NCERT એ કંપનીને બ્લેકલિસ્ટ કરી પણ હાઈકોર્ટમાં બચાવ કરવાનું જ ચૂકી ગઈ; કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યા કડક તપાસના આદેશ
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) ના વહીવટી અને કાનૂની વિભાગની એક મોટી બેદરકારી સામે આવ્યા બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે. પાઠ્યપુસ્તકોના ઉત્પાદનમાં વિલંબ કરવા બદલ એક પેપર સપ્લાયર કંપનીને બ્લેકલિસ્ટ કરવાના પોતાના જ નિર્ણયનો દિલ્હી હાઈકોર્ટમાં બચાવ કરવા માટે NCERT ના અધિકારીઓ કોર્ટની તારીખે હાજર થવામાં નિષ્ફળ રહ્યા હતા. આ ગંભીર ક્ષતિની નોંધ લેતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
આ ઘટનાક્રમથી પરિચિત સત્તાવાર સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું કે, કાઉન્સિલની આ મોટી કાનૂની ભૂલને કારણે દિલ્હી હાઈકોર્ટે બ્લેકલિસ્ટ થયેલી કંપનીને વચગાળાની રાહત આપી દીધી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે કે મંત્રીનો આ હસ્તક્ષેપ મંત્રાલયના “વહીવટી અને કાનૂની ભૂલો પ્રત્યે શૂન્ય-સહિષ્ણુતા (Zero-Tolerance) અભિગમને મજબૂત બનાવવાનો” એક ભાગ છે.

શું છે સમગ્ર વિવાદ?
આ વિવાદ પૂણે સ્થિત ‘બાફના ગ્લોબલ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ’ નામની કંપની સાથે જોડાયેલો છે. NCERT એ આ કંપનીને શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે ‘મેપ્લિથો પેપર’ (પાઠ્યપુસ્તકો છાપવા માટે વપરાતો ખાસ કાગળ) સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જો કે, કંપની સમયસર કાગળનો જથ્થો પૂરો પાડવામાં નિષ્ફળ રહી, જેના કારણે પાઠ્યપુસ્તકોના છાપકામ અને ઉત્પાદનમાં મોટો વિલંબ થયો.
આ વિલંબને પગલે NCERT એ ગત ૨૨ જૂનના રોજ કડક કાર્યવાહી કરતા કંપનીનો કરાર સમાપ્ત કરી દીધો, તેને આગામી બે વર્ષ માટે બ્લેકલિસ્ટ કરી અને કંપનીની ₹૬.૦૯ કરોડની બેંક ગેરંટી જપ્ત (ઇનકેશ) કરવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટમાં અગાઉથી જાણ હોવા છતાં NCERT ગેરહાજર રહી
NCERT ના આ કડક આદેશ સામે બાફના ગ્લોબલ વેન્ચરે ૨૪ જૂને દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જ્યારે આ મામલો ન્યાયાધીશ મીની પુષ્કર્ણની બેન્ચ સમક્ષ સુનાવણી માટે આવ્યો, ત્યારે ચોંકાવનારી બાબત એ બની કે અગાઉથી નોટિસ અને સૂચના મળી હોવા છતાં NCERT વતી કોઈ કાનૂની પ્રતિનિધિ કે અધિકારી કોર્ટમાં હાજર ન થયા.
કોર્ટે NCERT ની ગેરહાજરીની નોંધ લીધી અને અરજદાર કંપનીની દલીલો સાંભળ્યા બાદ કંપનીને મોટી રાહત આપી દીધી. હાઈકોર્ટે નિર્દેશ આપ્યો કે આગામી સુનાવણી (૨૦ જુલાઈ) સુધી કંપની સામે કોઈ જબરદસ્તી કાર્યવાહી કરવામાં ન આવે. આ સાથે જ કોર્ટે NCERT ને વચગાળામાં ₹૬.૦૯ કરોડની બેંક ગેરંટી વસૂલતા પણ રોકી દીધી છે.
ટેન્ડર પ્રક્રિયા પર પણ ઉઠ્યા સવાલો
શિક્ષણ મંત્રાલયે માત્ર કોર્ટમાં ગેરહાજર રહેવા બદલ જ નહીં, પરંતુ આ કંપનીને કોન્ટ્રાક્ટ આપવાની આખી પ્રક્રિયા પર પણ તપાસ બેસાડી છે. મંત્રાલયે NCERT ને એ તપાસ કરવા પણ કહ્યું છે કે ગયા વર્ષે ૨૮ ઓક્ટોબરે બહાર પાડવામાં આવેલા ટેન્ડરની શરતો પૂરી ન કરવા છતાં ૧ ડિસેમ્બરે આ પૂણે સ્થિત કંપનીને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ કેવી રીતે આપી દેવામાં આવ્યો?
એવા ગંભીર આરોપો છે કે આ પેઢીએ શરૂઆતથી જ ટેન્ડરના નિયમોનું પાલન કર્યું ન હતું અને સપ્લાય શેડ્યૂલ ખોરવી નાખ્યું હતું.
કંપનીનો બચાવ: ‘આંતરરાષ્ટ્રીય સંઘર્ષને કારણે થયો વિલંબ’
બીજી તરફ, કંપનીએ કોર્ટમાં પોતાની અરજીમાં બચાવ કરતા અજીબ તર્ક આપ્યો છે. કંપનીએ દલીલ કરી હતી કે કાગળના ઉત્પાદનમાં વિલંબ કોઈ સ્થાનિક બેદરકારીને કારણે નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુએસ-ઈરાન સંઘર્ષને કારણે થયો હતો.

કંપનીના જણાવ્યા અનુસાર, કાગળના ઉત્પાદનમાં વપરાતા મુખ્ય બ્લીચિંગ એજન્ટ ‘હાઇડ્રોજન પેરોક્સાઇડ’ની વૈશ્વિક ઉપલબ્ધતા ખોરવાઈ ગઈ હતી, જેના કારણે તેઓ સમયસર સપ્લાય ન કરી શક્યા. કંપનીએ એમ પણ ઉમેર્યું કે સામાન્ય રીતે વ્યાપારી કરારના વિવાદોમાં આ પ્રકારે ‘બ્લેકલિસ્ટિંગ’ જેવી આકરી સજા ન થવી જોઈએ જ્યાં વાસ્તવિક મતભેદો અને જેન્યુઈન મુશ્કેલીઓ હોય.
શિક્ષણ મંત્રી એક્શન મોડમાં: અધિકારીઓની જવાબદારી નક્કી થશે
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ અહેવાલોની અત્યંત ગંભીર નોંધ લીધી છે કે NCERT પોતાના જ લીધેલા નિર્ણયોનો ન્યાયિક મંચ પર અસરકારક રીતે બચાવ કરવામાં નિષ્ફળ ગઈ છે. સરકારી સંસ્થાઓની આવી ઢીલી કાનૂની લડતને કારણે સરકારી તિજોરી અને વિદ્યાર્થીઓના અભ્યાસ (પુસ્તકોની અછત) પર અસર પડે છે.