પાકિસ્તાને ભારતીય બોર્ડર પાસે તૈનાત કરી ૨૫૦ SH-15 હોવિત્ઝર તોપો
ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદે તણાવ ફરી એકવાર વધી રહ્યો છે. તાજેતરના ગુપ્તચર અહેવાલો મુજબ, પાકિસ્તાને ભારત સાથેની તેની પૂર્વ સરહદે ચીનમાં બનેલી ૨૫૦ ‘SH-15’ ટ્રક-માઉન્ટેડ સેલ્ફ-પ્રોપેલ્ડ હોવિત્ઝર તોપો તૈનાત કરી દીધી છે. પાકિસ્તાની સેનાએ ઉત્તરથી લઈને દક્ષિણ સુધીના મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ક્ષેત્રોમાં આ ભારે અને આધુનિક ૧૫૫mm તોપોને પદ્ધતિસર ગોઠવવાનું શરૂ કરી દીધું છે.
વિશ્લેષકોનું માનવું છે કે આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે પાકિસ્તાન તેની લશ્કરી તાકાતને ઝડપથી આધુનિક બનાવવા માંગે છે. એવું માનવામાં આવે છે કે આ તૈયારી મે ૨૦૨૫ દરમિયાન ભારતના ‘ઓપરેશન સિન્દૂર’ પછી વધુ તેજ કરવામાં આવી છે, જેથી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકાય.
શું છે SH-15 હોવિત્ઝર તોપની વિશેષતા?
આ ખતરનાક આર્ટિલરી સિસ્ટમ ચીનની સરકારી રક્ષણ કંપની ‘NORINCO’ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ચીની સેના (PLA) દ્વારા ઉપયોગમાં લેવાતી ‘PCL-181’ વ્હીલ્ડ સેલ્ફ-પ્રોપેલ્ડ હોવિત્ઝરનું આ એક એક્સપોર્ટ વર્ઝન છે, જે પાકિસ્તાનને વેચવામાં આવ્યું છે.
આ તોપની ટેકનિકલ વિશેષતાઓ પર નજર કરીએ તો:
-
દમદાર ચેસીસ: તેને 6×6 આર્મર્ડ શાન્સી ટ્રકના ચેસીસ પર ફીટ કરવામાં આવી છે, જેથી તેને ગમે ત્યાં લઈ જવી ખૂબ જ સરળ બને છે.
-
ઝડપ: તે રસ્તા પર 90 કિલોમીટર પ્રતિ કલાક (kmph) ની ઝડપે દોડી શકે છે. ખાડાટેકરાવાળા અને પહાડી કે મુશ્કેલ વિસ્તારોમાં પણ તે પલક ઝપકતા જ પોતાની જગ્યા બદલી શકે છે.
-
મારક ક્ષમતા: 155mm/52-કેલિબરવાળી આ તોપ નાટો-સુસંગત (NATO-compatible) ગોળા-બારૂદ દ્વારા સરળતાથી 30 થી 40 કિલોમીટર દૂર સુધી દુશ્મનના ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરી શકે છે. વળી, જો તેમાં રોકેટ-આસિસ્ટ્ડ ‘V-LAP પ્રોજેક્ટાઇલ’નો ઉપયોગ કરવામાં આવે, તો તેની રેન્જ વધીને 53 થી 72 કિલોમીટર સુધી થઈ જાય છે.
-
ઓટોમેટિક સિસ્ટમ: તેમાં આધુનિક ઓટોમેટેડ ફાયર-કંટ્રોલ સિસ્ટમ અને હાઇડ્રોલિક સ્ટેબિલાઇઝિંગ સ્પૅડ્સ લગાવેલા છે. તેની મદદથી સૈનિકો તેને ખૂબ ઓછા સમયમાં તૈનાત કરી શકે છે. આ તોપ એક મિનિટમાં 6 રાઉન્ડ સુધી તોફાની ફાયરિંગ કરી શકે છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે દુશ્મનના કાઉન્ટર-બેટરી અટેક કરવા પહેલાં જ પોતાની જગ્યા બદલીને સુરક્ષિત સ્થાને પહોંચી શકે છે.
ચીન અને પાકિસ્તાનની વધતી રક્ષા ભાગીદારી
પાકિસ્તાન અને ચીન વચ્ચે શસ્ત્રોનો આ સોદો બંને દેશો વચ્ચે સતત ગાઢ થઈ રહેલી રક્ષા ભાગીદારીને સ્પષ્ટપણે દર્શાવે છે. છેલ્લા એક દાયકામાં બેઇજિંગ અને ઇસ્લામાબાદ વચ્ચે લશ્કરી લેવડ-દેવડ અને વ્યૂહાત્મક સહયોગમાં મોટો વધારો થયો છે.
શસ્ત્રોની ખરીદી-વેચાણ ઉપરાંત, બંને દેશોએ પોતાના નેટવર્ક-આધારિત કમાન્ડ-એન્ડ-કંટ્રોલ સિસ્ટમને મજબૂત કરવા અને પરસ્પર તાલમેલ વધારવા માટે સંયુક્ત લશ્કરી અભ્યાસો પણ ખાસ્સા વધારી દીધા છે. ચીન સતત પાકિસ્તાનને અત્યાધુનિક હથિયારો પૂરા પાડીને ભારત વિરુદ્ધ વ્યૂહાત્મક દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
આસિમ મુનીરનું ચીન પ્રત્યેનું વલણ અને નિવેદન
તાજેતરમાં રાવલપિંડી સ્થિત જનરલ હેડક્વાર્ટર ખાતે પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ની સ્થાપનાની 99મી વર્ષગાંઠ ધામધૂમથી ઉજવવામાં આવી. આ કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાનના ચીફ ઓફ ડિફેન્સ ફોર્સેઝ અને ફિલ્ડ માર્શલ આસિમ મુનીરે ખુલ્લેઆમ ચીનના વખાણ કર્યા હતા.
આસિમ મુનીરે પાકિસ્તાન અને ચીનના સંબંધોને “અનન્ય અને સમયની કસોટી પર ખરા ઉતરેલા” ગણાવ્યા હતા. તેમણે એ પણ કહ્યું કે બદલાતી ક્ષેત્રીય અને વૈશ્વિક પડકારો છતાં બેઇજિંગ અને ઇસ્લામાબાદ વચ્ચેની મિત્રતા પહેલાની જેમ જ મજબૂતાઈથી કાયમ છે.
જોકે, ભારતીય રક્ષા એજન્સીઓ પાકિસ્તાનની આ લશ્કરી તૈનાતી અને ચીન સાથેની તેની વધતી નિકટતા પર ખૂબ જ ઝીણવટભરી નજર રાખી રહી છે. ભારતીય સેના કોઈપણ સંભવિત દુસાહસનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણપણે સજ્જ અને તૈયાર છે.