ઇલેક્ટ્રિક કાર લૉન્ચ કરતાં જ Ferrari ને લાગ્યો મોટો ઝટકો: મોં ના ભરે પટકાયા શેર, આ રહ્યું અસલી કારણ
દુનિયાભરમાં હાઈ-પરફોર્મન્સ પેટ્રોલ એન્જિન અને સ્પીડના શોખીનોની ફેવરિટ ગણાતી સુપરકાર બ્રાન્ડ ફેરારી (Ferrari) એ ઓટોમોબાઈલ ઇતિહાસમાં એક બહુ મોટું પગલું ભર્યું છે. કંપનીએ લાંબા ઈંતઝાર બાદ પોતાની પ્રથમ સંપૂર્ણ ઇલેક્ટ્રિક કાર (All-Electric Car) લૉન્ચ કરી દીધી છે, જેને ‘Luce’ (લૂસે) નામ આપવામાં આવ્યું છે. ઇટાલિયન ભાષામાં ‘લૂસે’ નો અર્થ થાય છે ‘પ્રકાશ’ અથવા ‘રોશની’.
ફેરારીના ઇતિહાસમાં આ લૉન્ચિંગને એક ક્રાંતિકારી વળાંક માનવામાં આવી રહ્યો હતો, કારણ કે આ બ્રાન્ડ દાયકાઓથી માત્ર પોતાના ગર્જના કરતા પેટ્રોલ એન્જિન (V12) માટે જ જાણીતી છે. જો કે, આ ઐતિહાસિક લૉન્ચિંગ બાદ કંપનીને રોકાણકારો (Investors) તરફથી બહુ સારો પ્રતિસાદ મળ્યો નથી. ‘CNBC’ ના અહેવાલ મુજબ, ૨૬ મે ૨૦૨૬ ના રોજ આ કાર લોન્ચ થતાની સાથે જ મિલાન (Milan) સ્ટોક માર્કેટમાં ફેરારીના શેર ૮ ટકાથી વધુ તૂટી ગયા હતા, જ્યારે ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં પણ કંપનીના શેરમાં ૫ ટકાથી વધુનો મોટો ઘટાડો નોંધાયો હતો.
5 કરોડની કિંમત અને ફેરારીના ઇતિહાસની પ્રથમ ‘૫-સીટર’ કાર
નવી ફેરારી ‘Luce’ ની કિંમત આશરે ૬.૪ લાખ ડોલર રાખવામાં આવી છે, જે ભારતીય ચલણમાં અંદાજે ૫ કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે. આ કારની સૌથી અનોખી અને ચર્ચાસ્પદ બાબત એ છે કે આ ફેરારીના ઈતિહાસની પ્રથમ ૫-સીટર (5-Seater) કાર છે. અત્યાર સુધી ફેરારી માત્ર ૨-સીટર અથવા બહુ-બહુ તો ૪-સીટર સ્પોર્ટ્સ કાર બનાવવા માટે જાણીતી હતી.
આ કારનું ડિઝાઇનિંગ સામાન્ય ફેરારી મોડલ્સ કરતાં તદ્દન અલગ અને ફ્યુચરિસ્ટિક (ભવિષ્યલક્ષી) છે. ફેરારીએ આ કારના આઉટલુક પર ખાસ કામ કરવા માટે એપલ (Apple) કંપનીના ભૂતપૂર્વ ડિઝાઇન હેડ જ્હોની આઇવની પ્રખ્યાત ડિઝાઇન એજન્સી ‘LoveFrom’ સાથે હાથ મિલાવ્યા હતા. કદાચ આ જ કારણે કારનો લુક ટ્રેડિશનલ સ્પોર્ટ્સ કાર જેવો લાગવાને બદલે એક આધુનિક લક્ઝરી ગેજેટ જેવો દેખાય છે.
સોશિયલ મીડિયા પર ડિઝાઇનની આકરી ટીકા: કેમ તૂટ્યા શેર?
જેવી આ કાર દુનિયાની સામે આવી કે તરત જ સોશિયલ મીડિયા પર ઓટો-એક્સપર્ટ્સ અને કાર પ્રેમીઓ વચ્ચે એક મોટી ચર્ચા શરૂ થઈ ગઈ. ઇન્ટરનેટ પર ઘણા યૂઝર્સે આ કારની ડિઝાઇનની આકરી આલોચના કરી છે. ઘણા કટ્ટર ફેરારી ફેન્સનું માનવું છે કે લૂસેના અજીબોગરીબ લુકને કારણે ફેરારી પોતાની અસલી ઓળખ (Aggressive Sporty DNA) ગુમાવી રહી છે.
