UPI ફ્રોડ પર લાગશે લગામ! હવે શંકાસ્પદ પેમેન્ટ પહેલા સ્ક્રીન પર દેખાશે Yes/No નું એલર્ટ
ભારતમાં ડિજિટલ પેમેન્ટ્સ ક્ષેત્રે ક્રાંતિ સર્જનારા યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા દર મહિને ૨૩ અબજથી પણ વધુ વ્યવહારો થાય છે. પરંતુ ડિજિટલ વ્યવહારોના આ વિશાળ વ્યાપની સાથે જ સાયબર ગુનાઓ, ડીપફેક ટેકનોલોજી દ્વારા થતી છેતરપિંડી, નકલી રિફંડ સ્કેમ અને ઓથોરાઇઝ્ડ પુશ પેમેન્ટ (APP) ફ્રોડ જેવા કિસ્સાઓમાં પણ ભારે ઉછાળો આવ્યો છે.
આવા ઓનલાઇન ફ્રોડમાંથી સામાન્ય ગ્રાહકોના કરોડો રૂપિયા બચાવવા માટે દેશની મુખ્ય બેંકોએ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ને એક નવું બહુસ્તરીય સુરક્ષા મોડેલ પ્રસ્તાવિત કર્યું છે.
શું છે ‘YES/NO’ પુષ્ટિકરણ પ્રોમ્પ્ટ અને ‘લેગ્ડ ક્રેડિટ’?
નવા પ્રસ્તાવિત સુરક્ષા મોડેલ હેઠળ, જ્યારે કોઈ યુઝર કોઈ પીઅર-ટુ-પીઅર (P2P) વ્યવહાર અથવા શંકાસ્પદ પેમેન્ટ કરશે, ત્યારે તે રકમ સામનેવાળા ખાતામાં જમા થાય તે પહેલાં મોકલનારની મોબાઇલ સ્ક્રીન પર ‘YES/NO’ નો એક ખાસ પોપ-અપ પ્રોમ્પ્ટ દેખાશે.
જો ગ્રાહક ‘YES’ પર ટેપ કરશે, તો જ ચુકવણી આગળ વધશે. જો તેઓ ‘NO’ પસંદ કરશે, તો વ્યવહાર તાત્કાલિક રદ થઈ જશે. પરંતુ જો યુઝર સ્ક્રીન પર કોઈ જ રિસ્પોન્સ નહીં આપે, તો પૈસા તાત્કાલિક ટ્રાન્સફર થવાને બદલે ૧ કલાકના વિલંબ (Lagged Credit) પછી સામેવાળાના ખાતામાં જમા થશે.
આ એક કલાકનો સમયગાળો એટલા માટે રાખવાની ભલામણ કરાઈ છે જેથી સાયબર ફ્રોડનો ભોગ બનેલો ગ્રાહક સમયસર પોતાની બેંક અથવા સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરીને ટ્રાન્ઝેક્શન ફ્રીઝ કરાવી શકે.

માત્ર શંકાસ્પદ વ્યવહારો માટે જ પ્રોમ્પ્ટ દર્શાવવાની માંગ
આરબીઆઈ દ્વારા રજૂ કરવામાં આવેલા ચર્ચા પત્રમાં ₹૧૦,૦૦૦ થી વધુના તમામ વ્યવહારો માટે આવું સ્ક્રીન પોપ-અપ એલર્ટ આપવાનું સૂચન કરવામાં આવ્યું હતું. જોકે, દેશની મોટાભાગની બેંકોએ દરેક સામાન્ય ટ્રાન્ઝેક્શનમાં આવો વિલંબ કરવાનો વિરોધ કર્યો છે. બેંકોને ભય છે કે દરેક પેમેન્ટમાં ઘર્ષણ અથવા વિલંબ લાવવાથી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ધીમી પડી જશે અને ગ્રાહકો ફરી રોકડ વ્યવહારો તરફ વળી શકે છે.
તેથી બેંકોએ સુચવ્યું છે કે આ ‘YES/NO’ એલર્ટ માત્ર અસામાન્ય વર્તન દર્શાવતા ઉચ્ચ-જોખમવાળા વ્યવહારો પર જ દેખાવું જોઈએ. ઉદાહરણ તરીકે:
-
સવારે ૨ વાગ્યા જેવા મોડી રાત્રિના અસામાન્ય સમયે કરવામાં આવતા મોટા ટ્રાન્સફર.
-
ગ્રાહક જે પ્રાપ્તકર્તાને અગાઉ ક્યારેય પૈસા ન મોકલ્યા હોય તેવા નવા ખાતામાં પેમેન્ટ.
-
તાજેતરમાં જ ખોલવામાં આવેલા અથવા શંકાસ્પદ બેંક ખાતા (મની મ્યુલ અકાઉન્ટ્સ) માં નાણાં ટ્રાન્સફર કરવા.
આ ઉપરાંત બેંકોએ શરૂઆતના ચરણ બાદ આ લિમિટ ₹૧૦,૦૦૦ થી વધારીને ₹૨૦,૦૦૦ કે ₹૨૫,૦૦૦ કરવાની પણ ભલામણ કરી છે.

વધતી જતી ઓથોરાઇઝ્ડ પુશ પેમેન્ટ છેતરપિંડી
બેંકિંગ નિષ્ણાતોના મતે, હાલમાં મોટાભાગની સાયબર છેતરપિંડી ‘ઓથોરાઇઝ્ડ પુશ પેમેન્ટ’ દ્વારા થાય છે, જ્યાં ફ્રોડ કરનારા ગ્રાહકને ડરાવીને, લાલચ આપીને કે નકલી ડિજિટલ અરેસ્ટ જેવી ધમકીઓ આપીને ગ્રાહક પાસે પોતે જ UPI પિન નંખાવીને ટ્રાન્ઝેક્શન કરાવે છે.
UPI માં ₹૧૦,૦૦૦ થી વધુના વ્યવહારો ભલે કુલ વોલ્યુમના માત્ર ૨ ટકા જેટલા જ હોય, પરંતુ આંકડાકીય રીતે તેમની સંખ્યા કરોડોમાં થાય છે. રિઝર્વ બેંક આ તમામ પાસાઓ પર બેંકોના પ્રતિસાદની સમીક્ષા કરી રહી છે અને ટૂંક સમયમાં જ નકલી કૉલ્સ તથા ઓનલાઇન ચોરી રોકવા માટે નવા ડ્રાફ્ટ નિયમો અને માર્ગદર્શિકા બહાર પાડશે.