NPCI લાવ્યું નવું પ્રાઇવસી કવચ! ૪ સપ્ટેમ્બરથી બદલાઈ જશે યુપીઆઈ પેમેન્ટ કરવાની રીત.
આજના સમયમાં ડિજિટલ ઈન્ડિયાના આ દોરમાં આપણે શાકભાજીની લારીથી લઈને મોટા શોપિંગ મોલ સુધી બધે જ યુપીઆઈ (UPI – Unified Payments Interface) થી પેમેન્ટ કરવાના આદિ થઈ ગયા છીએ. સ્કેન કર્યું કે નંબર નાખ્યો અને ચપટીમાં પૈસા ટ્રાન્સફર! જોકે, આ સરળતાની સાથે સાથે પ્રાઇવસી (ગોપનીયતા) અને સિક્યોરિટીને લઈને પણ અનેક સવાલો ઊભા થતા રહ્યા છે. ઘણીવાર આપણો ફાધર-મધર કે બહેનનો નંબર કોઈ અજાણી વ્યક્તિને પેમેન્ટ કરતી વખતે ડિસ્પ્લે થઈ જતો હોય છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ મોટું જોખમ ગણાય.
પરંતુ હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવવા જઈ રહ્યો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ખૂબ જ ટૂંક સમયમાં યુપીઆઈ એપ્સ પર યુઝર્સના ફોન નંબરને માસ્ક (Mask) એટલે કે છુપાવવાની એક નવી વ્યવસ્થા અમલમાં મૂકવા જઈ રહ્યું છે.

ડીપીડીપી (DPDP) એક્ટ હેઠળ સરકાર અને NPCIનો મોટો નિર્ણય
એક રિપોર્ટ અનુસાર, ભારત સરકાર અને NPCI હાલમાં તમામ પ્રાઈવેટ યુપીઆઈ એપ્સ (જેવી કે PhonePe, Google Pay, Paytm) અને બેંકો સાથે સતત સંપર્કમાં છે. આ કવાયત પાછળનું મુખ્ય કારણ ભારતના નવા ‘ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP) એક્ટ’ નું પાલન કરવાનું છે. આ કાયદો સ્પષ્ટ કરે છે કે કોઈપણ ડિજિટલ કંપની યુઝર્સના અંગત ડેટાને કેવી રીતે એકત્રિત કરશે, સ્ટોર કરશે અને તેનો ક્યાં ઉપયોગ કરશે.
સરકારે અને NPCI એ તમામ બેંકો અને પેમેન્ટ એપ્સને ૪ સપ્ટેમ્બર સુધીમાં આ નવા પ્રાઇવસી નિયમો અને સિસ્ટમમાં જરૂરી ફેરફારો લાગુ કરી દેવા માટેની આખરી મુદત આપી છે.
અત્યાર સુધી શું તકલીફ હતી? ફોન નંબર શા માટે જોખમી હતો?
અત્યાર સુધીની સિસ્ટમમાં, જ્યારે પણ આપણે કોઈ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરતા હતા, ત્યારે ખાતાધારકને ઓળખવા અને વેરિફિકેશન માટે મોબાઈલ નંબર અત્યંત મહત્વનો ભાગ ભજવતો હતો. પરંતુ, આ ચક્કરમાં સામેવાળી વ્યક્તિ, વેપારી કે અજાણ્યા સ્કેનરને આપણો પૂરો મોબાઈલ નંબર અને ઘણીવાર પૂરું નામ પણ દેખાઈ જતું હતું.
આના કારણે ખાસ કરીને મહિલા યુઝર્સ અને સામાન્ય લોકો માટે પ્રાઇવસીનો મોટો પ્રશ્ન ઊભો થયો હતો. સોશિયલ મીડિયા પર યુઝર્સે અસંખ્ય ફરિયાદો કરી હતી કે યુપીઆઈ પેમેન્ટ કર્યા બાદ અજાણ્યા લોકો તરફથી અનિચ્છનીય કોલ્સ, મેસેજ કે હેરેસમેન્ટ (હેરાનગતિ) નો સામનો કરવો પડે છે. આ ઉપરાંત, ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીના આધારે ડેટા ચોરી અને ફ્રોડ થવાનો ડર પણ રહેતો હતો.
