ભવ સૂર્યવંશીની ઉપેક્ષા? ૨૦૨૮ T20 વર્લ્ડ કપ માટે અંબાતી રાયડુનો ચોંકાવનારો ‘ઓપનિંગ પ્લાન’
આજકાલ ભારતીય ક્રિકેટ જગતમાં જો કોઈ એક નામ સૌથી વધુ ગુંજી રહ્યું હોય, તો તે છે ૧૫ વર્ષનો આશ્ચર્યજનક બેટ્સમેન – વૈભવ સૂર્યવંશી. IPL 2026ની આખી સીઝનમાં આ છોકરાએ જે રીતે બેટિંગ કરી છે, તેણે ક્રિકેટના દિગ્ગજોને મોંમાં આંગળા નાખવા મજબૂર કરી દીધા છે. વૈભવ સૂર્યવંશી એક જ IPL સીઝનમાં ૭૦૦થી વધુ રન બનાવનારો ઇતિહાસનો પહેલો ‘અનકેપ્ડ’ (જે હજુ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી તેવો) ભારતીય ખેલાડી બન્યો છે. તેણે ૧૬ ઇનિંગ્સમાં ૨૩૭.૩૧ના માઇન્ડ-બ્લોઇંગ સ્ટ્રાઇક રેટથી ૭૭૬ રન ફટકારીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી લીધી, જેમાં એક આક્રમક સદી અને પાંચ અર્ધસદી સામેલ છે.
આટલા શાનદાર પ્રદર્શન પછી આખા દેશમાં એક જ અવાજ ઉઠી રહ્યો છે કે વૈભવને તાત્કાલિક ભારતીય ટીમની બ્લુ જર્સી પહેરાવી દેવી જોઈએ અને ઓપનર તરીકે ટીમમાં સામેલ કરવો જોઈએ. પરંતુ, આ બધા શોરબકોર વચ્ચે ભારતના પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુ કંઈક અલગ જ વિચારી રહ્યા છે. રાયડુએ ભવિષ્યની ભારતીય T20 ટીમ માટે જે ઓપનિંગ જોડી પસંદ કરી છે, તેમાં વૈભવ સૂર્યવંશીનું નામ જ નથી!
રાયડુની નજરમાં વૈભવ, અભિષેક કે સંજુ નહીં… પણ આ જોડી બેસ્ટ છે!
‘ESPNCricinfo’ સાથેની ખાસ વાતચીતમાં જ્યારે અંબાતી રાયડુને વર્ષ ૨૦૨૮માં રમાનારા T20 વર્લ્ડ કપ માટે ભારતની સંભવિત ઓપનિંગ જોડી વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે બધાને ચોંકાવી દીધા. રાયડુએ આજની પેઢીના વિસ્ફોટક ઓપનર્સ જેવા કે અભિષેક શર્મા, ઇશાન કિશન, સંજુ સેમસન કે ખુદ ઓરેન્જ કેપ હોલ્ડર વૈભવ સૂર્યવંશી પર પસંદગીનો કળશ ઢોળ્યો નહીં.
તેના બદલે, રાયડુએ ગુજરાત ટાઇટન્સ (GT)ની સ્થિર અને ભરોસાપાત્ર જોડી શુભમન ગિલ અને સાઈ સુધરસનનું મજબૂત સમર્થન કર્યું છે.
આ જોડી માટે આંકડા પણ સાક્ષી પૂરે છે. IPL 2026માં આ બંનેએ ઓપનિંગ ભાગીદારીમાં ધમાકો કરતા ૮૮૫ રન જોડ્યા છે. તેઓ હવે એક સીઝનમાં ઓપનિંગ જોડી તરીકે સૌથી વધુ રન બનાવવાનો વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સનો (વર્ષ ૨૦૧૬માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે ૯૩૯ રન) ઓલ-ટાઇમ રેકોર્ડ તોડવાથી માત્ર ૫૪ રન દૂર છે. જોકે, રાયડુ માટે આ પસંદગી માત્ર IPLના આંકડા પૂરતી મર્યાદિત નથી, તેની પાછળ એક મોટું વ્યૂહાત્મક કારણ છે.
ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની પિચો પર ગિલ-સુધરસન કેમ જરૂરી?
આગામી T20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની ધરતી પર રમાવાનો છે, જ્યાંની પિચો પર ભારે ગતિ (Pace) અને ઉછાળો (Bounce) જોવા મળે છે. સપાટ પિચો પર સિક્સર મારવી સરળ છે, પણ ઓસ્ટ્રેલિયામાં ટેકનિકની ખરી પરીક્ષા થાય છે.
