સ્વિટ્ઝર્લૅન્ડમાં ભણવાનું સપનું થશે પૂરું! ETH Zurich આપશે દર સેમેસ્ટરે રૂ. 15 લાખથી વધુની સ્કોલરશિપ, જાણો કેવી રીતે કરશો અરજી
ETH Zurich દ્વારા આપવામાં આવતી આ સ્કોલરશિપનું નામ એક્સેલન્સ સ્કોલરશિપ એન્ડ ઓપોર્ચ્યુનિટી પ્રોગ્રામ (ESOP) છે. આ યોજના ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી છે. સ્કોલરશિપ મેળવનારા વિદ્યાર્થીઓને આર્થિક સહાયની સાથે માર્ગદર્શન (Mentorship) અને ETH Foundationના નેટવર્ક સાથે જોડાવાની તક પણ મળે છે.
યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, આ સ્કોલરશિપ હેઠળ 2027ના પાનખર સેમેસ્ટરથી પસંદગી પામેલા વિદ્યાર્થીઓને દર સેમેસ્ટરે 13,500 સ્વિસ ફ્રેંક આપવામાં આવશે. ભારતીય ચલણ પ્રમાણે આ રકમ આશરે રૂ. 15.4 લાખ જેટલી થાય છે. આ ઉપરાંત માસ્ટર ડિગ્રીની ટ્યુશન ફી પણ માફ કરવામાં આવશે. આર્થિક સહાય સામાન્ય રીતે ત્રણથી ચાર સેમેસ્ટરના અભ્યાસકાળ દરમિયાન મળશે.
કોણ કરી શકશે અરજી?
આ સ્કોલરશિપ માટે દરેક વિદ્યાર્થી અરજી કરી શકશે નહીં. ETH Zurichએ પસંદગી માટે કેટલાક ખાસ માપદંડ નક્કી કર્યા છે.
- અરજદાર પાસે માન્ય બેચલર ડિગ્રી હોવી જોઈએ.
- બેચલર અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીએ પોતાના વર્ગના ટોચના 10 ટકા વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવેલું હોવું જોઈએ.
- યુનિવર્સિટીના માપદંડ પ્રમાણે શૈક્ષણિક પરિણામ ગ્રેડ Aની સમકક્ષ હોવું જરૂરી છે.
- ઉમેદવારની શૈક્ષણિક ક્ષમતા અને સંશોધન કરવાની યોગ્યતાને પણ મહત્ત્વ આપવામાં આવશે.
જે વિદ્યાર્થીઓ પહેલેથી ETH Zurichમાં માસ્ટર ડિગ્રી કરી રહ્યા છે અથવા જેમની પાસે અગાઉથી માસ્ટર ડિગ્રી છે, તેઓ આ સ્કોલરશિપ માટે પાત્ર ગણાશે નહીં.
અરજી માટે કયા દસ્તાવેજો જરૂરી છે?
સ્કોલરશિપ માટે અરજી કરતી વખતે વિદ્યાર્થીઓએ માસ્ટર ડિગ્રીમાં પ્રવેશ માટે જરૂરી તમામ દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. આ ઉપરાંત માસ્ટર થીસિસ માટેનો એક સંશોધન પ્રસ્તાવ (Research Proposal) પણ તૈયાર કરવો પડશે.
આ પ્રસ્તાવ વિદ્યાર્થીએ જાતે તૈયાર કરવાનો રહેશે અને તેમાં વૈજ્ઞાનિક સંદર્ભો આપવાની યોગ્ય પદ્ધતિનું પાલન કરવું પડશે.
જો સંબંધિત માસ્ટર પ્રોગ્રામમાં રેફરન્સ લેટરની માગણી કરવામાં આવતી ન હોય, તો ESOP અરજી માટે બે પ્રોફેસરોની વિગતો આપવી પડશે. આ પ્રોફેસરો દ્વારા ભલામણ પત્ર (Recommendation Letter) અપલોડ કરવામાં આવશે.
અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
શૈક્ષણિક વર્ષ 2027-28 માટે અરજી પ્રક્રિયા 1 નવેમ્બર, 2026થી શરૂ થઈ છે. ઇચ્છુક વિદ્યાર્થીઓ 30 નવેમ્બર, 2026ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી (મધ્ય યુરોપિયન સમય મુજબ) અરજી કરી શકશે.
અરજી ETH Zurichના સત્તાવાર eApply પોર્ટલ દ્વારા કરવાની રહેશે. ખાસ વાત એ છે કે આંતરરાષ્ટ્રીય બેચલર ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે આ પ્રથમ અરજી વિન્ડોમાં અરજી કરવી ફરજિયાત છે.

પસંદગી અંગેનો નિર્ણય માર્ચ 2027ના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે. પસંદગી પામેલા વિદ્યાર્થીઓનો અભ્યાસ સપ્ટેમ્બર 2027થી શરૂ થનારા પાનખર સેમેસ્ટરમાં થશે.
ક્યાંથી મળશે વધુ માહિતી?
વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છતા અને શૈક્ષણિક રીતે ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓ માટે આ એક સારી તક છે. જોકે, સ્કોલરશિપ મર્યાદિત વિદ્યાર્થીઓને જ આપવામાં આવે છે, તેથી પસંદગીની પ્રક્રિયા અત્યંત સ્પર્ધાત્મક છે. અરજી કરતાં પહેલાં સંબંધિત માસ્ટર પ્રોગ્રામની લાયકાત, જરૂરી દસ્તાવેજો અને તમામ શરતો ધ્યાનપૂર્વક તપાસવી જરૂરી છે.
વધુ માહિતી અને અરજી માટે ETH Zurichની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો:
https://ethz.ch/students/en/studies/financial/scholarships/excellencescholarship.html

