ગાડી આઇઝનકોટ સંભાળશે ઇઝરાયેલની કમાન? ઈરાન સામે રાષ્ટ્રપતિએ આપ્યો કડક સંદેશ!
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને ઈરાન સાથેના વધતા તણાવ વચ્ચે ઇઝરાયેલના રાજકારણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કટ્ટર રાજકીય હરીફ અને ઇઝરાયેલના પૂર્વ સેનાપ્રમુખ ગાદી આઇઝનકોટને હવે નવી સરકાર બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગે 8 નવેમ્બરે તેમને સરકાર રચવા માટે સત્તાવાર આમંત્રણ આપ્યું હતું. આઇઝનકોટને 67 સાંસદોનું સમર્થન મળ્યું છે. તેમણે દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય કટોકટીની સરકાર બનાવવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં, તેમણે નેતન્યાહૂના પક્ષને પણ પોતાની સાથે જોડાવા આમંત્રણ આપ્યું છે.
જોકે, આઇઝનકોટ માટે સરકાર બનાવવાનો રસ્તો સરળ નથી. સંસદમાં બહુમતી મેળવવા માટે તેમને અલગ-અલગ રાજકીય પક્ષો વચ્ચે સહમતી બનાવવી પડશે. બીજી તરફ, રાષ્ટ્રપતિ હર્ઝોગે ઈરાન તરફથી સતત મળી રહેલી ધમકીઓને ગંભીર ગણાવીને કહ્યું છે કે આ સુરક્ષા પડકારનો તાત્કાલિક સામનો કરવાની જરૂર છે.

67 સાંસદોનું સમર્થન, આઇઝનકોટને મળી સરકાર બનાવવાની તક
ઇઝરાયેલમાં 27 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણી બાદ કોઈપણ પક્ષ કે ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. આ ચૂંટણીમાં નેતન્યાહૂના લિકુડ પક્ષે એકલાં પક્ષ તરીકે સૌથી વધુ 27 બેઠકો મેળવી હતી. જોકે, તેમના ધાર્મિક અને રાષ્ટ્રવાદી પક્ષોના ગઠબંધનને કુલ 53 બેઠકો જ મળી હતી. બીજી તરફ, ગાદી આઇઝનકોટના યશાર પક્ષને 21 બેઠકો મળી હતી અને તેમના સાથેના ચાર પક્ષોના ગઠબંધન પાસે 48 બેઠકો હતી. અરબ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા બે પક્ષોને મળીને 19 બેઠકો મળી હતી.
ઇઝરાયેલની સંસદ એટલે કે નેસેટમાં કુલ 120 બેઠકો છે અને સરકાર બનાવવા માટે 61 સાંસદોનું સમર્થન જરૂરી છે. રાષ્ટ્રપતિ હર્ઝોગ સાથેની ચર્ચા દરમિયાન કુલ 67 સાંસદોએ આઇઝનકોટને સરકાર બનાવવાની ભલામણ કરી હતી, જ્યારે 46 સાંસદોએ નેતન્યાહૂના સમર્થનમાં મત વ્યક્ત કર્યો હતો.
આ સમર્થનના આધારે રાષ્ટ્રપતિએ આઇઝનકોટને સરકાર બનાવવાની તક આપી છે. કાયદા પ્રમાણે તેમને સરકાર રચવા માટે 28 દિવસનો સમય મળશે. જરૂર પડે તો રાષ્ટ્રપતિ વધુ 14 દિવસનું એક્સ્ટેન્શન પણ આપી શકે છે. એટલે કે આગામી દિવસોમાં ઇઝરાયેલના રાજકારણમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ અને બેઠકો જોવા મળી શકે છે.
