સુરત બ્રેકિંગ: પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હન્ટ’, સાયબર ફ્રોડ માટે બેંક ખાતા ભાડે આપનાર ૬૮ થી વધુ શખ્સો ઝડપાયા
સુરત પોલીસ દ્વારા સાયબર ગુનેગારોના નેટવર્કને તોડવા માટે એક મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનરની સૂચના હેઠળ ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હાથ ધરીને શહેરભરમાંથી ૬૮ થી વધુ શંકાસ્પદ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ કાર્યવાહી બાદ તમામ આરોપીઓને સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે લાવવામાં આવ્યા છે, જ્યાં તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે.
કમિશનની લાલચમાં બની ગયા ‘મ્યુલ એકાઉન્ટ’ ધારકો
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ આરોપીઓએ પોતાની આર્થિક જરૂરિયાત કે વધારાના કમિશનની લાલચમાં આવીને પોતાના બેંક એકાઉન્ટ્સ સાયબર ફ્રોડ આચરતી ગેંગને ભાડે આપ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, સાયબર ગુનેગારો આ ભાડે લીધેલા બેંક ખાતાઓનો ઉપયોગ ગેરકાયદેસર રીતે મેળવેલા નાણાંની હેરાફેરી કરવા માટે કરતા હતા. જેને પોલીસ ભાષામાં ‘મ્યુલ બેંક એકાઉન્ટ’ તરીકે ઓળખવામાં આવે છે.
સાયબર ફ્રોડના ગુનાઓનો પર્દાફાશ
આ ‘મ્યુલ એકાઉન્ટ’નો ઉપયોગ કરીને વિવિધ સાયબર ફ્રોડના ગુનાઓ આચરવામાં આવ્યા હતા. શહેરના અનેક નાગરિકો સાથે થયેલી છેતરપિંડીના વ્યવહારો આ જ બેંક ખાતાઓ મારફતે થયા હોવાનું તપાસમાં ફલિત થયું છે. પોલીસ હવે એ દિશામાં કામ કરી રહી છે કે આ બેંક ખાતાઓનો ઉપયોગ કરીને પાછળથી મુખ્ય ગુનેગારો કોણ હતા અને તેઓ ક્યાં બેસીને આખું નેટવર્ક ચલાવતા હતા.
પોલીસની કડક કાર્યવાહી
પોલીસ કમિશનર કચેરીએ લાવવામાં આવેલા આ આરોપીઓ પાસેથી પોલીસ હવે સાયબર ગેંગના અન્ય સભ્યો વિશે માહિતી મેળવી રહી છે. આ ઓપરેશનનો મુખ્ય હેતુ સાયબર ગુનાઓમાં વપરાતા નાણાકીય માળખાને તોડવાનો છે. પોલીસના આ આક્રમક અભિયાનને કારણે બેંક ખાતા ભાડે આપનારા અને સાયબર ફ્રોડમાં સહાય કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે ચેતવણી આપી છે કે કમિશનની લાલચમાં આવીને આવી રીતે પોતાના બેંક ખાતા બીજાને આપવા તે પણ એક ગંભીર ગુનો છે અને તેના કારણે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

