હવે ટ્રેનો સુપરફાસ્ટ બનશે; વેસ્ટર્ન રેલવેએ સ્પીડ ૧૩૦ કિમી કરવા શરૂ કરી મોટી તૈયારીઓ
દેશની લાઇફલાઇન ગણાતી ભારતીય રેલવે મુસાફરોની સફરને વધુ ઝડપી, સુરક્ષિત અને આરામદાયક બનાવવા માટે ઇતિહાસનું સૌથી મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવા જઈ રહી છે. પશ્ચિમ રેલવે (Western Railway) એ પોતાના સમગ્ર નેટવર્ક પર ટ્રેનોની ગતિ વધારવા માટે એક બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. આ અંતર્ગત, જે રૂટ પર ટ્રેનો અત્યારે ૧૦૦ થી ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે, ત્યાં માળખાગત સુવિધાઓ સુધારીને સ્પીડ ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાક કરવામાં આવશે. આ ઉપરાંત, દેશના સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ મુંબઈ-દિલ્હી મુખ્ય રેલ કોરિડોર પર ટ્રેનોની મહત્તમ ગતિ વધારીને ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાક કરવા માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે.
ચર્ચગેટ સ્થિત પશ્ચિમ રેલવેના મુખ્યાલય ખાતે મીડિયા સાથે ખાસ વાતચીત કરતા જનરલ મેનેજર (GM) રામશ્રય પાંડેએ જણાવ્યું હતું કે, આ મેગા પ્લાનનો મુખ્ય ઉદ્દેશ્ય બે મોટા શહેરો વચ્ચે મુસાફરીનો સમય ઘટાડવો, રેલવેની કાર્યક્ષમતા વધારવી અને મુસાફરોને શ્રેષ્ઠ કનેક્ટિવિટી પ્રદાન કરવાનો છે.
ડીએફસી (DFC) ના કારણે પેસેન્જર ટ્રેનોનો માર્ગ થશે મોકળો
રેલવે પ્રશાસનના જણાવ્યા મુજબ, વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (Dedicated Freight Corridor) નું કામ પૂર્ણ થતાં જ માલગાડીઓ આ વિશેષ ટ્રેક પર શિફ્ટ થઈ જશે. આનાથી હાલના મુખ્ય રેલવે નેટવર્ક પરથી ગુડ્ઝ ટ્રેનોનું ભારે દબાણ સંપૂર્ણપણે ઘટી જશે. પરિણામે, પેસેન્જર ટ્રેનો માટે પાટા ખાલી મળશે, જેનાથી ટ્રેનો મોડી પડવાની સમસ્યા દૂર થશે અને નવી પેસેન્જર ટ્રેનો શરૂ કરવાની ક્ષમતામાં મોટો વધારો થશે. આ આધુનિકીકરણના ભાગરૂપે પશ્ચિમ રેલવેએ વિવિધ લાંબા અંતરના રૂટ પર ૩ થી ૪ નવી હાઈટેક ‘વંદે ભારત સ્લીપર’ ટ્રેનો ચલાવવા માટે પણ ઉચ્ચ સ્તરે દરખાસ્ત મોકલી છે.
બાંદ્રા ટર્મિનસ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનોનો લુક બદલાશે
રેલવે માત્ર ટ્રેનોની સ્પીડ જ નથી વધારી રહી, પરંતુ ટર્મિનસ પર મુસાફરોની ક્ષમતા વધારવા માટે મોટા ફેરફારો કરી રહી છે. બાંદ્રાના ગરીબ નગર વિસ્તારનો આયોજનબદ્ધ પુનઃવિકાસ કરવાની યોજના છે. અહીંથી વર્તમાન ડીઝલ શેડ જેવા કેટલાક તકનીકી માળખાને અન્ય જગ્યાએ સ્થાનાંતરિત કરવામાં આવશે. આ ખાલી પડેલી જગ્યા પર બાંદ્રા ટર્મિનસ ખાતે ૧૦ નવી સ્ટેબલિંગ લાઇનનું નિર્માણ કરવામાં આવશે, જેનાથી ટર્મિનસ પર વધારાની ૧૦ નવી લાંબા અંતરની ટ્રેનોનું સંચાલન ખૂબ જ સરળતાથી થઈ શકશે.
બીજી તરફ, મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસ પર પણ આગામી થોડા વર્ષોમાં તબક્કાવાર રીતે પાંચેય પ્લેટફોર્મની લંબાઈ વધારવાનું કામ હાથ ધરાશે. હાલમાં આ પ્લેટફોર્મ્સ પર મહત્તમ ૨૨ કોચ (ડબ્બા) ધરાવતી ટ્રેનો જ ઉભી રહી શકે છે. પરંતુ આ વિસ્તરણ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ, અહીં ૨૪ કોચવાળી લાંબી ટ્રેનો સરળતાથી આવી શકશે, જેનાથી દરેક ટ્રેનમાં મુસાફરોની ક્ષમતા અને કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતાઓ વધી જશે.
મેટ્રોની એન્ટ્રીથી લોકલ ટ્રેનના મુસાફરો ઘટ્યા
અહેવાલો દરમિયાન એક આશ્ચર્યજનક આંકડો પણ સામે આવ્યો છે. જનરલ મેનેજર રામશ્રય પાંડેએ સ્વીકાર્યું કે છેલ્લા બે મહિનામાં પશ્ચિમ રેલવેના મુસાફરોની સંખ્યામાં આશરે ૨ ટકાનો ઘટાડો નોંધાયો છે. જો આપણે ગત નાણાકીય વર્ષની વાત કરીએ તો આ ઘટાડો માત્ર ૦.૨ ટકા જેટલો સામાન્ય હતો. રેલવેના વિશ્લેષણ મુજબ, મુંબઈ શહેરમાં સતત વિસ્તરી રહેલી નવી આધુનિક મેટ્રો રેલ સેવાઓના કારણે લોકલ ટ્રેનના કેટલાક મુસાફરો હવે એર-કન્ડિશન્ડ અને ટ્રાફિક મુક્ત મેટ્રો તરફ વળ્યા છે. જોકે, રેલવે માને છે કે સ્પીડ અપગ્રેડેશન અને સ્ટેશનોની સુવિધા વધવાથી લાંબા ગાળે રેલવે પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બનશે.