નેતન્યાહૂને પણ સાથે આવવાનું આમંત્રણ, દેશની સ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા
સરકાર બનાવવાની જવાબદારી મળ્યા બાદ આઇઝનકોટએ કહ્યું કે ઇઝરાયેલ હાલમાં અત્યંત મુશ્કેલ અને નિર્ણાયક સમયમાંથી પસાર થઈ રહ્યું છે. દેશ અનેક મોરચે સુરક્ષા પડકારોનો સામનો કરી રહ્યો છે. સૈન્યના કેટલાક લક્ષ્યો હજુ પૂર્ણ થયા નથી અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઇઝરાયેલ સામે રાજદ્વારી પડકારો વધી રહ્યા છે.
તેમણે દેશની આંતરિક રાજકીય સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમના મતે, ઇઝરાયેલનું લોકશાહી માળખું નબળું પડી રહ્યું છે અને સરકારી સંસ્થાઓ પર લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે. આવી સ્થિતિમાં વારંવાર ચૂંટણી યોજવાને બદલે તમામ પક્ષોએ સાથે મળીને રાષ્ટ્રીય કટોકટીની સરકાર બનાવવી જોઈએ.
આઇઝનકોટએ ખાસ કરીને નેતન્યાહૂના લિકુડ પક્ષ અને ધાર્મિક ઝાયોનિઝમ પાર્ટીને પોતાની સરકારને સમર્થન આપવા અપીલ કરી છે. તેમનું કહેવું છે કે જો આ પક્ષો ખરેખર રાષ્ટ્રીય એકતા ઇચ્છતા હોય તો તેમણે સરકાર રચવામાં સહયોગ આપવો જોઈએ. જોકે, તેમણે ઇતામાર બેન ગ્વિરની ઓત્ઝમા યેહુદિત પાર્ટીને સાથે લેવાનો સ્પષ્ટ પ્રસ્તાવ આપ્યો નથી.
આઇઝનકોટએ સંભવિત સહયોગી પક્ષોને પણ ચેતવણી આપી હતી કે વ્યક્તિગત રાજકીય લાભ માટે સરકાર રચવામાં અવરોધ ઊભો કરવો દેશના હિતમાં નહીં હોય. સરકાર બનાવવા માટે દરેક પક્ષે કેટલીક બાબતોમાં સમાધાન કરવું પડશે.

ઈરાનની ધમકીઓથી ચિંતા, રાષ્ટ્રપતિએ તાત્કાલિક પગલાં લેવાની જરૂર જણાવી
આ રાજકીય ઘટનાક્રમ વચ્ચે ઈરાન સાથેનો તણાવ પણ ઇઝરાયેલ માટે મોટો પડકાર બની રહ્યો છે. રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગે આઇઝનકોટને સરકાર બનાવવાનું આમંત્રણ આપતી વખતે ઈરાન તરફથી મળતી ધમકીઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ઈરાને પોતાની ધમકીઓ એક ક્ષણ માટે પણ બંધ કરી નથી અને આ મુદ્દા પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.
હર્ઝોગે ગાઝા માટેની 20 મુદ્દાની યોજનાને આગળ વધારવા અને લેબનોન સહિત આસપાસના દેશો સાથે વાતચીત ચાલુ રાખવા પર પણ ભાર મૂક્યો હતો. તેમનું માનવું છે કે નવી સરકારે દેશની અંદર એકતા અને વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાની સાથે આંતરરાષ્ટ્રીય સંબંધોને પણ મજબૂત બનાવવા પડશે.
નોંધનીય છે કે ગાદી આઇઝનકોટ ઇઝરાયેલના પૂર્વ સેનાપ્રમુખ રહી ચૂક્યા છે. તેઓ નેતન્યાહૂની યુદ્ધનીતિ અને સરકારના કેટલાક નિર્ણયો સામે અગાઉ પણ અવાજ ઉઠાવી ચૂક્યા છે. હવે તેમના હાથમાં સરકાર રચવાની જવાબદારી આવતાં ઇઝરાયેલની સુરક્ષા અને વિદેશ નીતિમાં કેવા ફેરફારો થાય છે તેના પર સમગ્ર વિશ્વની નજર રહેશે.
