ભારત વિરુદ્ધ શ્રીલંકા ટેસ્ટ શ્રેણી: પ્રથમ ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, ધનંજય ડી સિલ્વા સોંપાઈ કેપ્ટનશીપ નવા ચહેરાઓને મળ્યો મોકો
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી બે મેચોની ટેસ્ટ શ્રેણી માટે ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ૧૫ ઓગસ્ટથી ગાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શરૂ થવા જઈ રહી છે. મેચ શરૂ થવાને માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે આખરે પ્રથમ ટેસ્ટ માટે પોતાની ૧૬ સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે.
શ્રીલંકાની ટીમે આ શ્રેણી માટે કેટલાક નવા અને ઉભરતા ચહેરાઓને સ્થાન આપ્યું છે. બીજી તરફ, ભારતીય ટીમ અગાઉથી જ ગાલે પહોંચી ચૂકી છે અને તેણે ત્રણ દિવસીય વોર્મ-અપ મેચ જીતીને પોતાની તૈયારીઓ મજબૂત કરી લીધી છે.
ધનંજય ડી સિલ્વા કેપ્ટન, કમિન્ડુ મેન્ડિસ ઉપ-કેપ્ટન
ટીમની જાહેરાતમાં વિલંબ પાછળ શ્રીલંકાના કેટલાક મુખ્ય ખેલાડીઓની ઈજાની સમસ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, તમામ અટકળો પર વિરામ મૂકતા બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે અનુભવી ઓલરાઉન્ડર ધનંજય ડી સિલ્વા ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા યુવા બેટ્સમેન કમિન્ડુ મેન્ડિસને ઉપ-કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.

શ્રીલંકન ટીમમાં દિનેશ ચાંડીમલ અને કુસલ મેન્ડિસ જેવા અનુભવી ખેલાડીઓ સાથે સાથે પ્રભત જયસૂર્યા જેવા ઘાતક સ્પિનરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગાલેની સ્પિન-ફ્રેન્ડલી પીચ પર પ્રભત જયસૂર્યા ભારતીય બેટ્સમેનો માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે.
ભારતીય ટીમમાં બે મહત્વપૂર્ણ ફેરફાર
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ શ્રેણી માટે અગાઉથી જ ટીમની જાહેરાત કરી દીધી હતી. જોકે, મેચ પહેલા ભારતીય ટીમમાં બે મુખ્ય ફેરફાર કરવા પડ્યા છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને યુવા બેટ્સમેન સાઈ સુધરસન ઈજાના કારણે આ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. તેમના સ્થાને આકિબ નબી અને સરફરાઝ ખાનને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
શુભમન ગિલના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમ આ શ્રેણીમાં પોતાના દમદાર ફોર્મને જાળવી રાખવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
પ્રથમ ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ:
ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), કમિન્ડુ મેન્ડિસ (ઉપ-કેપ્ટન), લાહિરુ ઉદારા, નિશાન મદુષ્કા, દિનેશ ચાંડીમલ, પસીંદુ સૂર્યાબંદરા, કૂસલ મેન્ડિસ (વિકેટ-કીપર), વિશ્વા ફર્નાન્ડો, રમેશ મેન્ડિસ, પ્રબથ જયસૂર્યા, કેશરા નુવંથા, મિલન રથનાયકે, અસિથા ફર્નાન્ડો, લાહિરુ કુમારા, દિલશાન મદુષ્કા.
Sri Lanka have unveiled squad for the first home Test against India in Galle 📝#WTC27https://t.co/IqRQEOQinO
— ICC (@ICC) August 12, 2026
શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમ:
શુભમન ગિલ (કેપ્ટન), કે.એલ. રાહુલ (ઉપ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત (વિકેટ-કીપર), ધ્રુવ જુરેલ (વિકેટ-કીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકિબ નબી, સરફરાઝ ખાન, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ.