બ્લેક ફ્રાઈડે! શેરબજારમાં અચાનક કેમ મચી નાસભાગ? આ 3 મોટા કારણો જાણી લો!
ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે આ અઠવાડિયું ખૂબ જ પડકારજનક સાબિત થઈ રહ્યું છે. વૈશ્વિક નકારાત્મક સંકેતો અને ખાસ કરીને ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે એટલે કે શુક્રવારે પણ ભારતીય શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું હતું. આ સાથે જ શેરબજારમાં સતત ચોથા દિવસે મંદીનો દોર જોવા મળ્યો છે. બંને પ્રમુખ બેન્ચમાર્ક સૂચકાંક સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) માં મોટો ઘટાડો નોંધાયો છે.
આજની આ શરૂઆતી વેચવાલી પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં બેરલ દીઠ ક્રૂડ ઓઈલની કિંમત $101 ના સ્તરને પાર કરી ગઈ હોવાનું માનવામાં આવે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. બંને દેશો હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) પર પોતાના વર્ચસ્વનો દાવો કરી રહ્યા છે, જેના કારણે દરિયાઈ જહાજોને નુકસાનથી બચવા માટે વૈકલ્પિક રસ્તાઓ અપનાવવાની ફરજ પડી રહી છે અને સપ્લાય ચેઈન ખોરવાઈ છે.

આંકડાઓની ઝૂક ઝાંક: રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
મંદીના આ વાવાઝોડામાં રોકાણકારોની સંપત્તિનું ભારે ધોવાણ થયું છે:
-
સેન્સેક્સ અને નિફ્ટીનું ગાબડું: શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 917 પોઈન્ટ તૂટીને 75,474 ના સ્તરે પહોંચી ગયો હતો, જ્યારે નિફ્ટી 263 પોઈન્ટના ઘટાડા સાથે 23,606 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
-
માર્કેટ કેપમાં મોટો ઘટાડો: બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 5.42 લાખ કરોડ ઘટીને રૂ. 471.31 લાખ કરોડ થઈ ગઈ છે. અગાઉના દિવસે આ આંકડો રૂ. 476.73 લાખ કરોડ હતો.
-
બજારનો મૂડ (Market Breadth): બજારમાં એકંદર સ્થિતિ ખૂબ જ નબળી રહી હતી. ટ્રેડ થયેલા કુલ 3,817 શેરોમાંથી આશરે 2,662 શેરો લાલ નિશાનમાં (ઘટાડા સાથે) કારોબાર કરી રહ્યા હતા, જ્યારે માત્ર અમુક શેરો જ લીલા નિશાનમાં હતા. આ સિવાય 928 શેરોના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો.
કયા શેરો તૂટ્યા અને કોણે આપ્યો સાથ?
આજના કારોબારમાં લગભગ તમામ સેક્ટર્સમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું હતું.
-
ટોપ લુઝર્સ (Top Losers): બજાજ ફાઇનાન્સ (Bajaj Finance), ઇન્ડિગો (IndiGo), એટર્નલ (Eternal), ભારતી એરટેલ (Bharti Airtel), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M), એલ એન્ડ ટી (L&T), ટાટા સ્ટીલ (Tata Steel) અને અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) જેવા મોટા શેરોમાં 3.16% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
-
ટોપ ગેઈનર (Top Gainer): સેન્સેક્સના 30 માંથી માત્ર એક જ શેર બજારની આ મંદી સામે ટકી શક્યો હતો. આઈટીસી (ITC) ના શેરમાં 0.62% સુધીનો સુધારો નોંધાયો હતો.
ઉપરાંત, નબળા માહોલ વચ્ચે 66 શેરો પોતાના 52-અઠવાડિયાના નીચલા સ્તરે (52-week low) પહોંચી ગયા હતા, જ્યારે 56 શેરોએ પોતાના 52-અઠવાડિયાના સર્વોચ્ચ સ્તરને (52-week high) સ્પર્શ કર્યો હતો. આ સિવાય આશરે 140 શેરોમાં લોઅર સર્કિટ અને 74 શેરોમાં અપર સર્કિટ લાગી હતી.

ઇન્ડિયા વીઆઇએક્સ (India VIX) માં ઉછાળો અને વિદેશી રોકાણકારોની વેચવાલી
બજારની અસ્થિરતા માપતો ઇન્ડેક્સ India VIX આજના કારોબારમાં 8.13% વધીને 14.58 ના સ્તરે પહોંચી ગયો છે. આ અગાઉ તે 13.48 પર બંધ થયો હતો. India VIX માં વધારો દર્શાવે છે કે આવનારા દિવસોમાં બજારમાં ઉતાર-ચડાવ (Volatility) વધુ વધી શકે છે.
બીજી તરફ, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (FIIs) ની વેચવાલી પણ બજારને નીચે ધકેલી રહી છે. NSE ના પ્રાથમિક આંકડા અનુસાર, ગુરુવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ચોખ્ખા ધોરણે રૂ. 2,765 કરોડના શેરો વેચ્યા હતા, જ્યારે દેશી સંસ્થાકીય રોકાણકારોએ (DIIs) પણ રૂ. 2,708 કરોડની વેચવાલી કરી હતી.
જીઓજિત ઇન્વેસ્ટમેન્ટ્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે. વિજયકુમારે શેરબજારની હાલની પરિસ્થિતિ પર વિગતવાર વિશ્લેષણ આપતાં જણાવ્યું હતું કે, “બજારમાં હાલ અનિશ્ચિતતા અને ભારે અસ્થિરતાનો માહોલ છે, જેમાં હાલ પૂરતી કોઈ રાહત દેખાતી નથી. લાલ સમુદ્રમાં ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓ દ્વારા સાઉદી ઓઈલ ટેન્કરો પર કરાયેલા હુમલાને કારણે બ્રિટેન બ્રિન્ટ ક્રૂડના ભાવ અચાનક વધીને $100 ને પાર પહોંચી ગયા છે. ક્રૂડના આટલા ઊંચા ભાવ ભારત માટે બેલેન્સ ઓફ પેમેન્ટ્સ (BoP) ની ચિંતા ફરી ઊભી કરી શકે છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “રૂપિયા પર પણ તેની અસર પડી રહી છે અને તે ડોલર સામે ઘટીને 96.57 ના સ્તરે પહોંચ્યો છે. રૂપિયો નબળો પડતાં જ વિદેશી રોકાણકારો (FPIs), જેઓ આ મહિને ખરીદદાર બન્યા હતા, તેઓ ફરીથી વેચવાલીના મોડમાં આવી ગયા છે. આ ઉપરાંત, યુએસની 10-વર્ષની બોન્ડ યીલ્ડ વધીને 4.7% થવી તે પણ વૈશ્વિક ઇક્વિટી બજારો માટે નકારાત્મક છે. આ ટૂંકા ગાળા માટે એક મોટું જોખમ દર્શાવે છે.”