વધુ પડતા UPI ટ્રાન્ઝેક્શન કરો છો? જાણો ક્યારે આવી શકે છે આવકવેરા વિભાગની નોટિસ
આજના ડિજિટલ યુગમાં કાગળની ચલણી નોટોનો ઉપયોગ ઘટી ગયો છે અને શાકભાજીની ખરીદીથી લઈને દૂધના બિલ કે મોંઘી વસ્તુઓની ખરીદી સુધી દરેક વ્યક્તિ UPI, નેટ બેંકિંગ અને ક્રેડિટ કાર્ડ પર નિર્ભર બની ગઈ છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી વ્યવહાર અત્યંત સરળ બની ગયો છે, પરંતુ શું વધુ પડતા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાથી આવકવેરા વિભાગની નોટિસ આવી શકે છે?
આ સવાલનો જવાબ છે — ‘હા’, પરંતુ દરેક નાના ટ્રાન્ઝેક્શન પર નહીં. સરકાર અને આવકવેરા વિભાગ ડિજિટલ ઈકોનોમીને પ્રોત્સાહન આપે છે, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિની જાહેર થયેલી આવક અને તેના ખાતામાં થતાં મોટા વ્યવહારો વચ્ચે તફાવત દેખાય છે, ત્યારે આવકવેરા વિભાગ સક્રિય થાય છે.
શું તમારા દરેક UPI પેમેન્ટ પર ટેક્સ વિભાગની નજર છે?
ઘણા લોકોના મનમાં એવો ડર હોય છે કે ચા-નાસ્તા કે કરિયાણાના સામાન્ય UPI ટ્રાન્ઝેક્શન પર પણ ટેક્સ લાગશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આવકવેરા વિભાગ રોજિંદા નાના વ્યવહારોની તપાસ કરતો નથી.
બેંકો, નાણાકીય સંસ્થાઓ અને પેમેન્ટ ગેટવે ફક્ત ‘સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ’ (SFT) નામના ખાસ રિપોર્ટિંગ સિસ્ટમ દ્વારા મોટી રકમના અને શંકાસ્પદ વ્યવહારોની માહિતી જ સરકારને મોકલે છે.

કયા વ્યવહારો સીધા આવકવેરા વિભાગની નજરમાં આવે છે?
આવકવેરા વિભાગ દ્વારા અમુક ચોક્કસ મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેને વટાવતાં જ સિસ્ટમ બેંકને રિપોર્ટ કરવા માટે એલર્ટ કરે છે:
-
બચત ખાતું (Savings Account): એક નાણાકીય વર્ષ દરમિયાન જો બચત ખાતામાં ૧૦ લાખ રૂપિયા કે તેથી વધુની રોકડ રકમ જમા કરાવવામાં આવે, તો બેંક તે અંગે ટેક્સ વિભાગને જાણ કરે છે.
-
ચાલુ ખાતું (Current Account): વેપારીઓ માટેના કરંટ એકાઉન્ટમાં એક વર્ષમાં ૫૦ લાખ રૂપિયા કે તેથી વધુની રોકડ જમા કે ઉપાડની વિગતો ફાઇલ થાય છે.
-
ક્રેડિટ કાર્ડ બિલ ચુકવણી: જો કોઈ વ્યક્તિ ક્રેડિટ કાર્ડનું બિલ ૧ લાખ રૂપિયાથી વધુ રોકડમાં આપે અથવા ઓનલાઈન માધ્યમથી વર્ષમાં ૧૦ લાખ રૂપિયા કે તેથી વધુ ચૂકવે, તો તે માહિતી વિભાગ સુધી પહોંચે છે.
-
મોટા રોકાણો અને મિલકત: ફિક્સ્ડ ડિપોઝિટ (FD), શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ કે બોન્ડમાં ૧૦ લાખ રૂપિયાથી વધુનું રોકાણ તેમજ ૩૦ લાખ રૂપિયાથી વધુ કિંમતની સ્થાવર મિલકત (જમીન, મકાન) ની ખરીદી કે વેચાણ સીધું રેકોર્ડ થાય છે.
-
ફોરેક્સ અને વિદેશી ખર્ચ: નાણાકીય વર્ષમાં ફોરેક્સ કાર્ડ કે વિદેશી ચલણમાં ૧૦ લાખ રૂપિયાથી વધુનો ખર્ચ પણ આવકવેરા વિભાગની નજરમાં આવે છે.
નોટિસ આવે ત્યારે શું થાય અને કેટલો દંડ થઈ શકે?
જો તમારી પાસે તમારા ખાતામાં આવેલી મોટી રકમ કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો યોગ્ય હિસાબ અને આવકનો સ્ત્રોત ન હોય, તો તેને ‘અઘોષિત આવક’ (Undisclosed Income) ગણવામાં આવે છે.
આવા કિસ્સાઓમાં જો ટેક્સ ચોરી સાબિત થાય, તો મૂળ ટેક્સ, વ્યાજ અને દંડ મળીને કુલ કરવેરાનો દર ૭૮ ટકા સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત, ગંભીર કેસોમાં વિભાગ તમારા પાછલા વર્ષોના ટેક્સ રેકોર્ડ અને બેંક સ્ટેટમેન્ટ્સ ફરીથી ખોલીને વિગતવાર તપાસ કરી શકે છે.

આવકવેરાની નોટિસ અને મુશ્કેલીથી બચવા માટેના સરળ ઉપાયો
ઓનલાઈન કે UPI વ્યવહારો કરતી વખતે થોડી સાવચેતી રાખવામાં આવે તો આવી નોટિસોથી સરળતાથી બચી શકાય છે:
૧. અલગ બેંક ખાતા રાખો: જો તમે ફ્રીલાન્સર કે નાના વેપારી છો, તો અંગત વપરાશ માટેનું બચત ખાતું અને વ્યાવસાયિક વ્યવહારો માટેનું ખાતું સંપૂર્ણ અલગ રાખો.
૨. આવક અને ભેટના પુરાવા: જો તમને સંબંધીઓ તરફથી કોઈ મોટી રકમ કે ભેટ (Gift) મળી હોય, તો તેના લેખિત દસ્તાવેજો અથવા બેંક ટ્રાન્સફરનો રેકોર્ડ સાચવી રાખવો.
૩. AIS અને Form 26AS ચકાસો: તમારું આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરતા પહેલાં ઇનકમ ટેક્સ પોર્ટલ પર જઈને તમારું ‘એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ’ (AIS) અને Form 26AS ખાસ ચકાસી લો.
૪. ખોટા ડેટા પર ફીડબેક આપો: જો તમને તમારા AIS માં કોઈ એવો વ્યવહાર દેખાય જે તમારો નથી અથવા ભૂલથી નોંધાયો છે, તો ઈનકમ ટેક્સ પોર્ટલ પર જઈને તરત જ ઓનલાઈન ફીડબેક સબમિટ કરીને તેને સુધારી શકાય છે.
ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી ડરવાની જરૂર નથી, પરંતુ મોટા નાણાકીય વ્યવહારો કરતી વખતે તેનો સાચો હિસાબ અને કાગળો પાસે રાખવા હિતાવહ છે.