કર્ણાટક સરકારમાં મોટો બળવો: વરિષ્ઠ કોંગ્રેસ નેતા રામલિંગા રેડ્ડીએ મંત્રી પદ છોડ્યું
કર્ણાટકમાં નવી સરકારના ગઠન બાદ તરત જ રાજકીય અસ્થિરતાના સંકેતો દેખાવા લાગ્યા છે. મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારની કેબિનેટમાં વિભાગોની વહેંચણી થતાની સાથે જ આંતરિક કલેહ સામે આવ્યો છે. આ કલેહના કારણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ૮ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા રામલિંગા રેડ્ડીએ નારાજ થઈને પોતાના મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ ઘટનાએ કર્ણાટકના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે અને સરકાર સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
શું છે રામલિંગા રેડ્ડીની નારાજગીનું કારણ?
પ્રેસ કોન્ફરન્સમાં રામલિંગા રેડ્ડીએ પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમને મનપસંદ વિભાગ ન મળતા આ આકરો નિર્ણય લેવો પડ્યો છે. તેમણે કહ્યું કે, “૨૦૨૩માં જ્યારે સત્તાની વહેંચણીની વાત થઈ હતી, ત્યારે મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે મને વાયદો કર્યો હતો કે જ્યારે પણ તેઓ મુખ્યમંત્રી બનશે અને કેબિનેટની રચના થશે, ત્યારે મને ‘બેંગલુરુ વિકાસ મંત્રાલય’ની જવાબદારી સોંપવામાં આવશે.”
રેડ્ડીના જણાવ્યા અનુસાર, શપથ ગ્રહણના એક દિવસ પહેલા પણ શિવકુમારે તેમને આ વાયદાની ખાતરી આપી હતી. પરંતુ જ્યારે વિભાગોની સત્તાવાર જાહેરાત થઈ, ત્યારે તેમને ‘બૃહદ અને મધ્યમ સિંચાઈ’ વિભાગ સોંપવામાં આવ્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે આ વિભાગ તેમણે પોતે ક્યારેય નહોતો માંગ્યો, પરંતુ શિવકુમારે સ્વેચ્છાએ વાયદો કર્યો હતો જે તેમણે તોડ્યો છે.
બેઠક છોડીને બહાર નીકળી ગયા હતા રેડ્ડી
ગુરુવારે રાત્રે જ્યારે મુખ્યમંત્રી શિવકુમારે ૧૩ મંત્રીઓને પોતપોતાના વિભાગોની ફાળવણી કરી, ત્યારે રામલિંગા રેડ્ડી પોતાને મળેલી જવાબદારી સાંભળતા જ ગુસ્સે થઈ ગયા હતા. બેઠક દરમિયાન જ તેઓ નારાજગી વ્યક્ત કરીને બહાર નીકળી ગયા હતા. તેમની માંગ ખૂબ જ સ્પષ્ટ હતી: બેંગલુરુ વિકાસ મંત્રાલય સિવાય તેઓ અન્ય કોઈ પણ મંત્રાલય સ્વીકારવા તૈયાર નહોતા. પોતાની આ માંગને અવગણવામાં આવતા તેમણે મંત્રીપદ છોડવાનો નિર્ણય લીધો.
સૂચક રાજીનામું: સમર્થક મારફતે મોકલી પત્ર
એક રસપ્રદ બાબત એ છે કે રામલિંગા રેડ્ડીએ પોતાનું રાજીનામું મુખ્યમંત્રીને રૂબરૂ જઈને આપવાને બદલે પોતાના એક સમર્થક દ્વારા મુખ્યમંત્રીના પ્રધાન સચિવને મોકલાવ્યું હતું. આ પત્રમાં તેમણે ખૂબ જ સંયમિત છતાં મક્કમ ભાષાનો ઉપયોગ કર્યો છે. તેમણે લખ્યું છે કે, “હું મંત્રી પદની જવાબદારી આપવા બદલ પક્ષ અને મુખ્યમંત્રીનો આભારી છું. પરંતુ, મારી અંતરાત્માની વિરુદ્ધ જઈને કામ કરવું મારા માટે મુશ્કેલ છે, તેથી હું મંત્રીપદથી રાજીનામું આપી રહ્યો છું.”
જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર મંત્રીપદ છોડી રહ્યા છે, પક્ષ નહીં. તેઓ એક સામાન્ય ધારાસભ્ય અને કોંગ્રેસના વફાદાર કાર્યકર્તા તરીકે પક્ષ માટે કામ કરવાનું ચાલુ રાખશે. તેમણે આ બાબતે કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ ન હોવાનું જણાવી પક્ષની અંદર વધી રહેલી ખેંચતાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
સરકાર માટે પડકાર અને ભવિષ્યની સ્થિતિ
રામલિંગા રેડ્ડી જેવા અનુભવી અને ૮ વખત વિજેતા બનેલા નેતાનું રાજીનામું કોંગ્રેસ હાઈકમાન્ડ માટે મોટી માથાકૂપ સાબિત થઈ શકે છે. સરકારના શરૂઆતના દિવસોમાં જ આ પ્રકારનો અસંતોષ પક્ષની છબીને નુકસાન પહોંચાડી શકે છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે જો સમયસર આ મુદ્દાનું સમાધાન કરવામાં નહીં આવે, તો અન્ય નારાજ મંત્રીઓ પણ બળવો કરી શકે છે.
બેંગલુરુ વિકાસ મંત્રાલય પર આટલો આગ્રહ શા માટે? આ સવાલના જવાબમાં રાજકીય ગલિયારાઓમાં ચર્ચા છે કે બેંગલુરુનું કદ અને ત્યાંની નાણાકીય બાબતો આ વિભાગને ખૂબ જ મહત્વનું બનાવે છે. રામલિંગા રેડ્ડીના પ્રભાવને જોતા, તેઓ ઈચ્છતા હતા કે શહેરના વિકાસમાં તેમની ભૂમિકા મજબૂત હોય.