અંબાતી રાયડુએ લોજિક સમજાવતા કહ્યું:
“આપણે એક એવી ઓપનિંગ જોડી તરફ જોવાની જરૂર છે જે ઓસ્ટ્રેલિયા જઈને ત્યાંની મુશ્કેલ પરિસ્થિતિઓનો મક્કમતાથી સામનો કરી શકે. આ સીઝનમાં કેટલીક પિચો પર ઓસ્ટ્રેલિયા જેવો જ ઉછાળો હતો અને શુભમન તથા સાઈએ જે સરળતાથી ત્યાં બેટિંગ કરી છે તે અદ્ભુત છે. જો આ બંને વર્લ્ડ કપ ટીમમાં ઓપનિંગ કરવા ન જાય, તો મને ખરેખર નવાઈ લાગશે.”
રાયડુએ આગળ ઉમેર્યું કે, ગિલ અને સાઈ સુધરસન એકબીજાની રમતને બહુ સારી રીતે સમજે છે અને લાંબી ભાગીદારી બનાવવામાં માહિર છે. ગિલ હાલમાં ૧૫ મેચમાં ૭૨૨ રન સાથે ઓરેન્જ કેપની રેસમાં બીજા ક્રમે છે, જ્યારે સાઈ સુધરસન ૧૬ ઇનિંગ્સમાં ૭૧૦ રન સાથે ત્રીજા ક્રમે છે. રાયડુના મતે, આ જોડી કોઈપણ પરિસ્થિતિમાં ટીમની ઇનિંગ્સને સંભાળી શકે છે. “હું એમ નથી કહેતો કે બીજા ખેલાડીઓ ખરાબ છે, પણ ઓસ્ટ્રેલિયાની કન્ડિશન પ્રમાણે ગિલ અને સાઈ બીજા બધા કરતાં વધુ યોગ્ય સાબિત થશે.”
વિદેશી દિગ્ગજોની એન્ટ્રી: “ભારત તો બે ટીમો મોકલી શકે છે!”
આ ચર્ચા દરમિયાન ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોચ ટોમ મૂડી તથા પૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન એરોન ફિન્ચ પણ જોડાયા હતા. ભારત પાસે બેટિંગમાં એટલા બધા ઓપ્શન્સ ઉપલબ્ધ છે કે ટોમ મૂડીએ મજાકમાં કહ્યું, “ભારતની બેન્ચ સ્ટ્રેન્થ જોતાં તેઓ વર્લ્ડ કપમાં એકસાથે બે અલગ-અલગ ટીમો મોકલી શકે છે અને બંને ટીમો જીતવાની ક્ષમતા રાખે છે!” એરોન ફિન્ચે પણ સુર પુરાવતા કહ્યું કે ભારતીય ક્રિકેટ પાસે અત્યારે પ્રતિભાનો એટલો મોટો ખજાનો છે કે કોને પસંદ કરવો અને કોને પડતો મૂકવો તે સિલેક્ટર્સ માટે માથાનો દુખાવો બની ગયું છે.
ટોમ મૂડીની ચેતવણી: “IPL અલગ છે, ઇન્ટરનેશનલ ક્રિકેટ અલગ છે”
જોકે, વાતાવરણને થોડું ગંભીર બનાવતા ટોમ મૂડીએ ભારતીય સિલેક્ટર્સ અને ફેન્સને એક મહત્વની ચેતવણી પણ આપી દીધી. તેમણે સ્પષ્ટ કર્યું કે આપણે માત્ર IPLના ચશ્મા પહેરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નિર્ણયો ન લેવા જોઈએ.
ટોમ મૂડીએ જણાવ્યું:
“આપણે બધા IPLના પ્રદર્શન અને તેના રોમાંચથી અંજાઈ જઈએ છીએ, જે સ્વાભાવિક છે. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એક તદ્દન અલગ સ્તરની રમત છે. આજકાલ એવું જોવા મળે છે કે એકાદ સીઝન IPLમાં સારી જાય એટલે ખેલાડીને સીધો ટેસ્ટ કે T20 ટીમમાં એન્ટ્રી મળી જાય છે. IPL માત્ર પ્રતિભાને ઓળખવા માટેનું પ્લેટફોર્મ છે, તેનો અર્થ એ નથી કે સારું રમનાર દરેક ખેલાડીને સીધો જ નેશનલ ટીમમાં મોકલી દેવો. ઇન્ટરનેશનલ લેવલ પર ટકી રહેવા માટે એક મોટી ઈનિંગ કે માત્ર એક સીઝન પૂરતી નથી, ત્યાં લાંબા ગાળાના ક્લાસની જરૂર પડે છે.”

