તમિલનાડુમાં રાજકીય ભૂકંપ: કે. અન્નામલાઈનું ભાજપમાંથી રાજીનામું, હવે પોતાની નવી પાર્ટી બનાવશે
તમિલનાડુના રાજકારણમાં એક અત્યંત મહત્વનો વળાંક આવ્યો છે. રાજ્યના ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ આઈપીએસ અધિકારી કે. અન્નામલાઈએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપી દીધું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીને તેમનું રાજીનામું સ્વીકારી લેતા જ તમિલનાડુના રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચી ગયો છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર પૂર્ણવિરામ મુકતા, અન્નામલાઈએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે પોતાની નવી રાજકીય પાર્ટી લોન્ચ કરવા જઈ રહ્યા છે.
નિર્ણય પાછળનું સત્ય: અચાનક લેવાયેલું પગલું નથી
અન્નામલાઈના રાજીનામાને લોકો ઉતાવળિયો નિર્ણય માની રહ્યા છે, પરંતુ સત્ય એ છે કે આ અંગેની વિચારણા ઘણા સમયથી ચાલી રહી હતી. રાજીનામા બાદ જાહેર કરેલા વીડિયો સંદેશમાં અન્નામલાઈએ ખુલાસો કર્યો કે તેઓ આ નિર્ણય વિશે પક્ષના ટોચના નેતૃત્વને ડિસેમ્બર મહિનામાં જ જાણ કરી ચૂક્યા હતા. પક્ષના સૂચન મુજબ, તેમણે તમિલનાડુમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોઈ હતી અને મે મહિના સુધી પક્ષ સાથે જોડાયેલા રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “હવે સમય આવી ગયો છે કે આપણે સાથે મળીને તમિલનાડુની રાજનીતિમાં એક મોટું પરિવર્તન લાવીએ.”
‘સિંઘમ’ ની ઓળખ અને રાજકીય સફર
‘સિંઘમ’ તરીકે જાણીતા કે. અન્નામલાઈની સફર અત્યંત રોમાંચક રહી છે. એક સફળ આઈપીએસ અધિકારી તરીકેની કારકિર્દી છોડીને જ્યારે તેઓ ભાજપમાં જોડાયા, ત્યારે તમિલનાડુમાં પાર્ટી માટે એક નવી આશાનું કિરણ દેખાયું હતું. ૨૦૨૧માં પ્રથમ વખત ચૂંટણી લડ્યા પછી ભલે તેઓ હારી ગયા, પરંતુ પક્ષે તેમનામાં વિશ્વાસ વ્યક્ત કરીને તેમને તમિલનાડુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતા. ત્રણ વર્ષ સુધી તેમણે પાર્ટીને તમિલનાડુના ઘરે-ઘરે પહોંચાડવાનો પ્રયાસ કર્યો. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો વોટ શેર વધારવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી, જોકે પક્ષ એક પણ બેઠક જીતી શક્યો નહોતો.
ચૂંટણીમાં પક્ષનું નબળું પ્રદર્શન અને બદલાતા સમીકરણો
અન્નામલાઈના પક્ષ છોડવા પાછળનું એક મુખ્ય કારણ તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં પક્ષનું કથળતું પ્રદર્શન પણ માનવામાં આવે છે. પક્ષના જૂના નેતાઓની સરખામણીએ ભાજપનો દેખાવ ખૂબ જ નબળો રહ્યો અને તે માત્ર એક બેઠક જીતવા પૂરતો મર્યાદિત રહ્યો. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પછી તેમને પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવીને નૈનાર નાગેન્દ્રનને જવાબદારી સોંપવામાં આવી હતી. તે સમયથી જ એવું માનવામાં આવતું હતું કે અન્નામલાઈ પક્ષમાં હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે.
જ્યારે વિધાનસભા ચૂંટણીમાં તેમને ટિકિટ ન મળી ત્યારે આ અટકળો વધુ તેજ બની હતી. જોકે, અન્નામલાઈએ ત્યારે દાવો કર્યો હતો કે આ તેમનો પોતાનો નિર્ણય હતો કે તેઓ ચૂંટણી ન લડે. તેમણે પક્ષના નેતૃત્વને લેખિતમાં પણ જાણ કરી હતી કે તેઓ ચૂંટણીના મેદાનમાંથી દૂર રહેવા માંગે છે.
નવી પાર્ટી અને નવી આશા
અન્નામલાઈનું નવું રાજકીય સંગઠન આગામી વિધાનસભા ચૂંટણીમાં ચોક્કસપણે ઝંપલાવશે, તેવું તેમણે સ્પષ્ટ કર્યું છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે તમિલનાડુમાં અત્યારે એક મજબૂત વિપક્ષ કે ત્રીજા મોરચાની જરૂર છે, જે કદાચ અન્નામલાઈ પૂરી કરી શકે. સી. જોસેફ વિજયની પાર્ટી ‘ટીવીકે’ના દબદબા વચ્ચે અન્નામલાઈ પોતાની નવી પાર્ટી દ્વારા કયા પ્રકારના સમીકરણો બેસાડશે તે જોવું રસપ્રદ રહેશે.
હૃદયથી હૃદયની વાત
અન્નામલાઈએ ટૂંક સમયમાં જ જનતા સાથે સીધો સંવાદ કરવાનું નક્કી કર્યું છે. તેઓ એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા પોતાની ‘હૃદયથી હૃદયની વાત’ કહેવા માંગે છે. આ સંવાદમાં તેઓ જણાવશે કે તેઓ ભાજપમાં શા માટે ખુશ નહોતા અને તેમની નવી પાર્ટીનો એજન્ડા શું હશે. તેમણે પોતાના સમર્થકોને અપીલ કરી છે કે જેઓ ખરેખર તમિલનાડુની રાજનીતિમાં ફેરફાર ઈચ્છે છે, તેઓ તેમની સાથે જોડાય.