એક યુપીઆઈ એપના સિનિયર એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, “DPDP એક્ટનો અમલ થવાને કારણે હવે પૂરું નામ કે મોબાઈલ નંબર જાહેર કરવો એ પ્રાઇવસીનું ઉલ્લંઘન ગણાશે. આથી NPCI તમામ સહભાગી બેંકો અને એપ્સ સાથે તેમની જવાબદારીઓ નક્કી કરી રહ્યું છે જેથી સિસ્ટમ નવી સુરક્ષા વ્યવસ્થા માટે તૈયાર થઈ શકે.”
NPCI નો સર્ક્યુલર: કઈ વિગતો પર વાગશે કાતર?
ગયા મહિને જ NPCI એ તમામ યુપીઆઈ એપ્સ અને પાર્ટનર બેંકોને એક કડક સર્ક્યુલર જારી કર્યો હતો. આ નિર્દેશ મુજબ:
-
ગ્રાહકોના મોબાઈલ નંબર, યુપીઆઈ આઈડી (UPI ID) અને બેંક એકાઉન્ટ નંબર જેવી અંગત માહિતી સ્ક્રીન પર દેખાતી બંધ કરવામાં આવશે.
-
પેમેન્ટ સ્ક્રીન પર સમગ્ર મોબાઈલ નંબર દર્શાવવાને બદલે માત્ર છેલ્લા ૪ આંકડા (જેમ કે ******1234) જ જોઈ શકાશે.

જો ફોન નંબર નહીં દેખાય, તો યુપીઆઈ પેમેન્ટ કેવી રીતે થશે?
ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે જો નંબર છુપાવી દેવામાં આવશે તો પેમેન્ટ કઈ રીતે થશે અને વેરિફિકેશન કેવી રીતે થશે? NPCI એ આ માટે ખાસ અને સરળ વિકલ્પો તૈયાર કર્યા છે:
૧. QR કોડ પેમેન્ટમાં કોઈ નંબર નહીં: જ્યારે પણ તમે કોઈ દુકાન કે પેમેન્ટ ક્યુઆર કોડ (QR Code) સ્કેન કરીને પૈસા ચૂકવશો, ત્યારે પેમેન્ટ પૂરું થયા પછી ના તો પેયર (પૈસા મોકલનાર) નો કે ના તો રિસીવર (પૈસા મેળવનાર) નો મોબાઈલ નંબર સ્ક્રીન કે સ્લિપ પર ડિસ્પ્લે થશે.
૨. કસ્ટમ યુપીઆઈ આઈડી (Custom UPI ID): સરકારે એપ્સને નિર્દેશ આપ્યો છે કે તેઓ યુઝર્સને તેમના મોબાઈલ નંબર વગરના ‘કસ્ટમ યુપીઆઈ આઈડી’ (જેમ કે john@upi કે rahul.pay@okbank) બનાવવાની સુવિધા આપે. આ આઈડીને જ બાય ડિફોલ્ટ આઈડી તરીકે સેટ કરવામાં આવશે જેથી નંબર ક્યારેય સામે આવે જ નહીં.
૩. માસ્ક્ડ ડિસ્પ્લે: જો મોબાઈલ નંબર દ્વારા પેમેન્ટ કરવામાં આવતું હશે તો પણ સ્ક્રીન પર આખો નંબર દેખાવાને બદલે માત્ર છેલ્લા ૪ ડિજિટ જ દેખાશે, જેથી વેરિફિકેશન પણ થઈ જાય અને નંબર પણ સુરક્ષિત રહે.
યુઝર્સની સુરક્ષા માટે ગેમ-ચેન્જર સાબિત થશે આ પગલું
ભારતમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનો આંકડો દર મહિને અબજો સુધી પહોંચી રહ્યો છે. આવા સમયે સાયબર સિક્યોરિટી અને પર્સનલ ડેટા પ્રોટેક્શન સૌથી પ્રાથમિક જરૂરિયાત બની ગયા હતા. સોશિયલ મીડિયા પર લાંબા સમયથી ચાલી રહેલી ઝુંબેશ અને ગ્રાહકોની ફરિયાદો બાદ લેવાયેલો આ નિર્ણય ભારતના ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને વધુ ભરોસાપાત્ર અને સુરક્ષિત બનાવશે.