ટ્રમ્પના હેલિકોપ્ટરની નજીક પહોંચ્યું પેસેન્જર જેટ, એવિએશન એજન્સી દ્વારા તપાસ શરૂ
દુનિયાના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિની સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એર સુરક્ષામાં એક મોટી ચૂકનો માોમલો સામે આવ્યો છે, જેનાથી હડકંપ મચી ગયો છે. રાષ્ટ્રપતિને લઈ જતું અધિકૃત મરિન વન (Marine One) હેલિકોપ્ટર વોશિંગ્ટન ડીસીના આકાશમાં એક કોમર્શિયલ પેસેન્જર જેટની અત્યંત નજીક આવી ગયું હતું. રાહતની વાત એ રહી કે બંને વિમાનો વચ્ચે કોઈ મોટી દુર્ઘટના ઘટી ન હતી, પરંતુ આ ઘટનાએ એવિએશન સેફ્ટી એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ આ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરી દીધી છે.
શું છે સમગ્ર મામલો અને કેવી રીતે થઈ આ ચૂક?
આ ઘટના મંગળવાર બપોરની છે, જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને મિલિટરી હેલિકોપ્ટરે વ્હાઇટ હાઉસ પાસે આવેલા એલિપ્સ (Ellipse) પરથી ઉડાન ભરી હતી. રાષ્ટ્રપતિએ આ હેલિકોપ્ટર દ્વારા જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ જવાનું હતું, જ્યાંથી તેમને લૉસ એન્જલસ માટે રવાના થવાનું હતું.
પ્રારંભિક રિપોર્ટ્સ મુજબ, જ્યારે મરિન વન હવામાં હતું, તે જ સમયે એર ટ્રાફિક કંટ્રોલર (ATC) તરફથી મોટી ચૂક થઈ ગઈ. એટીસી ઉત્તર વર્જિનિયાના રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટ પરથી ઉડતી કોમર્શિયલ ફ્લાઇટ્સને સમયસર રોકવામાં નિષ્ફળ રહ્યું. પરિણામ એ આવ્યું કે મરિન વન અને ઉત્તર ફ્લોરિડાના પેન્સાકોલા જઈ રહેલું એક કોમર્શિયલ પેસેન્જર જેટ (એમ્બ્રેયર E170 જેટ) એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા. આ જેટ અમેરિકન એરલાઇન્સની સહાયક કંપની એનવોય એર (Envoy Air) ની ફ્લાઇટ 3742 હતું, જેણે નિર્ધારિત સમય કરતાં 34 મિનિટ મોડી ઉડાન ભરી હતી.
ઉડાન દરમિયાન ‘લોસ ઓફ સેપરેશન’ ની સ્થિતિ
સમાચાર એજન્સી રોઇટર્સને એક સૂત્રએ માહિતી આપી કે ઉડાન દરમિયાન ‘અંતર ઓછું થવાની’ (લોસ ઓફ સેપરેશન) આ ઘટના બની હતી. ગયા વર્ષે અમેરિકામાં થયેલા એક ભયાનક વિમાન અકસ્માત પછી FAA એ અત્યંત કડક નિયમો લાગુ કર્યા હતા. નવા નિયમો અનુસાર, એરપોર્ટની આસપાસ ઉડતા વિમાનો વચ્ચે ઓછામાં ઓછું 1.5 માઈલનું હોરિઝોન્ટલ (ક્ષૈતિજ) અને 500 ફૂટનું વર્ટિકલ (ઊભું) અંતર જાળવવું અનિવાર્ય કરવામાં આવ્યું હતું.
તાજેતરની ઘટનામાં મરિન વન અને એનવોય જેટ વચ્ચે આ નિર્ધારિત અંતર જળવાઈ શક્યું ન હતું. જો કે, રાહતની વાત એ રહી કે પ્રારંભિક તપાસ અને સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને વિમાનો સીધી રીતે ટકરાવાની સ્થિતિમાં ન હતા અને તેઓ સતત એકબીજાની વિરુદ્ધ દિશામાં જ આગળ વધી રહ્યા હતા. બંને વિમાનોએ કોઈપણ મોટી અડચણ વગર પોતાની યાત્રા પૂરી કરી અને એનવોય જેટ સુરક્ષિત રીતે પેન્સાકોલામાં લેન્ડ થઈ ગયું.
