‘હું ભાજપનો માણસ છું કે તમિલ?’: અન્નામલાઈએ જણાવી દિલની વાત, નવી પાર્ટીની કરી જાહેરાત

5 Min Read

કે. અન્નામલાઈનો મોટો નિર્ણય: ભાજપ સાથે છેડો ફાડી તમિલનાડુમાં નવા રાજકીય આંદોલન અને પક્ષની જાહેરાત

તમિલનાડુના રાજકારણમાં એક બહુ મોટો ગરમાવો આવી ગયો છે. ભાજપના આક્રમક નેતા અને પ્રદેશના ભૂતપૂર્વ પ્રમુખ કે. અન્નામલાઈએ આખરે ભાજપમાંથી સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન દ્વારા તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે, જેની સાથે જ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવ્યો છે. પરંતુ વાત અહીં પૂરી નથી થતી. રાજીનામું આપ્યાના ગણતરીના કલાકોમાં જ અન્નામલાઈએ એક મોટો ધડાકો કર્યો છે. તેમણે તમિલનાડુમાં એક તદ્દન નવા રાજકીય આંદોલનની શરૂઆત કરવાની જાહેરાત કરી છે, જે આગામી પાંચ વર્ષમાં એક સંપૂર્ણ રાજકીય પક્ષનું સ્વરૂપ લેશે અને તમિલનાડુની આગામી વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવશે.

અન્નામલાઈએ સ્પષ્ટ કર્યું છે કે તમિલનાડુની જનતા હવે પરિવર્તન ઝંખી રહી છે અને તેમનો નવો પક્ષ જ આ પરિવર્તન લાવી શકશે. તેમણે પોતાના દિલની વાત શેર કરતા જણાવ્યું કે, રાજીનામું આપવા પાછળ તેમની અંદર એક બહુ મોટો વૈચારિક અને આંતરિક સંઘર્ષ ચાલી રહ્યો હતો.

- Advertisement -

modi.jpg

‘હું ભાજપનો માણસ છું કે તમિલ?’: અન્નામલાઈનો આંતરિક સંઘર્ષ

પોતાના આ ચોંકાવનારા નિર્ણય પાછળનું કારણ જણાવતા અન્નામલાઈએ એક બહુ જ ગંભીર અને સંવેદનશીલ મુદ્દો ઉઠાવ્યો. તેમણે સ્વીકાર્યું કે, “છેલ્લા ઘણા સમયથી મારા મનમાં એક મોટો સંઘર્ષ ચાલી રહ્યો હતો કે હું પહેલા ભાજપનો વ્યક્તિ છું કે તમિલ?” આ આંતરિક ખેંચતાણને કારણે તેમણે ગયા વર્ષે જ એટલે કે 4 ડિસેમ્બર, 2025ના રોજ પાર્ટી નેતૃત્વને કહી દીધું હતું કે તેઓ રાજીનામું આપવા માંગે છે. જોકે, તે સમયે ભાજપ હાઈકમાન્ડે તેમને એપ્રિલ-મે ૨૦૨૬ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણીઓ પૂરી થાય ત્યાં સુધી રોકાઈ જવા અને જવાબદારી સંભાળવા વિનંતી કરી હતી, જેથી ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત ન થાય.

- Advertisement -

પાર્ટીના આદેશને માન આપીને તેઓ રોકાયા, પરંતુ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ ૨ જૂના રોજ તેમણે પોતાનો રાજીનામું પત્ર મોકલી આપ્યો હતો. અન્નામલાઈએ પોતાના પત્રમાં તમિલનાડુની માટી, ત્યાંની સંસ્કૃતિ અને ભાષા પ્રત્યેના પોતાના અતૂટ પ્રેમને ઉજાગર કર્યો છે. તેમણે લખ્યું કે, તેઓ પ્રાદેશિક આકાંક્ષાઓને માન આપનારા એક સાચા રાષ્ટ્રવાદી છે. ભારત ત્યારે જ મજબૂત બની શકે જ્યારે દેશના દરેક પ્રદેશ અને સમુદાયના ગૌરવ તેમજ વારસાનું સન્માન થાય.

