પૈસા કમાવવાની કળા અને સાચી જગ્યાએ રોકાણ કરવા અંગે શું કહે છે ચાણક્ય?
પ્રાચીન ભારતના સૌથી મહાન રાજદ્વારી, અર્થશાસ્ત્રી અને કુશળ માર્ગદર્શક આચાર્ય ચાણક્યની નીતિઓ આજે સદીઓ પછી પણ એટલી જ પ્રાસંગિક અને સચોટ સાબિત થાય છે. ચાણક્યએ નંદ વંશના અત્યાચારી શાસનનો અંત આણીને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી અને ચંદ્રગુપ્ત મૌર્યને અખંડ ભારતના સમ્રાટ બનાવ્યા. આ પ્રક્રિયામાં તેમણે પોતાના જીવનના નીચોડ અને અનુભવોને ‘ચાણક્ય નીતિ’ નામના ગ્રંથમાં વણી લીધા છે.
આચાર્ય ચાણક્યના મતે, નાણાકીય વ્યવસ્થાપન (મની મેનેજમેન્ટ) એ માનવ જીવનને સુખી બનાવવાનું સૌથી મોટું હથિયાર છે. જે વ્યક્તિ આર્થિક બાબતોમાં સાવધ રહે છે, તેના પર મા લક્ષ્મીની કૃપા હંમેશા વરસતી રહે છે.
બદલાતા આર્થિક પ્રવાહો અને મોંઘવારીના યુગમાં દરેક વ્યક્તિ પોતાની કમાણી વધારવા અને ભવિષ્ય સુરક્ષિત કરવા માંગે છે. આચાર્ય ચાણક્યના મતે, ધન કમાવવું જેટલું મહત્વનું છે, તેટલું જ મહત્વનું તેનું રક્ષણ કરવું છે. જો તમે પણ આર્થિક તંગીમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ, તો ચાણક્ય નીતિની આ બાબતોને જીવનમાં ઉતારવી જોઈએ.
૧. બચત અને ભવિષ્યનું આયોજન
આચાર્ય ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ પોતાની કમાણીમાંથી બચત નથી કરતો અને ભવિષ્યનો વિચાર કર્યા વિના પૈસા ઉડાવે છે, તે વહેલા કે મોડા આર્થિક સંકટમાં ફસાય છે. સંપત્તિ એ જ સાચો મિત્ર છે જે વિપત્તિના સમયે કામ આવે છે. તેથી, વ્યક્તિએ પોતાની કમાણીનો એક નિશ્ચિત ભાગ બચાવીને યોગ્ય જગ્યાએ રોકાણ (ઇન્વેસ્ટમેન્ટ) કરવો જોઈએ જેથી ભવિષ્ય સુરક્ષિત બને.
૨. પૈસા કમાવવાની કળા અને અવિરત મહેનત
જે માણસ પ્રામાણિકતાથી અને પોતાની બુદ્ધિના જોરે પૈસા કમાવવાની કળા જાણે છે, તે ગમે તેવા મોટા આર્થિક સંકટમાંથી પણ ઝડપથી બહાર આવી જાય છે. ધન કમાવવા માટે સખત મહેનત અને ધીરજની જરૂર હોય છે. ક્યારેક સફળતા મળવામાં સમય લાગી શકે છે, પરંતુ હાર માન્યા વિના સતત પોતાના માર્ગ પર આગળ વધતા રહેવાથી વ્યક્તિ એક દિવસ ચોક્કસ ધનવાન બને છે.
૩. રોકાણની સાચી દિશા
ખોટી જગ્યાએ કે લોભમાં આવીને કરવામાં આવેલું રોકાણ તમારા આખા નાણાકીય સામ્રાજ્યને નષ્ટ કરી શકે છે. ચાણક્ય અનુસાર, ખોટા કાર્યોમાં અથવા જોખમી જગ્યાએ પૈસા લગાવવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. પૈસાનો ઉપયોગ હંમેશા યોગ્ય, કાયદેસર અને નૈતિક કાર્યોમાં જ કરવો જોઈએ. સાચી દિશામાં કરેલું રોકાણ જ તમારી સંપત્તિમાં ઉત્તરોત્તર વધારો કરે છે.
૪. લક્ષ્ય નિર્ધારણ અને એકાગ્રતા
આચાર્ય ચાણક્યના મતે, ધ્યેય વિના જીવતો માણસ દિશાહીન વહાણ જેવો છે. જો તમારે નાણાકીય મુશ્કેલીઓમાંથી બહાર નીકળવું હોય, તો સૌથી પહેલા તમારું લક્ષ્ય નક્કી કરો. એક ચોક્કસ ગોલ સેટ કર્યા વિના સફળ થવું કે ધન કમાવવું અત્યંત મુશ્કેલ છે. સફળ બનવા માટે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને આયોજનબદ્ધ રીતે આગળ વધો.
૫. વ્યર્થ ખર્ચ પર નિયંત્રણ
કુહાડી જેમ વૃક્ષને કાપે છે, તેમ વ્યર્થ ખર્ચ માણસની આર્થિક સ્થિતિને કાપી નાખે છે. ચાણક્ય નીતિ સ્પષ્ટપણે કહે છે કે દેખાદેખીમાં કે બિનજરૂરી વસ્તુઓ પાછળ પૈસા કડવાના નથી. પૈસા માત્ર ત્યાં જ ખર્ચો જ્યાં તેની અત્યંત જરૂર હોય. તમારી જેટલી વધુ બચત હશે, તમારું અને તમારા પરિવારનું ભવિષ્ય તેટલું જ વધુ શાંતિપૂર્ણ અને સુરક્ષિત રહેશે. આ સરળ નિયમોનું પાલન કરીને કોઈપણ વ્યક્તિ આર્થિક સંકટથી મુક્ત થઈ શકે છે.

