શું હાર્દિક પંડ્યા છોડશે મુંબઈ ઇન્ડિયન્સ? IPL 2027 પહેલા CSK સાથે ટ્રેડ થવાની અટકળોએ પકડ્યું જોર
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં ક્રિકેટના મેદાનથી થોડો દૂર છે, છતાં તે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને ક્રિકેટ જગતમાં સૌથી મોટો ચર્ચાનો વિષય બન્યો છે. IPL 2027 ની આગામી સિઝન પહેલાં ક્રિકેટ કોરિડોરમાં એવી ખબરો વેગ પકડી રહી છે કે હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સ (MI) નો સાથ છોડીને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માં જોડાઈ શકે છે.
જોકે, હજુ સુધી મુંબઈ ઇન્ડિયન્સ કે ચેન્નાઈ સુપર કિંગ્સની ફ્રેન્ચાઇઝી તરફથી આ અંગે કોઈ પણ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ આ તમામ અહેવાલો અને અટકળોએ હાલ તો ક્રિકેટ પ્રેમીઓમાં ભારે કુતુહલ જગાવ્યું છે. અગાઉ CSK દ્વારા સંજુ સેમસનને લઈને પણ ટ્રેડિંગની ચર્ચાઓએ બજાર ગરમ કર્યું હતું.

મુંબઈ ઇન્ડિયન્સ માટે IPL 2026 રહી હતી નિરાશાજનક
IPL ની છેલ્લી એટલે કે ૨૦૨૬ ની સિઝન મુંબઈ ઇન્ડિયન્સ માટે અત્યંત ખરાબ અને નિરાશાજનક રહી હતી. ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબનું ન રહેવાના કારણે મુંબઈની ટીમ લીગ તબક્કામાંથી જ બહાર થઈ ગઈ હતી. આ ખરાબ પ્રદર્શન બાદ મીડિયામાં એવા અહેવાલો વહેતા થયા હતા કે મુંબઈ ઇન્ડિયન્સના કેમ્પમાં અંદરખાને બધું સમસૂતરું નથી ચાલી રહ્યું, જોકે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ.
આ નિરાશાજનક પ્રદર્શન બાદ હવે અચાનક હાર્દિક પંડ્યાના CSKમાં ટ્રાન્સફર થવાની વાતો સામે આવી રહી છે. જો હાર્દિક ખરેખર CSKમાં સામેલ થાય છે, તો ચેન્નાઈની ટીમને એક એવો અનુભવી અને વિસ્ફોટક ઓલરાઉન્ડર મળી જશે જે પોતાની બેટિંગ અને બોલિંગ બંનેથી એકાએક મેચનું પાસું પલટવાની ક્ષમતા ધરાવે છે.
હાર્દિકના ટ્રેડ માટે બે મોટા વિકલ્પો પર ચાલી રહી છે ચર્ચા
મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હાર્દિક પંડ્યાના વેપાર (ટ્રેડ) માટે ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે બે મુખ્ય વિકલ્પો પર વિચારણા ચાલી રહી છે. પ્રથમ વિકલ્પ અનુસાર, જો હાર્દિક CSKમાં જાય છે, તો તેના બદલામાં વિસ્ફોટક બેટ્સમેન શિવમ દુબે અને યુવા ખેલાડી આયુષ મ્હાત્રે મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં સામેલ થઈ શકે છે.

જ્યારે બીજા વિકલ્પમાં એવી ચર્ચા છે કે CSK શિવમ દુબે અને ડેવાલ્ડ બ્રેવિસને સામેલ કરીને હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં ખરીદી શકે છે. આ તમામ ખેલાડીઓ પોતાની પ્રતિભા માટે જાણીતા છે અને મેચ વિજેતા પ્રદર્શન કરવા માટે સક્ષમ છે.