રાષ્ટ્રીય પક્ષો સામે સવાલ: ‘તેઓ તમિલનાડુની ભાષા નથી સમજતા’

અન્નામલાઈએ દિલ્હી કેન્દ્રિત રાષ્ટ્રીય પક્ષોની કાર્યશૈલી સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કોઈ પણ સંકોચ વિના જણાવ્યું કે, દેશના મોટા રાષ્ટ્રીય પક્ષોએ ક્યારેય એવી ભાષા કે પ્રાદેશિક ભાવનાઓ સાથે સંવાદ સાધ્યો નથી જે તમિલનાડુના સામાન્ય લોકો સરળતાથી સમજી શકે કે અપનાવી શકે. અન્નામલાઈએ દાવો કર્યો કે તેમણે ભાજપમાં રહીને આ સ્થિતિ અને માનસિકતા બદલવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસો દરમિયાન તેમને પક્ષની અંદરથી અને બહારથી અનેક અવરોધો, મુશ્કેલીઓ અને વિરોધનો સામનો કરવો પડ્યો હતો, તેમ છતાં તેઓ અમુક અંશે સફળ પણ રહ્યા હતા.

તેમણે ઉમેર્યું કે છેલ્લા ૧૮ મહિનાથી પક્ષના ટોચના નેતૃત્વ સાથે વૈચારિક મતોમાં “અસંમતિ” વધી ગઈ હતી. તેમના વિચારો અને આગળ વધવાની ગણતરીઓ હવે ભાજપની લાઇન સાથે મેળ ખાતી ન હતી. તેઓ તમિલનાડુની ધરતી પર એક એવી રાજનીતિ કરવા માંગતા હતા જે વિકાસલક્ષી હોવાની સાથે સાંસ્કૃતિક રીતે પ્રાદેશિક મૂળ સાથે જોડાયેલી હોય. પોતાના આ વિચારોનો બોજ તેઓ કેન્દ્રીય નેતૃત્વ પર વધુ સમય નાખવા નહોતા માંગતા, તેથી તેમણે સન્માનજનક રીતે જુદા થવાનો માર્ગ પસંદ કર્યો.

- Advertisement -

modi1.jpg

તમિલનાડુમાં ભાજપનું નબળું પ્રદર્શન અને AIADMK સાથેનો વિવાદ

અન્નામલાઈનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે દેશના અન્ય ભાગોમાં ભાજપ મજબૂત થઈ રહ્યો છે, જેમ કે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સામે પક્ષે જીત મેળવી અને પંજાબમાં પગપેસારો કરવાની તૈયારી ચાલી રહી છે. પરંતુ તમિલનાડુની કહાની તદ્દન અલગ છે. અહીં દાયકાઓથી ભાજપ અને કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષો પ્રાદેશિક પક્ષો સામે નબળા સાબિત થયા છે. તાજેતરની ૨૦૨૬ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માત્ર એક જ બેઠક જીતી શક્યો, જે અગાઉની ચૂંટણી કરતાં ત્રણ બેઠકો ઓછી છે. એટલું જ નહીં, ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ તમિલનાડુમાં ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહ્યો હતો.

આ નિષ્ફળતા પાછળનું એક મોટું કારણ પક્ષની નીતિઓ પણ હતી. અન્નામલાઈ પૂર્વ આઈપીએસ (IPS) અધિકારી રહી ચૂક્યા છે અને તેમની કડક તેમજ પ્રમાણિક છબીને કારણે તમિલનાડુમાં લોકો તેમને ફિલ્મી પાત્ર ‘સિંઘમ’ના નામથી ઓળખે છે. ૨૦૨૧માં ચૂંટણી હાર્યા હોવા છતાં ભાજપે તેમની લોકપ્રિયતા જોઈને પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા. પરંતુ, ભાજપ હાઈકમાન્ડ દ્વારા સ્થાનિક સ્તરે ક્ષેત્રીય પક્ષ AIADMK સાથે ગઠબંધન કરવાનો અને તમિલનાડુમાં નાના ભાઈ (જુનિયર પાર્ટનર) તરીકે ભૂમિકા ભજવવાનો જે નિર્ણય લેવાયો, તે અન્નામલાઈને બિલકુલ મંજૂર નહોતો. તેઓ ઈચ્છતા હતા કે પક્ષ પોતાની તાકાત પર ઊભો થાય, કોઈના પિઠ્ઠુ બનીને નહીં. આ વૈચારિક મતભેદ એટલો વધ્યો કે આખરે તેમણે પદ છોડવું પડ્યું અને નૈનાર નાગેન્દ્રનને કમાન સોંપાઈ.

Share This Article