લોકરમાંથી સોનું ચોરાઈ જાય તો શું બેંક આખું વળતર આપે છે?
ભારતીય સંસ્કૃતિ અને પરિવારોમાં સોનું (Gold) માત્ર ઘરેણાં કે રોકાણનું સાધન નથી, પરંતુ તે સમૃદ્ધિ, સામાજિક પ્રતિષ્ઠા અને મુશ્કેલ સમયની આર્થિક સુરક્ષાનું સૌથી મોટું પ્રતીક છે. લગ્નપ્રસંગ હોય, દીવાળી હોય કે અખાત્રીજ, ભારતીયોમાં સોનાની ખરીદી અવિરત ચાલતી રહે છે. જેમ જેમ ઘરમાં સોનાનું પ્રમાણ વધે છે, તેમ તેમ તેની સુરક્ષા માટે મોટાભાગના લોકોના મનમાં સૌથી પહેલો વિચાર ‘બેંક લોકર’ (Bank Locker) નો આવે છે. સામાન્ય માન્યતા એવી છે કે ઘરની સરખામણીએ બેંક લોકરમાં કિંમતી કીમતી સામાન રાખવો સંપૂર્ણ સલામત છે. પરંતુ, શું તમે જાણો છો કે બેંક લોકરમાં સોનું રાખવા માટે પણ આરબીઆઈ (RBI) અને આવકવેરા વિભાગના ચોક્કસ નિયમો છે?
ઘરમાં ચોરી થવાના ડરથી મુક્તિ મેળવવા માટે બેંક લોકર એ ઉત્તમ માધ્યમ છે, પરંતુ કાયદાકીય જ્ઞાનના અભાવે ક્યારેક ગ્રાહકો મોટી મુશ્કેલીમાં મુકાઈ જાય છે. બેંક લોકરના ઉપયોગ વખતે મુખ્યત્વે બે પ્રકારના નિયમો લાગુ પડે છે – પ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના બેંકિંગ નિયમો અને દ્વિતીય સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એટલે કે આવકવેરા વિભાગના કર નિયમો.
લોકરમાં સોનું રાખવાની મહત્તમ મર્યાદા કેટલી?
સૌ પ્રથમ એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે ભારતીય રિઝર્વ બેંક (RBI) ના નિયમો અનુસાર, કોઈ વ્યક્તિ પોતાના બેંક લોકરમાં કેટલું સોનું કે કિંમતી વસ્તુઓ રાખી શકે, તેની કોઈ મહત્તમ (Uper Limit) મર્યાદા નક્કી કરવામાં આવી નથી. તમે તમારા ભાડે રાખેલા લોકરના કદ અને તેની ક્ષમતા મુજબ ગમે તેટલું સોનું સંગ્રહિત કરી શકો છો. બેંક ક્યારેય ગ્રાહકોને એવું નથી પૂછતી કે લોકરની અંદર શું રાખવામાં આવ્યું છે, કારણ કે લોકરની ગોપનીયતા અને પ્રાઇવસી જાળવવી એ બેંકની કાનૂની જવાબદારી છે.
પરંતુ, RBI એ કોઈ મર્યાદા નથી રાખી એનો અર્થ એ નથી કે તમે કોઈપણ હિસાબ-કિતાબ વગર અઢળક સોનું રાખી શકો. અહીં બેંકના નિયમો કરતાં દેશના આવકવેરાના કાયદા વધુ મજબૂત રીતે લાગુ પડે છે.
કાયદેસર સ્ત્રોત અને બિલ હોવું કેમ અનિવાર્ય છે?
આવકવેરા કાયદા (Income Tax Act) મુજબ, તમે બેંકના લોકરમાં કે ઘરમાં જે પણ સોનું રાખો છો, તેનો કાયદેસરનો સ્ત્રોત (Source of Income) હોવો અનિવાર્ય છે. સોનું ખરીદ્યાનું પાકું જીએસટી (GST) બિલ હોવું જોઈએ. જો સોનું તમને વારસામાં (Inheritance) મળ્યું હોય, વડીલો તરફથી પેઢી દર પેઢી આવ્યું હોય, અથવા લગ્ન જેવી પ્રસંગોપાત ભેટ (Gift) માં મળ્યું હોય, તો તેની સાબિતી માટે વિલ (વસિયતનામું) અથવા કૌટુંબિક સોનાની વહેંચણીના દસ્તાવેજો હોવા જરૂરી છે.
