CJPનો સંસદ કૂચ: જેપી નડ્ડા સમક્ષ મુકાઈ 3 મોટી માંગણીઓ, ભારે હોબાળા વચ્ચે વડાપ્રધાન સંસદથી રવાના
સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ દેશની રાજધાની દિલ્હીમાં મોટો રાજકીય ડ્રામા અને હંગામો જોવા મળ્યો છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આયોજિત ‘ચલો સંસદ’ કૂચને કારણે લ્યુટિયન્સ દિલ્હી રણમેદાનમાં ફેરવાઈ ગયું હતું. NEET-UG પેપર લીક અને શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલી ગેરરીતિઓના વિરોધમાં હજારો વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ભારે ડ્રામા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પરિસરમાંથી રવાના થયા હોવાના અહેવાલો છે, જ્યારે બીજી તરફ CJPના પ્રતિનિધિમંડળે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે મુલાકાત કરીને 3 મુખ્ય માંગણીઓ સરકાર સમક્ષ મૂકી છે.
હજારોની ભીડ પર લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડાયા
લાંબા સમયથી જંતર-મંતર પર ચાલી રહેલા આંદોલન બાદ આજે પ્રદર્શનકારીઓએ સંસદ તરફ કૂચ શરૂ કરી હતી. દિલ્હી પોલીસે આ વિસ્તારમાં કલમ 163 (અગાઉની કલમ 144) લાગુ કરીને કૂચની મંજૂરી આપી ન હતી. તેમ છતાં, જ્યારે હજારો દેખાવકારોએ સંસદ માર્ગ અને શાસ્ત્રી ભવન નજીક બેરિકેડ્સ તોડવાનો પ્રયાસ કર્યો, ત્યારે સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી.

ભીડને વિખેરવા માટે દિલ્હી પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ (RAF) ના જવાનોએ લાઠીચાર્જ કર્યો હતો અને પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયાની આસપાસના વિસ્તારોમાં ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા. આ ઝડપમાં કેટલાક પ્રદર્શનકારીઓ અને પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સુરક્ષાના કારણોસર સેન્ટ્રલ સેક્રેટરીયટ અને રાજીવ ચોક સહિત 5 મેટ્રો સ્ટેશનોના ગેટ બંધ કરી દેવાયા હતા, જેના કારણે સામાન્ય મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
જેપી નડ્ડા સાથે બેઠક: CJPની 3 પ્રમુખ માંગણીઓ
જ્યારે રસ્તાઓ પર હંગામો ચાલી રહ્યો હતો, ત્યારે સરકાર વતી દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ CJP ને વાટાઘાટોની ઓફર કરી હતી. શરૂઆતમાં સચિવ સ્તરની વાતો નકાર્યા બાદ, CJP ના પ્રવક્તા આશુતોષ રંકા અને સૌરભ દાસ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાના નિવાસ્થાને પહોંચ્યા હતા.
CJP એ નડ્ડા સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં 3 મોટી માંગણીઓ રજૂ કરી છે:
સોનમ વાંગચુકની તાત્કાલિક મુક્તિ: ભૂખ હડતાળ પર બેઠેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને તાજેતરમાં જ પોલીસે પરાણે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, તેમને મુક્ત કરવામાં આવે.
શિક્ષણ મંત્રીનું રાજીનામું: NEET-UG અને અન્ય પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓની નૈતિક જવાબદારી સ્વીકારીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તાત્કાલિક રાજીનામું આપે.
આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓને વળતર: પેપર લીક અને પરીક્ષા રદ થવાના આઘાતમાં આત્મહત્યા કરી ચૂકેલા NEET ના વિદ્યાર્થીઓના પરિવારોને ₹1 કરોડનું વળતર આપવામાં આવે.
CJP પ્રવક્તાના જણાવ્યા અનુસાર, જેપી નડ્ડાએ આ માંગણીઓ સાંભળી છે અને સરકારના ટોચના નેતૃત્વ સાથે ચર્ચા કરવા માટે થોડો સમય માગ્યો છે. દરમિયાન, સંસદ ભવનની અંદર ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વચ્ચે પણ એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હોવાની માહિતી મળી છે.

સોનમ વાંગચુકની ભૂખ હડતાળ અને વિપક્ષનું સમર્થન
આ આંદોલન ત્યારે વધુ ઉગ્ર બન્યું જ્યારે 21 દિવસથી ભૂખ હડતાળ પર ઉતરેલા પર્યાવરણ અને શિક્ષણ કાર્યકર્તા સોનમ વાંગચુકને શનિવારે રાત્રે દિલ્હી પોલીસે જબરદસ્તી સફદરજંગ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. વાંગચુકે હોસ્પિટલમાંથી જ સંદેશ આપ્યો હતો કે જો સરકાર શિક્ષણ પ્રણાલીની ખામીઓની જવાબદારી સ્વીકારે અથવા સાંસદો સંસદમાં આ મુદ્દો ઉઠાવવાની ખાતરી આપે, તો જ તેઓ તેમના ઉપવાસ સમાપ્ત કરશે.
આ વિરોધ પ્રદર્શનને દેશભરના વિદ્યાર્થી સંગઠનો (જેમ કે AISA) અને વિપક્ષી નેતાઓનું જોરદાર સમર્થન મળી રહ્યું છે. આઝાદ સમાજ પાર્ટીના વડા અને સાંસદ ચંદ્રશેખર આઝાદ તેમજ જાણીતા અભિનેતા પ્રકાશ રાજ પણ જંતર-મંતર પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓના અવાજને સંસદની અંદર અને બહાર બુલંદ કરવાની જાહેરાત કરી હતી.
સંસદની બહાર ડ્રામા અને પીએમની રવાનગી
જ્યારે સંસદની બહાર પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું અને અનેક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી રહી હતી, ત્યારે સંસદ પરિસરમાં ભારે સળવળાટ જોવા મળ્યો હતો. આ સમગ્ર ડ્રામા અને સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવનથી રવાના થયા હતા.