનીના ફંડામેન્ટલ્સ: અંદરથી ખોખલી છે આર્થિક સ્થિતિ?
જ્યારે કોઈ શેરનો ભાવ આટલી ઝડપથી વધે ત્યારે તેની પાછળ કંપનીનો બિઝનેસ ગ્રોથ હોવો જરૂરી છે. પરંતુ સ્વાન ડિફેન્સના ફંડામેન્ટલ્સ તદ્દન વિપરીત ચિત્ર રજૂ કરે છે. ગ્રો (Groww) એપના સત્તાવાર ડેટા અનુસાર કંપનીની નાણાકીય સ્થિતિ નીચે મુજબ છે:
| ફંડામેન્ટલ પેરામીટર | વર્તમાન વેલ્યુ / આંકડો |
| કુલ માર્કેટ કેપ | ₹૯,૮૧૦ કરોડ |
| P/B (પ્રાઇસ ટુ બુક) રેશિયો | ૪૦.૦૫ |
| ઇન્ડસ્ટ્રી P/E | ૬૮.૭૪ |
| ડેટ-ટુ-ઇક્વિટી રેશિયો (દેવું) | ૧૦.૬૭ |
| ROE (રિટર્ન ઓન ઇક્વિટી) | -૫૧.૮૦% |
| EPS (અર્નિંગ પર શેર – TTM) | -૨૦.૨૪ |
| બુક વેલ્યુ | ૪૬.૫૦ |
| ફેસ વેલ્યુ | ૧૦ |
| ડિવિડન્ડ યીલ્ડ | ૦.૦૦% |
આ કોષ્ટક સ્પષ્ટ કરે છે કે કંપનીનો ROE (Return on Equity) માઇનસ ૫૧.૮૦% છે, જે દર્શાવે છે કે કંપની રોકાણકારોની મૂડી પર વળતર આપવાને બદલે નુકસાન કરી રહી છે. તેમજ શેર દીઠ કમાણી (EPS) પણ માઇનસ ૨0.૨૪ છે. કંપની પર દેવાનો બોજ (Debt-to-Equity) ૧૦.૬૭ છે, જે સામાન્ય મર્યાદા કરતાં ઘણો વધારે અને જોખમી છે.
ત્રિમાસિક પરિણામો: આવક કરતાં ત્રણ ગણું વધારે નુકસાન
કંપનીની નાણાકીય તંદુરસ્તી ત્રિમાસિક ગાળાના પરિણામોમાં સંપૂર્ણપણે નબળી સાબિત થઈ છે. તાજેતરની ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ માત્ર ₹૧૧ કરોડની કુલ આવક (Revenue) મેળવી હતી, જેની સામે કંપનીને ₹૩૩.૧૧ કરોડનું મોટું ચોખ્ખું નુકસાન (Loss) થયું છે. એટલે કે કંપની પોતાની આવક કરતાં ત્રણ ગણી વધુ ખોટ કરી રહી છે.
આ નુકસાન માત્ર કોઈ એક ક્વાર્ટર પૂરતું મર્યાદિત નથી, પરંતુ છેલ્લા ઘણા સમયથી સતત ચાલી રહ્યું છે:
-
સપ્ટેમ્બર ક્વાર્ટર: ₹૨0 કરોડનું નુકસાન
-
જૂન ક્વાર્ટર: આશરે ₹૩૧ કરોડનું નુકસાન
-
માર્ચ ક્વાર્ટર: આશરે ₹૨૩ કરોડનું નુકસાન
સતત કરોડો રૂપિયાની ખોટ કરતી કંપનીનો શેરભાવ ₹૧,૯૦૦ ને પાર થઈ જાય, તે બાબત બજારના નિયમો અને તર્કથી તદ્દન પરે છે.
શેરહોલ્ડિંગ પેટર્ન: રિટેલ રોકાણકારો પાસે માત્ર નામનો હિસ્સો
આ કંપનીની શેરહોલ્ડિંગ પેટર્ન (Shareholding Pattern) પર નજર નાખતા સમજાય છે કે બજારમાં આ શેરના સપ્લાય પર કોનું નિયંત્રણ છે. કંપનીમાં સિંહફાળો એટલે કે ૮૯.૯% હિસ્સો માત્ર કંપનીના પ્રમોટર્સ પાસે જ સુરક્ષિત છે.
બાકી બચેલા હિસ્સામાં સંસ્થાકીય રોકાણકારોની વાત કરીએ તો, મ્યુચ્યુઅલ ફંડ્સ (MF) પાસે ૧.૭% અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) પાસે માત્ર 0.૬% હિસ્સો છે. દેશના નાના અને સામાન્ય રિટેલ રોકાણકારો પાસે આ કંપનીમાં માત્ર ૭.૪% હિસ્સો જ ઉપલબ્ધ છે. પ્રમોટર્સ પાસે ૯૦% જેટલો જંગી હિસ્સો હોવાને કારણે બજારમાં શેરનું ટ્રેડિંગ વોલ્યુમ ઓછું હોઈ શકે છે, જે શેરના ભાવને આસાનીથી ઉપર લઈ જવામાં મદદરૂપ બન્યું હોઈ શકે.