જો ક્યારેય આવકવેરા વિભાગ દ્વારા લોકરની કાનૂની તપાસ કે સર્ચ કરવામાં આવે અને એવું સોનું મળી આવે જેનો કોઈ હિસાબી રેકોર્ડ કે બિલ ન હોય, તો તેને “અઘોષિત મિલકત” (Unaccounted Wealth) ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં ભારે દંડ થઈ શકે છે અને સોનું જપ્ત પણ થઈ શકે છે.
બિલ વગર સોનું રાખવાના ખાસ કર નિયમો અને છૂટછાટ
જો કે, આપણી પરંપરાઓને ધ્યાનમાં રાખીને આવકવેરા વિભાગે બિલ વગરના સોના (સ્ત્રીધન) અંગે ચોક્કસ મર્યાદામાં છૂટછાટ આપેલી છે. નિર્ધારિત નિયમો અનુસાર:
-
પરિણીત મહિલા: કોઈપણ કાયદેસર આવકના સ્ત્રોત કે બિલ વગર પોતાના ઘરમાં કે લોકરમાં ૫૦૦ ગ્રામ (અડધો કિલોગ્રામ) સુધીનું સોનું સુરક્ષિત રીતે રાખી શકે છે.
-
અપરિણીત મહિલા: લગ્ન ન થયા હોય તેવી યુવતીઓ બિલ વિના ૨૫૦ ગ્રામ સુધીનું સોનું રાખી શકે છે.
-
પુરુષો (પરિણીત કે અપરિણીત): પુરુષો માટે આ મર્યાદા ઘણી ઓછી છે. કોઈપણ પુરુષ માત્ર ૧૦૦ ગ્રામ સુધીનું જ સોનું બિલ વગર રાખી શકે છે.
જો આ નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ સોનું લોકરમાંથી મળી આવે, તો તમારે કાનૂની રીતે સાબિત કરવું પડશે કે તે સોનું ખરીદવા માટેના નાણાં ક્યાંથી આવ્યા હતા.
ચોરી કે નુકસાનના કિસ્સામાં બેંકની મર્યાદિત જવાબદારી
ઘણા લોકો એવા ભ્રમમાં જીવે છે કે લોકરમાં રાખેલું સોનું જો ચોરાઈ જશે તો બેંક તેની બજાર કિંમત જેટલું આખું વળતર આપશે. પરંતુ RBI ના સુધારેલા નિયમો મુજબ, ચોરી, લૂંટ, બેંક સ્ટાફ દ્વારા થતી છેતરપિંડી અથવા ઈમારત ધરાશાયી થવા જેવા કિસ્સાઓમાં બેંકની આર્થિક જવાબદારી મર્યાદિત છે.
આવા સંજોગોમાં બેંક તમને તમારા લોકરના વાર્ષિક ભાડાના (Annual Rent) મહત્તમ ૧૦૦ ગણા જેટલી જ રકમ વળતર તરીકે ચૂકવવા બંધાયેલી છે. ઉદાહરણ તરીકે, જો તમારા લોકરનું વાર્ષિક ભાડું ૩,૦૦૦ રૂપિયા છે, તો નુકસાનના કિસ્સામાં બેંક તમને વધુમાં વધુ ૩ લાખ રૂપિયા જ આપશે, ભલે પછી તમારા લોકરમાં ૩૦ કે ૫૦ લાખનું સોનું કેમ ન રાખેલું હોય! આ ઉપરાંત, ભૂકંપ, પૂર કે વાવાઝોડા જેવી કુદરતી આફતો (Act of God) ને કારણે થતા નુકસાન માટે બેંક બિલકુલ જવાબદાર રહેતી નથી. તેથી, કિંમતી સોનાનો વીમો (Insurance) લેવો એ જ સૌથી મોટો સમજદારીનો માર્ગ છે.

