દેવાના ડુંગરમાં દબાયું પાકિસ્તાન: આંતરરાષ્ટ્રીય રિપોર્ટે ખોલ્યા દેશના સૌથી મોટા રાઝ!
કંગાળી અને આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાડોશી દેશ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અત્યંત દયનીય સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. તાજેતરમાં જ સામે આવેલી એક રિપોર્ટમાં પાકિસ્તાનના ગંભીર નાણાકીય સંકટની ચોંકાવનારી વાતો બહાર આવી છે. આ રિપોર્ટ મુજબ, પાકિસ્તાનનું કુલ વિદેશી દેવું છેલ્લા એક દાયકામાં લગભગ બમણું થઈને વર્ષ ૨૦૨૫ સુધીમાં ૧૩૫.૧ અબજ ડૉલર સુધી પહોંચી ગયું છે. આ આંકડો દર્શાવે છે કે દેશ કઈ હદે આર્થિક ખાડામાં ડૂબી રહ્યો છે.

સમાચાર એજન્સી આઈએએનએસ (IANS) દ્વારા અખબાર ‘ડૉન’ની રિપોર્ટને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૧૫માં પાકિસ્તાનનું કુલ વિદેશી દેવું ૬૮.૭ અબજ ડૉલર હતું, જે વધીને ૨૦૨૫માં ૧૩૫.૧ અબજ ડૉલર થઈ ગયું છે. આમ, માત્ર દસ જ વર્ષના ટૂંકા સમયગાળામાં પાકિસ્તાનના દેવામાં આશરે ૯૭ ટકા જેટલો જબરદસ્ત વધારો નોંધાયો છે.
રિપોર્ટમાં શું ખુલાસો થયો છે?
રિપોર્ટના આંકડાઓ પર નજર કરીએ તો, પાકિસ્તાનના કુલ વિદેશી દેવામાં ૧૦૭.૧ અબજ ડૉલર જાહેર (પબ્લિક) અને સરકારની ગેરંટીવાળા દેવા તરીકે સામેલ છે. આ ઉપરાંત, ૧૭.૬ અબજ ડૉલર ખાનગી ક્ષેત્રના બિન-ગેરંટીવાળા દેવા અને ૧૦.૫ અબજ ડૉલર ટૂંકા ગાળાની જવાબદારીઓ (શોર્ટ-ટર્મ લાયેબિલિટીઝ) છે.
જાહેર ક્ષેત્રની આ જવાબદારીઓમાં બહુપક્ષીય નાણાકીય સંસ્થાઓનો હિસ્સો ૫૬.૮ અબજ ડૉલર છે, જ્યારે વિવિધ દ્વિપક્ષીય (બાયલેટરલ) લેણદારોનો હિસ્સો ૪૨.૪ અબજ ડૉલર જેટલો છે. આ ડેટા સ્પષ્ટ કરે છે કે પાકિસ્તાનની સરકાર આંતરિક તેમજ બાહ્ય સ્તરેથી ભારે માત્રામાં નાણાં ઉધાર લઈ ચૂકી છે.

ચીન પર ૨૨.૪ અબજ ડૉલરનું સૌથી મોટું દેવું બાકી
આ રિપોર્ટમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે ડ્રેગન એટલે કે ચીન, પાકિસ્તાનનો સૌથી મોટો સિંગલ (વ્યક્તિગત) લેણદાર બની ગયો છે. પાકિસ્તાન પર હાલ ચીનનું ૨૨.૪ અબજ ડૉલરનું દેવું બાકી છે.
ચીન પછી વર્લ્ડ બેંક (વિશ્વ બેંક)નો ૧૯.૨ અબજ ડૉલર અને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)નો ૧૬.૮ અબજ ડૉલરનો મોટો હિસ્સો દેવા તરીકે બાકી ચાલી રહ્યો છે. આ આંકડાઓ સાબિત કરે છે કે પાકિસ્તાન પોતાની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે મોટે ભાગે વિદેશી સહાય અને લોન પર જ નિર્ભર થઈ ગયું છે.
વર્ષ ૨૦૨૫ દરમિયાન મળી રાહત અને વૈશ્વિક સ્થિતિ
વર્ષ ૨૦૨૫ દરમિયાન પાકિસ્તાનને મુખ્ય નાણાકીય સંસ્થાઓ અને સહયોગી દેશો તરફથી કેટલીક દેવા રાહતો પણ મળી હતી. જેમાં ચીન દ્વારા ૨ અબજ ડૉલરના દેવાની ચૂકવણીની મુદત લંબાવવી અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)ના સહાયતા કાર્યક્રમો અંતર્ગત ૨.૩ અબજ ડૉલરની રકમ જારી કરવી સામેલ છે. મધ્ય-પૂર્વ, ઉત્તર આફ્રિકા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ક્ષેત્રમાં કુલ રાષ્ટ્રીય આવક (GNI)ના પ્રમાણમાં વિદેશી દેવામાં સૌથી મોટો વધારો નોંધાયો છે.
બીજી તરફ, વૈશ્વિક સ્તરે પણ નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા દેશોનું વિદેશી દેવું વર્ષ ૨૦૨૫માં ૫.૫ ટકા વધીને રેકોર્ડ ૯.૪ લાખ કરોડ ડૉલર પર પહોંચી ગયું છે. સૌથી ગરીબ દેશોમાં દેવાનું સ્તર ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે, જ્યારે લોન લેવાનો ખર્ચ ઊંચો જ જઈ રહ્યો છે. આર્થિક મોરચે સંઘર્ષ કરી રહેલા આ દેશો માટે દેવું ચૂકવવું દિવસેને દિવસે વધુ મુશ્કેલ બનતું જાય છે અને તેમની આર્થિક સ્થિતિ કથળતી જાય છે.