કેટલાક યૂઝર્સે તો તેની સરખામણી જગુઆર (Jaguar) ના નવા ઇલેક્ટ્રિક મોડલ સાથે પણ કરી દીધી અને કટાક્ષ કર્યો કે યુરોપની લક્ઝરી કાર કંપનીઓ હવે પોતાની જૂની અને પ્રતિષ્ઠિત બ્રાન્ડ વેલ્યુથી દૂર જઈ રહી છે. જો કે, બધા લોકો તેના વિરોધમાં નથી. બીજી તરફ, ટેકનોલોજી અને ડિઝાઇનના શોખીનો આ કારના વખાણ પણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ફેરારીએ ભવિષ્યની બદલાતી દુનિયાને ધ્યાનમાં રાખીને એક બહાદુરીભર્યું પગલું ભર્યું છે અને આ ડિઝાઇન ઉદ્યોગ માટે એક નવું ઉદાહરણ સાબિત થશે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આ નકારાત્મક ચર્ચા અને આશંકાઓને કારણે શેરબજારમાં રોકાણકારોનો ભરોસો ડગમગ્યો અને શેરમાં મોટો કડાકો જોવા મળ્યો.
5 વર્ષની સખત મહેનત અને અદભુત પરફોર્મન્સ
ફેરારીના સીઈઓ (CEO) બેનેડેટ્ટો વિજ્ઞાએ આ કાર વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ‘Luce’ ને તૈયાર કરવામાં કંપનીને પૂરા પાંચ વર્ષનો સમય લાગ્યો છે. આ કોઈ ઉતાવળમાં લેવાયેલો નિર્ણય નથી, પરંતુ એક લાંબા રિસર્ચનું પરિણામ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે કારના તમામ મુખ્ય સ્પેરપાર્ટ્સ અને ટેકનોલોજી કંપનીએ પોતે પોતાની ફેક્ટરીમાં જ ડેવલપ કર્યા છે, જેથી ભવિષ્યમાં આ કારની સર્વિસિંગ, ગુણવત્તા અને રીસેલ વેલ્યુ (Resale Value) જળવાઈ રહે.
ઇલેક્ટ્રિક હોવા છતાં આ કાર સ્પીડના મામલામાં અસલી ફેરારી જ છે. આ કારમાં દરેક વ્હીલ (પૈડા) માટે અલગ-અલગ ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે. પાવરના મામલે આ કાર એટલી પ્રચંડ છે કે તે માત્ર ૨.૫ સેકન્ડમાં ૦ થી ૯૬ કિલોમીટર પ્રતિ કલાકની સુપરફાસ્ટ ઝડપ પકડી શકે છે. એટલે કે, ઇલેક્ટ્રિક હોવા છતાં પણ તેની પરફોર્મન્સ સાથે કોઈ જ સમાધાન કરવામાં આવ્યું નથી.
ગ્લોબલ EV માર્કેટની કટોકટી અને હરીફોનું વલણ
હાલના સમયમાં વૈશ્વિક સ્તરે ઇલેક્ટ્રિક કાર માર્કેટ બહુ મોટા પડકારોમાંથી પસાર થઈ રહ્યું છે. દુનિયાભરમાં ઇલેક્ટ્રિક કારોની ડિમાન્ડ ધારી હતી એટલી વધી નથી રહી. આ જ કારણે ફેરારીની કટ્ટર હરીફ ગણાતી લેમ્બોર્ગિની (Lamborghini) જેવી કંપનીઓએ પોતાના ફુલી-ઇલેક્ટ્રિક પ્લાન્સને હાલ પૂરતા પડતા મૂક્યા છે અથવા પાછળ ધકેલી દીધા છે અને તેઓ હવે હાઇબ્રિડ (પેટ્રોલ+બેટરી) મોડલ્સ પર વધુ ફોકસ કરી રહ્યા છે. પોર્શે (Porsche) કંપનીએ પણ પોતાની ઇલેક્ટ્રિક વ્યુહરચનામાં ફેરફાર કરવો પડ્યો છે.
આ સિવાય, ચીનની ઇલેક્ટ્રિક કાર કંપનીઓ (જેમ કે BYD અને Xiaomi) બહુ જ ઓછી કિંમતમાં આધુનિક ઇલેક્ટ્રિક કારો માર્કેટમાં ઉતારી રહી છે, જેના કારણે યુરોપ અને અમેરિકાની મોટી લક્ઝરી બ્રાન્ડ્સ પર સખત પ્રેશર ઊભું થયું છે. રોકાણકારોને ડર છે કે આવા કપરા સમયમાં ફેરારીનું આટલું મોંઘું ઇલેક્ટ્રિક મોડલ કદાચ માર્કેટમાં ધાર્યું પ્રદર્શન ન કરી શકે.
શું પેટ્રોલ એન્જિન બંધ થઈ જશે?
રોકાણકારો અને ચાહકોની ચિંતા દૂર કરતા ફેરારીએ સ્પષ્ટતા કરી છે કે તેઓ માત્ર અને માત્ર ઇલેક્ટ્રિક કારો પર નિર્ભર થવા જઈ રહ્યા નથી. કંપની ભવિષ્યમાં પણ પોતાની આઇકોનિક પેટ્રોલ એન્જિન કારો અને હાઇબ્રિડ મોડલ્સનું વેચાણ ચાલુ જ રાખશે. ‘Luce’ માત્ર એવા ગ્રાહકો માટે એક નવો ઓપ્શન છે જેઓ પર્યાવરણની સાથે લક્ઝરી અને સ્પીડ ઇચ્છે છે.