ત્રીજા વિમાનના પણ નજીક આવવાનો ખુલાસો
મામલાની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ ચોંકાવનારી નવી બાબતો સામે આવી રહી છે. રોઇટર્સના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના દરમિયાન એક ત્રીજું વિમાન પણ સુરક્ષા ઘેરાની તદ્દન નજીક આવી ગયું હતું. ઉત્તર કેરોલિનાથી વોશિંગ્ટન ડીસી આવી રહેલી ‘રિપબ્લિક 4700’ નામની રીજનલ ફ્લાઇટ રીગન નેશનલ એરપોર્ટથી માંડ 3 માઈલના અંતરે હતી, જેને લેન્ડિંગ કરતા પહેલા હવામાં જ ચક્કર લગાવવાના નિર્દેશો આપવા પડ્યા હતા. FAA હવે આ સમગ્ર ઘટનાની તળસ્પર્શી તપાસ માટે એક વિશેષ સુરક્ષા સમીક્ષા ટીમની રચના કરવા જઈ રહ્યું છે.
વ્હાઇટ હાઉસ અને FAA નું સત્તાવાર નિવેદન
આ સનસનાટીભર્યા ઘટના સામે આવ્યા બાદ અમેરિકી પ્રશાસન સ્પષ્ટતાઓ આપવામાં વ્યસ્ત થઈ ગયું છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે તે મરિન વનની સુરક્ષા સાથે જોડાયેલી આ ઘટનાની તપાસ કરી રહી છે, પરંતુ પ્રારંભિક સંકેતો એવા છે કે આ કોઈ અત્યંત જોખમી સ્થિતિ ન હતી અને ન તો વિમાનોની ટક્કરની કોઈ વાસ્તવિક નોબત આવી હતી.
બીજી બાજુ, વ્હાઇટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઈએ ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ સાથે વાતચીત કરતા રાષ્ટ્રપતિની સુરક્ષાનો સંપૂર્ણ ભરોસો અપાવ્યો. તેમણે કહ્યું, “મરિન વનની ફ્લાઇટ્સ દુનિયાના કેટલાક સૌથી શ્રેષ્ઠ અને કુશળ પાઇલટ્સ ઉડાડે છે. રાષ્ટ્રપતિને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ક્યારેય કોઈ જોખમ ન હતું.”
ગયા વર્ષના ભયાનક અકસ્માતની યાદો તાજી
આ ઘટનાએ ગયા વર્ષે જાન્યુઆરીમાં રાજધાની ઉપર થયેલા તે દર્દનાક અકસ્માતની યાદો તાજી કરી દીધી છે, જેમાં એક કોમર્શિયલ એરલાઇનર અને સેનાનું બ્લેક હોક હેલિકોપ્ટરસામસામે અથડાઈ ગયા હતા. તે ભયાનક અકસ્માતમાં 67 લોકોના જીવ ગયા હતા, જે છેલ્લા બે દાયકામાં અમેરિકી ધરતી પર થયેલો સૌથી ઘાતક વિમાન અકસ્માત હતો. બાદમાં અમેરિકી સરકારે કોર્ટમાં સ્વીકાર્યું હતું કે તે અકસ્માતમાં FAA અને સેના તરફથી ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી.
આ જ કારણ છે કે આ વખતે મરિન વન અને કોમર્શિયલ જેટના નજીક આવવાની આ ઘટનાને બિલકુલ હળવાશથી લેવામાં આવી રહી નથી. ભલે રાષ્ટ્રપતિ સુરક્ષિત છે અને મોટી દુર્ઘટના ટળી ગઈ છે, પરંતુ આ તાજેતરની ચૂકે ફરી એકવાર અમેરિકી એર ટ્રાફિક મેનેજમેન્ટની કાર્યપ્રणाली પર ગંભીર સવાલો ઊભા કરી દીધા છે.